- દિલ્હી બેઠા બેઠા પણ વડાપ્રધાનની નજર સતત ગુજરાત ઉપર
- રાજભવનમાં વડાપ્રધાન મોદીની સિનિયર મંત્રીઓ, પાર્ટીના પ્રદેશ નેતાઓ અને સરકારના
- ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક: અતિવૃષ્ટિ પછીની સ્થિતિ અંગેનો રિપોર્ટ પણ માંગ્યો
દિલ્હી બેઠા બેઠા પણ વડાપ્રધાનની નજર સતત ગુજરાત ઉપર હોય તેમ રાજ્યમાં સરકાર અને સંગઠનની તૃટીઓ ગણાવીને મોદીએ નેતા- અધિકારીઓના કલાસ લીધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઉપરાંત વડાપ્રધાને રાજ્યમાં અતિવૃષ્ટિ પછીની સ્થિતિ અંગેનો રિપોર્ટ પણ માંગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં છેલ્લા ઘણાં મહિનાઓથી દુર્ઘટનાઓ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિચિત્ર રાજકીય પરિસ્થિતિ સર્જાઈ છે. કેટલાક ધારાસભ્યો અને નેતાઓનો જાહેરમાં બફાટ પણ કર્યા હતા. આ ઉપરાંત વડોદરાના પૂર તેમજ અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સમસ્યા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ નેતાઓના ક્લાસ લીધા હતા.
રાજભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિનિયર મંત્રીઓ, પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ સાથે અલગ-અલગ મંત્રણા કરી હતી. ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે સરકારના વહીવટી તંત્ર અને સંગઠનની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાક મુદ્દે નારાજગી વ્યક્ત કરી ગંભીર નોંધ લીધી હતી. જીએમડીસીનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી રાજભવન આવીને વડાપ્રધાન મોદીએ સિનિયર મંત્રીઓ, પાર્ટીના પ્રદેશ નેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી.
ભ્રષ્ટાચારની ફરિયાદોમાં તત્કાલ કડક પગલાં લેવા તાકીદ
સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં તત્કાલ કડક પગલાં લેવા વડાપ્રધાન મોદીએ તાકીદ કરી છે. પૂર અસરગ્રસ્તોને સમયસર રાહત સહાય મળે અને સ્થિતિ ઝડપથી પૂર્વવત્ થાય તેવી તાકીદ અધિકારીઓને કરી છે. ગુજરાતમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સરકાર અને સંગઠન વચ્ચે સંકલનમાં રહીને કામ કરવાની તાકીદ કરી છે.
ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ થવાના એંધાણ
વડાપ્રધાને કેબિનેટના વિસ્તરણ અને નવા પ્રદેશ પ્રમુખની વરણી અંગે મુખ્યમંત્રી અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ સાથે પરામર્શ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એવી હૈયાધારણ આપી હોવાનું કહેવાય છે કે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મંત્રણા કરીને બને તેટલી ઝડપથી નવા પ્રદેશ પ્રમુખની વરણી અંગે વિચારણા કરાશે.
નવા પ્રદેશ પ્રમુખની વરણીને લઈને પણ વડાપ્રધાને કરી ચર્ચા
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ ગુજરાત ભાજપનો હવાલો પણ સંભાળી રહ્યાં છે ત્યારે પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દાનો અમલ કરવા ગણગણાટ વધી રહ્યો છે. તે જોતાં હાઇકમાન્ડ ગુજરાતનો મામલો હાથ પર લઇ શકે છે. કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓમાં રાજ્યના વહીવટી તંત્રને મોદીએ સ્પષ્ટ કેટલાક નિર્દેશો આપ્યા છે.