Table of Contents

વર્ષ ૨૦૧૯-૨૦ના કેન્દ્રીય બજેટમાં ખેડુતો માટે રૂ.૭૫ હજાર કરોડની ખાસ યોજના બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૨ હેકટર સુધીની જમીન ધરાવતા ખેડુતોના બેંક એકાઉન્ટમાં વાર્ષિક રૂ.૬ હજાર સરકાર દ્વારા સીધા જમા કરવામાં આવશે. આ યોજનામાં દર મહિને રૂ.૫૦૦ની રકમ જમા કરવામાં આવનાર છે. ત્રણ ભાગમાં કુલ રૂ.૨૦૦૦ની રકમ આપીને વર્ષ દરમિયાન ૬ હજાર રૂપિયા સહાય પેટે ચુકવવામાં આવશે.

ડિસેમ્બર-૨૦૧૮ની આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે. યોજનાનો અંદાજીત ખર્ચ રૂ.૭૫ હજાર કરોડ આંકવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કુદરતી સંકટમાં નાશ થયેલા પાક સામે પાક લોનને રીશીડયુલ કરવાના બદલે ખેડુતોને ૨ ટકા વ્યાજ માફી અને સમયસર લોન ભરપાઈ કરનારને વધુ ૩ ટકા વ્યાજમાફીની જાહેરાત આજે રજુ થયેલા બજેટમાં કરવામાં આવી છે. વધુમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી સન્માનવિધિ યોજના ખેડુતો માટે લાભદાયી નિવડશે. આ યોજનાનો લાભ દેશના ૧૨ કરોડ ખેડુતોને મળવાનો છે.

રેલવે માટે રૂ.૬૫,૫૮૭ કરોડ ફાળવાયા

railway

વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં રેલવે ક્ષેત્ર માટે રૂ.૬૫,૫૮૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. વધુમાં આ વર્ષના બજેટમાં રેલવે મુસાફરો વધુ સસ્તી અને સુરક્ષિત બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે નવીનતમ ટેકનોલોજી સાથેની ટ્રેનો શરૂ કરવામાં આવનાર છે. આ વર્ષથી વંદે માતરમ એકસપ્રેસ – મેક ઈન ઈન્ડિયા રેલવે ટ્રેક પર દોડતી કરી દેવામાં આવશે. વધુમાં આ બજેટ રજુ કરતી વેળાએ પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, દેશમાં તમામ બ્રોજ ગેઈડ લાઈન પર માનવરહિત ફાટકો દુર કરવામાં આવી છે.

દેશની ૨૨મી એઈમ્સ હરિયાણામાં બનશે

aims

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે, દેશની ૨૨મી એઈમ્સ હરિયાણા ખાતે નિર્માણ પામનાર છે. અગાઉ ૨૦૧૪થી અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ૧૪ એઈમ્સને મંજુરી આપી હતી. તેઓની સરકારની આ ૧૫મી એઈમ્સ નિર્માણ પામનાર છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, દેશની સૌથી વિશાળ યોજના આયુષ્યમાન ભારત હાલ દેશમાં કાર્યરત છે. આ યોજના હેઠળ ૧૦ લાખ દર્દીઓને સારવારનો લાભ મળી ચુકયો છે.

રોડ નિર્માણમાં ભારત સૌથી આગળ: દરરોજ સરેરાશ ૨૭ કિમીના હાઈવે બને છે

roadways

વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ રજુ કરતી વેળાએ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, હાઈવે વિકાસમાં ભારત સૌથી આગળ છે. દેશમાં દરરોજ સરેરાશ ૨૭ કિમીનો હાઈવે બનાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રોડના નિર્માણમાં ૩ ગણો વધારો કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ કુલ રૂપિયા ૧૯ હજાર કરોડ ખર્ચાયા છે. આજે દરેક ગામમાં પાકા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક ગામોના રસ્તાને શહેર સુધી જોડવામાં આવ્યા છે. આગામી વર્ષમાં પણ ગ્રામ્ય કક્ષાએ રોડ નિર્માણની સારી કામગીરી કરવામાં આવનાર છે.

રોડ ઉપર ઈલેકટ્રીક કાર દોડતી કરાશે

electriccar

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી આયાત કરવામાં આવતા તેલ અને ગેસ પર નિયંત્રણ લેવાના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આગામી સમયમાં રોડ પર ઈલેકટ્રીક કાર દોડતી થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે. ઈલેકટ્રીક કારથી પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટી જશે જેના કારણે તેલ અને ગેસના આયાત પર અંકુશ આવી જશે.

