‘મોદી હૈ તો મુમકીન હૈ…’ સામા પુરે ચાલીને આફતને અવસરમાં બદલવાની તાકાત ધરાવતા મોદીએ મંત્રી મંડળના વિસ્તરણમાં પણ ભાજપ પ્રભુત્વવાળા વિસ્તારોને વધુ વજનદાર બનાવી નવો ચીલો ચાતર્યો: નબળા વિસ્તારોને સાઈડલાઈન કરવાનો વ્યૂહ
‘મોદી હૈ તો મુમકીન હૈ..’ મોદી સરકારની 02ની ઈનીંગમાં પહેલી વખત કેન્દ્રીય મંત્રી મંડળમાં કરવામાં આવેલા ધરખમ ફેરફારમાં વિઝન-2024ની તૈયારીના સ્પષ્ટ સંકેતો મળી રહ્યાં છે. નરેન્દ્ર મોદી રાજકારણમાં સામા પુરે ચાલીને આફતને અવસરમાં બદલવાની એક અદ્ભૂત આવડત ધરાવે છે, ગુજરાતના રાજકારણથી લઈને કેન્દ્ર સુધી દિગ્વિજય યજ્ઞના ઘોડાની જેમ પોતાની કારકિર્દી અથાકપણે જરાપણ પીછેહટ કર્યા વગર આગળ વધારવામાં સફળ રહેલા નરેન્દ્ર મોદીએ દેશના રાજકારણમાં અનેક નવી ટેકનીક અને ચીલો ચાતરવાની ઉભી કરેલી પ્રથાની જેમ જ ગઈકાલે થયેલા કેબીનેટનાં વિસ્તરણમાં નરેન્દ્ર મોદીએ ગણતરીપૂર્વક કેબીનેટમાં સ્થાનથી લઈ મંત્રીઓના અપગ્રેડેશન અને જવાબદારીમાં 2024ની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પ્રત્યેક પગલા લાંબાગાળાના રાજકીય સમીકરણોને લઈ લીધા છે.
સામાન્ય રીતે રાજ્ય કે કેન્દ્રના મંત્રી મંડળમાં પ્રદેશ, જ્ઞાતિ અને રાજકીય સમીકરણોમાં જ્યાં ‘રાજકીય નબળાઈ’ હોય ત્યાં મજબૂતી પ્રાપ્ત કરવા માટે વજન આપવાનો રિવાજ છે. પરંતુ ગઈકાલે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશના રાજકારણમાં જ્યાં ભાજપને મજબૂત જનાધાર પ્રાપ્ત થયો છે અને જે વિસ્તાર ભાજપના પ્રભુત્વવાળો છે ત્યાં વધારે મજબૂત સ્થિતિ ઉભી કરવાનો વ્યૂહ અપનાવાયો છે. નબળા વિસ્તારોને મજબૂત કરવામાં રાજકીય શક્તિ વેડફવાના બદલે પોતિકા વિસ્તારોને વધુ બળવતર બનાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. કેબીનેટના વિસ્તરણની આ મોદી ટેકનીક પણ રાજકારણમાં એક નવો ચીલો ચાતરનારી બની રહેશે.
43 મંત્રીમાં 15 કેબિનેટ, 28ને રાજ્યકક્ષાની જવાબદારી આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં ગયા વર્ષે કોંગ્રેસ છોડી ભાજપને સાથ આપનાર અને સત્તા અપાવવા બદલ જ્યોતિરાદિત્ય સિંધીયાને મોદી સરકારના મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટમાં વડાપ્રધાનને બાદ કરતા અગાઉ 43 મંત્રીઓની સંખ્યા વધારીને 77ની સંખ્યા કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ કર્મચારી, પેન્શન, પબ્લીક, ગ્રેવીએશન, અણુ ઉર્જા, અંતરીક્ષ વિભાગ, નીતિ અને મંત્રીઓને ન ફાળવાયેલા ખાતા પોતાની પાસે રાખ્યા છે.
