જમ્મુ અને કાશ્મીરને ફરીથી જન્નત બનાવવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુંદર અને અસરકારક પહેલ હાથ ધરી છે અને કાશ્મીરી પ્રજાને તથા ત્યાંની નેતાગીરીને વડાપ્રધાને નવીદિલ્હી નોતરૂ આપી તેમના મનમાંથી તમામ શંકા-કુશંકાઓ દૂર કરી દીધી છે. અત્યાર સુધી કાશ્મીરીઓ માટે દિલ્હી કી દૂરી અને દિલ કી દૂરી જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. તેને ઉલ્ટાવી નાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરીઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે તેમના માટે દિલ્હી દૂર નથી અને દિલ પણ દૂર નથી.
આગામી દિવસોમાં કાશ્મીરને ચૂંટાયેલી સરકાર આપવાની કટીબદ્ધતા વડાપ્રધાને વ્યકત કરી હતી. સાથે સાથે કાશ્મીરી નેતાઓને એવો સંકેત પણ આપી દીધો હતો કે, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જમ્મુ અને કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવશે.
વડાપ્રધાને જમ્મુ અને કાશ્મીરની સમગ્ર રાજકીય આલમ સાથે મોકળા મને વાતચીત કરીને ખરા અર્થમાં કાશ્મીરીઓના દિલ જીતી લીધા છે. રાજકીય નેતાઓએ રાબેતા મુજબ એવો આગ્રહ ર્ક્યો હતો કે, તાત્કાલીક મત વિસ્તારોનું સીમાંકન થઈ જવું જોઈએ અને ચૂંટણીઓ આપી દેવી જોઈએ એ મુદ્દા પર વડાપ્રધાને કાશ્મીરીઓને હૈયાધારણા આપી હતી કે, જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીનું માળખુ ટોચથી તળીયા સુધી વધુ સુદ્રઢ બને તે કાર્યને અમે પ્રાથમિકતા આપી રહ્યાં છીએ.
પુન: સીમાંકન થઈ જવું જરૂરી છે. જેથી કરીને ચૂંટણીઓ યોજી શકાય અને કાશ્મીરને ચૂંટાયેલી સરકાર મળી શકે અને વિકાસના કામો વિના વિલંબે ચાલુ રાખી શકાય. આ ખાતરી બાદ કાશ્મીરી નેતાઓ માટે બોલવા જેવું કશું રહ્યું નથી. કાશ્મીરના મિશનની સાથે સાથે વડાપ્રધાને અફઘાન મિશન પણ સાકળી લીધુ છે અને રાજદ્વારી રીતે બે મોરચા પર ભારત જોરદાર છુપી અને જાહેર રાજદ્વારી પ્રક્રિયા આગળ ધપાવી રહ્યું છે. આ મિશનનો મુળ હેતુ કાશ્મીરથી કાબુલ સુધીના આતંકવાદી સંગઠનો અને ખાસ કરીને તાલીબાનોને ઉગતા ડામી દેવાનો છે.
વડાપ્રધાને એવો પણ મહત્વનો સંદેશ આપ્યો હતો કે, હું કાશ્મીર તથા દિલ્હી વચ્ચેની દિલ્હી કી દૂરીની સાથે સાથે દિલ કી દૂરીને પણ દૂર કરવા માંગુ છું, જમ્મુ અને કાશ્મીરમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની સીસ્ટમની સાથે સાથે લોકશાહી પ્રક્રિયા આગળ વધતી રહે તે માટે મારી સરકાર પ્રતિબદ્ધ છે.
તમામ રાજકીય પક્ષોએ વડાપ્રધાન સાથેની બેઠકમાં હાજરી આપીને એ હકીકતનો સંકેત આપ્યો છે કે તેઓ મોદી સરકારની લાઈન પર આગળ વધવા માટે હવે તત્પર બન્યા છે. એટલે બેઠકમાં અન્ય કોઈ વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યો ન હતા અને વિવાદથી દૂર રહેવાનું કાશ્મીરી નેતાઓએ પસંદ કર્યું હતું. આ બેઠક બાદ એ હકીકત સ્પષ્ટ બની છે કે, લાંબા સમયથી આતંકવાદની આગમાં સળગી રહેલું ધરતી પરનું આ સ્વર્ગ વડાપ્રધાન મોદીના કામ્યાબ ઈલાજના કારણે ફરી એક વખત જન્નતમાં પરિવર્તીત થઈ જશે. બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને સુચક વિધાન કર્યું હતું.
તેમણે લખ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપવા માટે સંસદમાં સરકારે આપેલા વચનની પરિપૂર્ણતા માટે પુન: સીમાંકન અને શાંતિમય ચૂંટણીઓ મહત્વના માઈલ સ્ટોન બની શકે છે. અમિત શાહે જણાવ્યું હતું કે, લોકલક્ષી પગલાને કારણે રાજ્યનો વિકાસ પારદર્શક રીતે આગળ વધી રહ્યો છે. રસ્તાના પ્રોજેકટ, 7 નવી મેડિકલ કોલેજ જેવા કાર્યો પરિપૂર્ણ થઈ રહ્યાં છે.
રૂા.28,400 કરોડના ખર્ચે જે નવી ઔદ્યોગીક નીતિ કાશ્મીર માટે અમલમાં મુકવામાં આવી રહી છે તેનાથી કાશ્મીરમાં સાડા ચાર લાખ રોજગારીની તકો ઉભી થનાર છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પણ વધુને વધુ સત્તા આપવાની દિશામાં મોદી સરકાર કામ કરી રહી છે.