વાયરસ અને વાવાઝોડામાં સપડાયેલા માદરે વતન ગુજરાતની મુલાકાતે આજે વડાપ્રધાન નરેંદ્ર મોદી આવી પહોંચ્યા હતા. ભાવનગર એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવભેર સ્વાગત કર્યું હતું. તાઉતે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે રાજ્યના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. પ્રધાનમંત્રી દિલ્લીથી ભાવનગર પહોંચ્યા હતા. અને બાદમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં વાવાઝોડાને લઈને થયેલી નુકસાનીનું હવાઈન નિરીક્ષણ કર્યું હતું.
હવાઈ નિરીક્ષણ બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અમદાવાદ પહોચવાના છે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આંકલન કરશે. પીએમ મોદીએ રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને કેંદ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની પણ ખાતરી આપી હતી
વડાપ્રધાન મોદીએ રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિના સામના માટે સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને લઈને મુખ્યમંત્રી રૂપાણી પાસેથી ટેલિફોનિક વિગતો પણ મેળવી હતી. તેમણે આ વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની પણ વાત કરી હતી. ઉપરાંત તેઓ અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે વાતચીત કરવાનું પણ આયોજન ગોઠવ્યું હતું. પણ તેના બદલે તેઓ હવે રૂબરૂ સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે.