જુલાઈમાં આઈટુયુટુની બેઠક, ચારેય દેશના નેતાઓ વર્ચ્યુઅલી બેઠક કરશે
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચાર દેશો યુએસએ, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્વાડ ઓર્ગેનાઈઝેશન પછી, ભારત અને યુએસ હવે પશ્ચિમ એશિયામાં નવા પ્રકારની ક્વાડની શરૂઆત કરી રહ્યા છે. આમાં, આ બે દેશો સિવાય, ઇઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાત સભ્ય હશે. તેને આઈ2યુ2 નામ આપવામાં આવ્યું છે. તેના વડાઓની પ્રથમ બેઠક આવતા મહિને થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ જો બિડેન, ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ અને યુએઈના પ્રમુખ મોહમ્મદ બિન જાયદ આ બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં ચાર દેશો વચ્ચે આર્થિક સહયોગના મુદ્દા પર ખાસ ચર્ચા થવાની આશા છે.
નિષ્ણાંતોનું માનીએ તો આ ચાર દેશોના ગઠબંધનના કારણે પશ્ચિમ એશિયાના દેશોની રાજનીતિમાં ભારે ખળભળાટ મચી જવાની સંભાવના છે. મોદી અને બિડેનની આગેવાનીમાં યોજાનારી આ બેઠકની માહિતી યુએસ સરકારે આપી છે. રાષ્ટ્રપતિ બિડેન આવતા મહિને સાઉદી અરેબિયા અને ઈઝરાયેલની મુલાકાતે જવાના છે અને આ દરમિયાન આઈ2યુ2 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ બિડેન ભારત, ઈઝરાયેલ અને યુએઈના નેતાઓને મળવા માટે ખૂબ ઉત્સુક છે. તે મુખ્યત્વે ખાદ્ય સુરક્ષા અને સહયોગના અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આઈ2યુ2ને ભલે નવું નામ આપવામાં આવ્યું હોય, પરંતુ ઉપરોક્ત ચાર દેશોના વિદેશ મંત્રીઓની વર્ચ્યુઅલ મીટિંગ થઈ ચૂકી છે. તે બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં ચારેય વિદેશ મંત્રીઓની રૂબરૂ બેઠક યોજાશે.
ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું કે ચાર દેશોના વિદેશ મંત્રીઓએ આર્થિક સહયોગ પર આંતરરાષ્ટ્રીય મંચની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. યુએસ તરફથી કહેવામાં આવ્યું હતું કે ચારેય દેશો આર્થિક અને રાજકીય સહયોગનો વિસ્તાર કરશે. જ્યાં સુધી ભારતનો સંબંધ છે, ઘણા રાજદ્વારી નિષ્ણાતોએ કહ્યું છે કે એક પછી એક પશ્ચિમી દેશોની આ ક્વોડમાં ભાગ લઈને ભારત એ બતાવી રહ્યું છે કે તેણે પ્રાદેશિક બ્લોકમાં ન જોડાવાની તેની જૂની નીતિ બદલી છે. તે એ પણ સંકેત છે કે ભારત હવે ખાડી દેશોની રાજનીતિમાં વધુ સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.