આ અંકુશથી વિદેશી મુદ્રા બચાવી શકાશે અને દેશને વધુ મજબુત બનાવી શકાશે. આ સાથે વિજળી ઉત્પાદનના સ્ત્રોત પણ વધારી દેવામાં આવશે અને વધુમાં વધુ વિજ ઉત્પાદન કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દેશમાં એલઈડી બલ્બનો ઉપયોગ વધારવાના જે પગલા લેવામાં આવ્યા હતા તેને સફળતા મળી છે. એલઈડી બલ્બના કારણે રૂ.૫૦ હજાર કરોડની વિજ બચત થઈ શકી છે

દેશના ૧ લાખ ગામોને બનાવાશે ડિજિટલ.

vilalge

વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં ડિજિટલાઈઝેશન પર પણ વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, દેશના ૧ લાખ ગામોને ડિજિટલ બનાવવામાં આવશે. ડિજિટલ ઈન્ડિયા હેઠળ દેશના અંતરીયાળ વિસ્તારોના ગામોને પણ મોબાઈલ કનેકટીવીટીથી જોડવામાં આવશે.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, પાંચ વર્ષ દરમિયાન મોબાઈલ ડેટાનો વપરાશ ૫૦ ગણો વધવા પામ્યો છે. મેક ઈન ઈન્ડિયા મિશન હેઠળ દેશમાં મોબાઈલ અને તેના પાર્ટસ બનાવવાના પ્લાન્ટમાં પણ વધારો નોંધાયો છે. સાથે ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં પણ દિન-પ્રતિદિન ભારે વધારો નોંધાય રહ્યો છે.

કામદારો માટે રૂ.૫૦૦ કરોડની પેન્શન યોજના

pension

બજેટમાં કામદારો માટે રૂ.૫૦૦ કરોડની પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેનો લાભ દેશના ૧૦ કરોડ કામદારોને મળશે. પ્રધાનમંત્રી માનધન નામ હેઠળ બજેટમાં પેન્શન સ્કીમની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં કામદારોએ રૂ.૧૦૦ પ્રતિ માસનું યોગદાન આપવાનું રહેશે બાદમાં તેઓને ઓછામાં ઓછું રૂ.૧૦૦૦નું પેન્શન આપવામાં આવનાર છે.

અસંગઠિત ક્ષેત્રના કર્મીઓને ૬૦ વર્ષની ઉંમર બાદ મહિને રૂ.૩૦૦૦ મળવાપાત્ર થશે. પિયુષ ગોયલે જણાવ્યું કે, પાછલા પાંચ વર્ષમાં શ્રમિકોના નિયત વેતનમાં ૪૨ ટકાનો વધારો થયો છે. ગ્રેચ્યુઈટી મર્યાદા ૨૦ લાખ કરવામાં આવી છે. નોકરી શાહીને પારદર્શી અને જનતાદર્શી કરવામાં આવી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, ૨૧ હજારથી ઓછુ વેતન ધરાવતા કામદારોને રૂ.૭ હજારનું બોનસ આપવામાં આવશે.

ગર્ભવતી મહિલાઓને મળશે ૨૬ સપ્તાહની રજા

woman

બજેટમાં મહિલા વિકાસ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી. ગર્ભવતી મહિલાઓને નોકરીમાંથી ૨૬ સપ્તાહની રજા આપવાની જાહેરાત કરવામાં આવી છે. પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, દેશમાં મહિલાના વિકાસને આગળ લઈ આવવા માટે સરકાર પ્રયત્નશીલ રહેશે. ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા ઉજજવલા યોજના હેઠળ ૧ કરોડ મફત ગેસ કનેકશન આપવામાં આવ્યા છે. મહિલાઓના સશકિતકરણ માટે આંગણવાડી અને આશા યોજના હેઠળ મહિલાઓને રોજગારીની વધુ તકો ઉભી કરાશે.

સંરક્ષણ ક્ષેત્રે રૂ.૩ લાખ કરોડની ઐતિહાસિક જોગવાઈ

soldier

પાકિસ્તાન અને ચીન સાથેના તણાવને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે આજે રજુ કરેલા બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક જોગવાઈ કરી છે. મોદી સરકારે સંરક્ષણને વધુ પ્રાધાન્ય આપીને અત્યાર સુધી સૌથી વધુ રૂ.૩ લાખ કરોડની રકમ વર્ષ ૨૦૧૯-૨૦ માટે ફાળવી છે. આ વચગાળાનું બજેટ રજુ કરતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, સૈનિકો મુશ્કેલીની સ્થિતિમાં દેશની રક્ષા કરી રહ્યા છે ત્યારે વન રેન્ક, વન પેન્શન યોજના અંતર્ગત સરકારે રીટાયર્ડ સૈનિકોને રૂ.૩૫ હજારની રોકડ મદદ કરી છે. આ ઉપરાંત પાડોશી દેશો સાથે તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુને વધુ મજબુત બને તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ગાયોના સંવર્ધન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના: રૂ.૭૫૦ કરોડની જોગવાઈ

cao

વર્ષ ૨૦૧૯-૨૦નાં બજેટમાં ગાયોના સંવર્ધન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે પશુપાલન અંતર્ગત ૭૫૦ કરોડ રૂપિયા ગોકુલ યોજના માટે ફાળવવામાં આવ્યા છે જેમાંથી ગાયોની નસલ સુધારવા માટેના પ્રયત્નો કરવામાં આવનાર છે. આ ઉપરાંત બજેટમાં પશુપાલન ઉતેજન આપવા અર્થે પશુપાલન કરતા ખેડુતોને ૨ ટકા વ્યાજ માફી આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