અમિત શાહ માટે નવું બનાવેલું સહકારીતા ખાતુ, રાજનાથસિંહ પાસે સંરક્ષણ, નીતિન ગડકરી રોડ, ટ્રાન્સપોર્ટ, નરેન્દ્રસિંહ તોમર કૃષિ વિકાસ કલ્યાણ, એસ.જયશંકર વિદેશ, નિર્મલા સિતારમન નાણા, ગજેન્દ્ર શેખાવત જળ શક્તિ, મહેન્દ્રનાથ પાંડે હેવી ઈન્ડસ્ટ્રીઝ, જી.કિશન રેડ્ડી સંસ્કૃતિ પર્યટન, અર્જૂન મુંડા જનજાતિય, મનસુખ માંડવીયા સ્વસ્થ આરોગ્ય, કેમીકલ ફર્ટીલાઈઝર, ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ, સ્કીલ ડેવલોપમેન્ટ, અશ્ર્વિન વૈશ્ર્નવ રેલવે, કોમ્યુનિકેશન, ઈલેકટ્રીક, આઈટી, પિયુષ ગોયલ ટેક્ષટાઈલ્સ, વેપાર-ઉદ્યોગ-ગ્રાહક, અનાજ વિતરણ, પ્રદિપસિંહ તુરી પેટ્રોલીયમ, ગેસ, હાઉસીંગ, શહેરી, સ્મૃતિ ઈરાની મહિલા બાળ, સ્વચ્છ ભારત, જ્યોતિરાદિત્ય સિંધીયા નાગરિક ઉડ્ડયન, પશુપતિ પારસ ફૂડ પ્રોસેસીંગ, કિરણ રિજ્જુ કાયદો, ન્યાય, સર્વાનંદ સોનપાલ આયુશ, પોર્ટ, જળમાર્ગ, પુરૂષોતમ રૂપાલા ડેરી, ફીશરીઝ, અનુરાગ ઠાકુર ખેલ, યુવા, ગીરીરાજસિંહ ગ્રામીણ, પંચાયતી રાજ, ભુપેન્દ્ર યાદવ શ્રમ, પ્રહલાદ જોશી સંસદીય મામલો, કોલસા, ખનન, આર.કે.સિંહ કાયદો, વીજળી, નારાયણ રાણે લઘુ, મધ્યમ ઉદ્યોગ, મુકતાર અબ્બાસ નકવી, લઘુમતી બાબતો, ડો.વિજેન્દ્ર કુમાર સામાજીક ન્યાય અને રામચંદ્ર પ્રકાશસિંહને સ્ટીલનો હવાલો આપવામાં આવ્યો છે. નવલોહિયાને જગ્યા આપી મોદીએ 2024નું વિઝન રજુ કર્યું છે.
કેટલાયે દિગ્ગજોને ઘરભેગા કરાયા
નબળો વહીવટ ન ચાલે, જવાબદારીમાં ઉણા ઉતરેલાઓને પડતા મુકાયા, દેશના રાજકારણમાં કોર્પોરેટ ટચ આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકમાત્ર એવા નેતા છે કે જે પક્ષ અને સરકારના હિતમાં કોઈપણ નિર્ણય જરા પણ ડગ્યા વગર લઈ શકે છે. ગઈકાલના મંત્રી મંડળના વિસ્તરણમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાંક આકરા નિર્ણયો લઈને દિગ્ગજ ગણાતા નેતાઓને વેંતરી નાખ્યા હતા. જેમાં કેબિનેટ કક્ષાના 6 સહિતના 12 મંત્રીઓને પડતા મુકી દેવામાં આવ્યા હતા. રવિશંકર પ્રસાદ તેમના કાર્યકાળ દરમિયાન માઓવાદી વિસ્તારમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી, પ્રસાર-પ્રચાર નેટવર્ક ઉભુ કરવામાં અને ટવીટર સામેના કાનૂની વિવાદમાં આકરા પગલા લેવામાં ઉણા ઉતર્યા હતા તે મોદી સરકારના પ્રવકતા તરીકે પણ અપેક્ષા પૂરી કરી શકયા ન હતા.
