- વિદેશી રોકાણને આકર્ષી, મૂડી ખર્ચમાં વધારો કરીને પણ ફુગાવો અને રાજકોષીય ખાધને અંકુશમાં રખાશે
- રાજકોષીય ખાધને વર્ષ 2024-25માં 5.1 ટકા અને 2025-26માં 4.5 ટકાએ પહોંચાડવાનો લક્ષ્ય: મૂડી ખર્ચ 11.1 ટકા વધારીને 11.11 લાખ કરોડ રખાયો
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે નાણાકીય વર્ષ 2025 માટે ’વોટ ઓન એકાઉન્ટ’ બજેટ રજૂ કર્યું હતું. જે તેમનું સતત છઠ્ઠું બજેટ હતું. જેને મુખ્ય ચાર મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબોનો સમાવેશ થાય છે.આ વચગાળાના બજેટનો ઉદ્દેશ્ય આ વર્ષે યોજાનારી ચૂંટણીઓ પછી નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી નાણાકીય જરૂરિયાતોને પુરી પાડવાનો છે, જેના પછી સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.
સરકારે મૂડી ખર્ચનો લક્ષ્યાંક 11.1 ટકા વધારીને રૂ. 1 એપ્રિલથી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ માટે 11.11 લાખ કરોડ રૂ. નક્કી કર્યા છે. નાણાંકીય વર્ષ 2024 માટે સરકારનો મૂડીખર્ચ રૂ. 10 લાખ કરોડનો હતો, જે અગાઉના વર્ષમાં રૂ. 7.3 લાખ કરોડ કરતાં વધુ હતું. જો કે, કેપેક્સ રિવાઇઝ્ડ એસ્ટીમેટ હવે રૂ. 9.5 લાખ કરોડ છે.
અંદાજપત્રીય રાજકોષીય ખાધ એ સરકારી ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત છે. નાણાકીય વર્ષ 2024 માટે રાજકોષીય તફાવત અંદાજિત 5.9 ટકાની સરખામણીએ ઘટાડીને 5.8 ટકા કરવામાં આવ્યો છે. 2024-25 માટે આ આંકડો 5.1% પર નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે 2023-24 માટેના સુધારેલા બજેટની નીચે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 2025-26 સુધીમાં રાજકોષીય ખાધ 4.5 ટકાથી નીચેનું લક્ષ્ય હાંસલ કરવાનો છે.
નિર્મલા સીતારમણે, ગયા વર્ષની જેમ, નાણાકીય વર્ષ 2025 માટે ટેક્સના દરોમાં કોઈ નોંધપાત્ર ફેરફારો કર્યા નથી. વધુમાં, નાણાકીય વર્ષ 2024 માટે ટેક્સ રિસિપ્ટ્સમાં સુધારો કરીને 23.24 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે અને નાણાકીય વર્ષ 2025 માટે બજેટ અંદાજ 26.02 લાખ કરોડ રૂપિયા છે. સરકારે બાકી પ્રત્યક્ષ કરની માંગને પાછી ખેંચવાની પણ જાહેરાત કરી હતી, જેનો લાભ એક કરોડ લોકોને મળવાની અપેક્ષા છે, 2024-25 દરમિયાન ડેટેડ સિક્યોરિટીઝ દ્વારા ગ્રોસ અને નેટ માર્કેટ બોરોઇંગ અનુક્રમે રૂ. 14.13 અને 11.75 લાખ કરોડ હોવાનો અંદાજ છે. બંને 2023-24 કરતાં ઓછા હશે, તેમ નાણામંત્રીએ કહ્યું.
નોંધનીય છે કે 31 માર્ચે પૂરા થયેલા વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારનું કુલ ઉધાર બજેટ 15.43 લાખ કરોડ રૂપિયા હતું. કેન્દ્ર સરકારે ઋણ સિવાયની કુલ પ્રાપ્તિના અંદાજને સુધારીને રૂ. 27.56 લાખ કરોડ કર્યો છે, જેમાંથી કરની આવક રૂ. 23.24 લાખ કરોડ છે.
