ભારતીયોને તાકીદે કાઢવા માટે કટોકટીનું આયોજન કરવાની તાકીદ કોઈપણ ભોગે ભારતીયને નુકસાન ન જવુ જોઈએ તેવો આદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદાનના ગૃહયુદ્ધમાં ફસાયેલા 3 હજાર ભારતીયોને પરત લાવવા કમર કસી છે. તેઓએ સુદાનની સ્થિતિની સમીક્ષા કરી હતી અને જરુર પડે તો ત્યાં ફસાયેલા ભારતીયોને તાકીદે કાઢવા માટે કટોકટીનું આયોજન કરવાની પણ અધિકારીઓને તાકીદ કરી છે.
તેમને હાલમાં સુદાનમાં સપડાયેલા ત્રણ હજારથી વધારે ભારતીયની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપતો પ્રાથમિક અહેવાલ મળ્યો છે. સુદાનમાં સુરક્ષાના મોરચે ઝડપથી કથળતી સ્થિતિ જોતાં પીએમે અધિકારીઓને ભારતીયોને તાકીદે બહાર કાઢી શકાય તેવું આયોજન તૈયાર કરવા કહ્યું છે.
વડાપ્રધાને આ ઉપરાંત બેઠકમાં હાજર બધા અધિકારીઓને સુદાનની સ્થિતિને લઈને સાવધાન રહેવા અને તેના પર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત સુદાનમાં ફસાયેલા ભારતીયો સુધી મદદ પહોંચાડવાની દિશામાં પણ પણ ઝડપી પગલાં લેવા કહ્યું છે. આ બેઠકમાં વિદેશપ્રધાન એસ જયશંકર, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત દોભાલ, એર ચીફ માર્શલ વી આર ચૌધરી, નેવી ચીફ આર હરિકુમાર હાજર રહ્યા હતા.આ બેઠક વાયા વિડીયો કોન્ફરન્સ કોલ થઈ હતી.
આ બેઠકમાં વડાપ્રધાને સુદાનમાં છેલ્લામાં છેલ્લા ડેવલપમેન્ટની સમીક્ષા કરી હતી. તેમણે કોઈપણ ભોગે ભારતીયને નુકસાન ન જવું જોઈએ, તેમ જણાવ્યું હતું. પીએમઓએ સુદાનની જોડેના દેશો સાથે પણ આ મુદ્દે ગાઢ સંપર્ક રાખવા માટે જણાવ્યું હતું. ગુરુવારે એસ જયશંકરે સુદાનની સ્થિતિની યુએનના વડા જનરલ એન્ટોનિયા ગુટેર્સ સાથે વાતચીત કરી હતી. તેમણે આફ્રિકન દેશના લડી રહેલા બે જૂથ વચ્ચે વહેલામાં વહેલી તકે સમાધાન થાય અને શસ્ત્ર વિરામ થાય તેના પર ભાર મૂક્યો હતો. આમ સુદાનમાં સ્થિતિ પૂર્વવત્ બને તે ભારતનું ધ્યેય છે.
આ ઉપરાંત એસ જયશંકરે સાઉદી અરેબિયા, યુએઇ, યુએઇ, ઇજિપ્ત, મેક્સિકોની સાથે પણ વાતચીત કરી છે, ભારતના વિદેશ પ્રધાન એસ બાગચીએ જણાવ્યું હતુ કે સુદાનમાં સ્થિતિ અત્યંત નાજુક છે. તેમા વહેલામાં વહેલી તકે યુદ્ધવિરામ લાવી શકે તેવી વૈશ્વિક ડિપ્લોમસીની જરુર છે. સુદાનના ટોચના જનરલે જણાવ્યું હતું કે તેમનું લશ્કર દેશમાં લોકશાહીનું શાસન સ્થપાય તે માટે પ્રતિબદ્ધ છે.