હર્ષવર્ધનને સોંપાયેલું આરોગ્ય ખાતુ કોરોનાકાળ દરમિયાન વ્યવસ્થામાં ઉણુ ઉતર્યું હતું અને હોસ્પિટલો, ખાટલા, વેન્ટિલેટર અને રસીકરણની નબળાઈથી સરકારને નીચુ જોવાનું થયું હતું. પ્રકાશ જાવડેકર માહિતી અને પ્રસારણ, વન-પર્યાવરણ મંત્રી તરીકે તેમનું પરર્ફોમન્સ બરાબર રહ્યું નહોતું. રમેશ પોખરીયાલ નિશંકને ઈતિહાસમાંથી કેટલીક વાંધાજનક બાબતો હટાવવાની આપેલી જવાબદારીમાં તે ઉણા ઉતર્યા હતા. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હોવા છતાં તેમને વેંતરી નાખવામાં આવ્યા છે. થાવરચંદ ગેહલોતને કર્ણાટકના ગવર્નર તરીકે બદલી દેવામાં આવ્યા છે. જ્યારે કતારીયાને પડતા મુકી દેવામાં આવ્યા છે. સદાનંદ ગૌડાનું મંત્રી મંડળ બદલાવવામાં આવ્યું છે. સંતોષ ગંગવાર પર વિસ્થાપિત મજૂરોની લોકડાઉનમાં ઉભી થયેલી સમસ્યા ઉકેલવામાં નિષ્ફળતાનો આરોપ હતો. વડાપ્રધાન મોદીએ ઉણા ઉતરેલા તમામને કદ મુજબ વેંતરી નાખીને સરકારના પરર્ફોમન્સમાં અવરોધરૂપ બનનારા કોઈને પણ ન ચલાવી લેવાની પોતાની તાસીરનો પરચો બતાવ્યો છે.
મોદી સરકારનું મિશન-2024 સ્પષ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલતી સરકાર વિકાસની સાથે સાથે લોકસભાની 2024ની ચૂંટણીને લક્ષમાં રાખીને તમામ પગલાઓ લઈ રહી છે. ગઈકાલના મંત્રી મંડળના વિસ્તરણમાં ઓબીસી જ્ઞાતિને વજન અને ભાજપના પ્રભાવી વિસ્તારને વધુ મહત્વ આપવાની રણનીતિમાં ઉત્તરપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના ભાજપ પ્રભાવિત વિસ્તારોને વધુ મજબૂત બનાવવાની રણનીતિ દેખાઈ રહી છે. પક્ષના વફાદાર અને પક્ષને કામ આવે તેવા દરેક વ્યક્તિને વજન આપવાની નીતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની આગવી સુઝ અને ‘વિટો પાવર’નો પુરેપુરો ઉપયોગ કરી દીધો છે.
મનસુખ માંડવીયા માટે આરોગ્ય વિભાગની જવાબદારીનો રોડમેપ અગાઉથી જ તૈયાર કરી લેવામાં આવ્યો હતો
મોદી સરકારના કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતને પુરેપૂરુ મહત્વ આપવામાં આવ્યું છે. પુરુષોત્તમ રૂપાલાની સાથે સાથે મનસુખ માંડવીયાની જવાબદારી વધારવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ, રસાયણ, ખાતર અને પુરુષોત્તમ રૂપાલાને મત્સ્દ્યોગ, પશુ સંવર્ધન જેવી મહત્વની જવાબદારી આપવામાં આવી છે. મનસુખ માંડવીયાને આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવાની તૈયારી જાણે કે સરકારે અગાઉ જ કરી લીધી હોય તેમ કોરોના કટોકટી દરમિયાન મનસુખ માંડવીયાને સરકારે કોરોના કાળમાં તમામ સ્વાયતતા સાથે પ્રિ-હેલ્થ મિનીસ્ટર તરીકે જાણે કે, પ્રોજેકટ કરવાનું વલણ અપનાવ્યું હોય તેમ કોરોનામાં મનસુખ માંડવીયાને જવાબદારી સોંપ્યા બાદ ગઈકાલે કેબિનેટ કક્ષાનું આરોગ્ય મંત્રાલય સોંપ્યાનું જાહેર કર્યું છે.