નાણાકીય વર્ષ 24 માં આવકની પ્રાપ્તિ સુધારેલા રૂ. 30.03 લાખ કરોડ નોંધવામાં આવી છે અને નાણામંત્રીએ જણાવ્યું છે કે તે બજેટ અંદાજ કરતાં વધુ હોવાની ધારણા છે, જે અર્થતંત્રમાં મજબૂત વૃદ્ધિની ગતિ અને ઔપચારિકતાને પ્રતિબિંબિત કરે છે.2024-25 માટે, ઉધાર સિવાયની કુલ પ્રાપ્તિ માટે સરકારનું બજેટ 30.80 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
સરકાર મુજબ નાણાકીય વર્ષ 2024 માટે કુલ ખર્ચનો સુધારેલ અંદાજ 44.90 લાખ કરોડ રૂપિયા છે. દરમિયાન, નાણાકીય વર્ષ 2025 માટે કુલ ખર્ચનો અંદાજપત્ર રૂ. 47.66 લાખ કરોડ જોવામાં આવે છે.
બજેટમાં કોઈ સરપ્રાઈઝ ન આપી મોદી સરકારે સ્પષ્ટ કર્યું કે ‘અમે પાછા આવીએ છીએ’
મોદી સરકારે 2019-20ના ’વચગાળાના બજેટ’ વખતે ચૂંટણી વર્ષ હોવાથી નોંધપાત્ર કર રાહતો અને સહાયોની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા, તો નિર્મલા સીતારમણના 2024-25ના બજેટમાં કોઈ આશ્ચર્ય ન હોવાને કારણે વધુ આશ્ચર્ય થયું. તે માત્ર વોટ-ઓન-એકાઉન્ટ હતું. તેણે પાછલા 10 વર્ષોમાં સરકારની સિદ્ધિઓન વર્ણવી હતી.અને લાંબા ગાળાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું જે ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવશે. 2019નું વચગાળાનું બજેટ ચૂંટણીના પરિણામો અંગે રાજકીય અનિશ્ચિતતાનો સંકેત આપે છે, તો આ વખતે મોટો અને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ’અમે પાછા આવી રહ્યા છીએ’ અમારે મતદારને મફતની રેવડી આપવાની કોઈ જરૂર નથી.
રાજકોષીય ખાધ ઘટવાથી વ્યાજદરોમાં પણ થશે ઘટાડો
વચગાળાના બજેટથી વ્યાજદરો ઘટે તેવી પ્રબળ શકયતા છે. 5.1% ની નીચે રાજકોષીય ખાધનો અર્થ એવો થાય છે કે ઉધાર અપેક્ષા કરતાં લગભગ રૂ. 1 લાખ કરોડ ઓછું છે. ઉપરાંત, સરકારનો વધુ ખર્ચ કેપેક્સ તરફ જતો હોવાથી, ફુગાવો નહીં હોય અને આરબીઆઈ માટે ભવિષ્યમાં દર ઘટાડવાનું સરળ બનાવશે. રાજકોષીય ખાધને નીચા સ્તરે રાખીને અને કેન્દ્રીય ઋણની કાપણી કરીને, કેન્દ્રએ આરબીઆઈ પર તરલતા વધારવા અને વ્યાજ દરોમાં નરમાઈ માટે સૂક્ષ્મ દબાણ કર્યું હોવાનું માનવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખારાએ જણાવ્યું હતું કે સુધરેલા નાણાકીય આંકડા વ્યાજ દર ઘટાડવામાં મદદ કરશે. જોકે ધિરાણકર્તાઓ અપેક્ષા રાખે છે કે આરબીઆઈ 2024ના બીજા ભાગમાં જ વ્યાજ દરો ઘટાડશે, દિશા પ્રમાણે, દરોમાં નરમાઈ જોવા મળે છે.