૨૦૨૨માં ભારતનો એસ્ટ્રોનોટ અંતરીક્ષમાં જશે

smallworld Indonaut

આજના બજેટને રજુ કરતી વેળાએ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે અંતરીક્ષ ક્ષેત્રની સિદ્ધિ વિશે જણાવતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં ભારતનો એસ્ટ્રોનોટ અંતરીક્ષ યાત્રાએ જશે. અંતરીક્ષ ક્ષેત્રમાં છેલ્લા પાંચ વર્ષમાં ભારતે હરણફાળ ભરી છે. નોંધનીય છે કે વેરાવળમાં જે રીતે ગગનીયાન પ્રોજેકટને સફળ બનાવવામાં આવ્યો છે તે રીતે આગામી વર્ષોમાં પણ અંતરીક્ષ ક્ષેત્રે વધુને વધુ સારી કામગીરી કરવાનો નિર્ધાર કરાયો છે.

૨૦૩૦માં સુધીમાં તમામ નદીઓનું શુદ્ધિકરણ કરવાનો નિર્ધાર

river

પવિત્ર ગંગા નદીની જેમ જ દેશની તમામ નદીઓને ૨૦૩૦ સુધીમાં શુઘ્ધ કરવાનો સરકાર દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે. આ સાથે જે રીતે આસામમાં બ્રહ્મપુત્રા નદી પર ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે તે રીતે આગામી સમયમાં અનેક સ્થળોએ નદીઓ પર બ્રીજ બનાવવામાં આવશે જેથી અવર-જવરમાં વધુ સરળતા રહે. વધુમાં વધુ લોકો નદીઓને સ્વચ્છ બનાવવાના આ અભિયાનમાં જોડાય તેવા સરકાર દ્વારા પ્રયાસો પણ કરવામાં આવશે.

જીએસટીનું માસિક કલેકશન રૂ.૯૭ હજાર કરોડે પહોંચ્યું

gst

બજેટ રજુ કરતી વેળાએ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે, જીએસટીનું માસિક કલેકશન રૂ.૯૭ હજાર કરોડે પહોંચ્યું છે. ગત જાન્યુઆરી માસનું કનેકશન રૂ.૧ લાખ કરોડને પાર જાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે. ચાલુ વર્ષે વેરા વસુલાત વધીને રૂ.૧૨ લાખ કરોડની થઈ છે. રીટર્ન ભરનારાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. નોટબંધી બાદ અત્યાર સુધીમાં નવા એક કરોડ કરદાતાઓએ રીટર્ન ફાઈલ કર્યા છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપર ૦ થી ૦.૫ ટકા જીએસટી યથાવત રાખવામાં આવ્યો છે.

મત્સ્ય ઉધોગ સાથે સંકળાયેલા લોન ધારકને ૨ ટકાની રાહત

fish

વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં પશુપાલનની સાથે સાથે મત્સય ઉધોગ પર પણ ખાસ ભાર મુકવામાં આવ્યો છે. આ બંને વ્યવસાયને ઉતેજન મળે તેવી જોગવાઈઓ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. બજેટમાં મત્સય ઉધોગ સાથે સંકળાયેલા લોન ધારકોને વિશેષ ૨ ટકાની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, મત્સય ઉધોગ દેશના ૧.૫ કરોડ લોકોને રોજગારી પુરી પાડે છે. મત્સય ઉધોગમાં ભારત બીજા સ્થાને આવી છે ત્યારે આ ઉધોગને વધુને વધુ પ્રોત્સાહન મળે તેમજ દરીયાકાંઠાનો વિસ્તાર વધુમાં વધુ વિકસીત થાય તેવા પગલા ભરવામાં આવનાર છે.

અનામતની આડ અસર ન થાય તે માટે શૈક્ષણિક સંસ્થામાં ૨ લાખ સીટ ઉપલબ્ધ કરાશે

students

અનામતની કોઈ આડઅસર ન આવે તેની તકેદારી રાખીને વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ૨ લાખથી વધુ સીટ ઉપલબ્ધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરમાં ૧૦ ટકા અનામત લાગુ કરવામાં આવી છે ત્યારે આરક્ષિત વર્ગો પર આ અનામતની અસર ન પડે તે માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ તકોનું સર્જન કરવામાં આવનાર હોવાનું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અનામતની કોઈપણ પ્રકારની અસર આરક્ષિતો પર ન પડે તે માટે બજેટમાં ખાસ ભાર મુકવામાં આવ્યો છે.

મનરેગા માટે રૂ.૬૦ હજાર કરોડ ફાળવાયાmnrega

વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં રોજગારીની તકોનું સર્જન કરવા પર ભાર મુકીને મનરેગા યોજના માટે રૂ.૬૦ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય પિયુષ ગોયલે બજેટ રજુ કરતી વેળાએ જણાવ્યું હતું કે, દેશમાં રોજગારીની તકો સર્જાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મનરેગા માટે રૂ.૬૦ હજાર કરોડની રકમ ફાળવવામાં આવી છે જેથી વધુમાં વધુ બેરોજગાર લોકોને મનરેગા યોજના હેઠળ ૧૦૦ દિવસમાં રોજગારી મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.