- સત્તાવાર કાર્યક્રમની જોવાતી રાહ : તૈયારીઓનો ધમધમાટ આજથી જ શરૂ
- રેસકોર્સ ખાતે સભા અને રોડ શો સહિતના કાર્યક્રમો પણ યોજાવાની શકયતા: લોકસભા ચૂંટણી પૂર્વે મોદીની એક મુલાકાત બેઠકને અંકે કરવાનું બળ આપશે
Rajkot News
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. જો કે આ મામલે હજુ પીએમઓ દ્વારા સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. પણ સ્થાનિક ભાજપ અને વહીવટી તંત્રએ આજથી જ તૈયારીઓના શ્રી ગણેશ કરી લીધા છે. રાજકોટમાં વડાપ્રધાન મહત્વના ત્રણ પ્રોજેકટનું લોકાર્પણ પણ કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે.ત્યારે વિધાનસભાની હોય કે લોકસભાની ચૂંટણી વડાપ્રધાન મોદીનો એક પહેરો રાજકોટ લાગતો જ હોય છે. ત્યારે લોકસભા ચૂંટણી જાહેર થાય તે પૂર્વે વડાપ્રધાન મોદી રાજકોટની મુલાકાત લેવાના છે તે નિશ્ચિત જ મનાતું હતું. બસ ક્યારે આવે છે તેની સ્થાનિક ભાજપ દ્વારા આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ આવી રહ્યા છે. વધુમાં વડાપ્રધાનનો બેથી ત્રણ દિવસનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે.
રાજકીય પંડિતોના જણાવ્યા અનુસાર રાજકોટ લોકસભા બેઠક ભાજપની ટોપ સેફ બેઠકોમાં સ્થાન ધરાવે છે આમ તો ભાજપને આ બેઠકને લઈને કોઈ ચિંતા નથી. એટલે જ ભાજપ આ વખતે બહારના આગેવાનને રાજકોટની બેઠક ઉપર લડાવવાનું જોખમ લઈ રહી છે. વધુમાં ભલે બેઠક ઉપર જીત નિશ્ચિત મનાતી હોય પણ વડાપ્રધાન અહીં આવી ચૂંટણીનો માહોલ બનાવવાના છે.
વડાપ્રધાન આગામી તા.25ના રોજ રાજકોટની મુલાકાતે આવીને એઇમ્સ, અટલ સરોવર અને ઝનાના હોસ્પિટલ આ ત્રણ મોટા પ્રોજેકટના લોકાર્પણ ઉપરાંત અનેક બીજા કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે તેવું જાણવા મળી રહ્યું છે.
આ ઉપરાંત વડાપ્રધાન મોદી અહીં રેસકોર્સમાં સભા સંબોધશે અને રોડ શો પણ યોજે તેવી શકયતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વધુમાં વડાપ્રધાન મોદી રાજકોટની આ મુલાકાત વેળાએ રાજકોટના ભાજપ અગ્રણીઓને મળીને તેઓમાં ઉત્સાહનો સંચાર કરશે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને લઈને સ્થાનિક ભાજપ અને જિલ્લા વહીવટી તંત્રએ આજથી તૈયારીઓ આરંભી દીધી છે.
એઇમ્સ (ખર્ચ : 1105 કરોડ)
રાજકોટમાં આવેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં ઓપીડી સેવા તો છેલ્લા ઘણા સમયથી શરૂ કરી દેવામાં આવી છે. હવે વડાપ્રધાન મોદીના હસ્તે એઇમ્સને સંપૂર્ણ કાર્યરત કરવામાં આવશે. ત્યારબાદ અહીં આઇપીડી સેવા પણ શરૂ કરી દેવાશે. સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દર્દીઓને અહીં અદ્યતન સારવાર મળશે. ઇન્ડોર હોસ્પિટલ શરૂ થતા હોસ્પિટલમાં જનરલ સર્જરી, માઇનોર ઓટી, સગર્ભા મહિલાઓની પ્રસુતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીઓની સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે.આ ઉપરાંત દર્દીઓને ડિજીટલ એક્સ રેની સુવિધા પણ ઉપલબ્ઘ થશે. દર્દીઓને માત્ર 150 રૂપિયામાં ડિજીટલ એક્સ રેની સુવિધા મળશે.આ તમામ સેવાઓ સપ્ટેમ્બર માસમાં શરૂ થશે. એઇમ્સમાં 77,435 ચો.મી.ના હોસ્પિટલ વિસ્તારમાં 15થી 20 સુપરસ્પેશિયાલિસ્ટ વિભાગ, ઇમરજન્સી, ટ્રોમા, આયુષ અને આઈસીયુ જેવી સુવિધાઓ, 27,911 ચો.મી. વિસ્તારમાં મેડિકલ અને નર્સિંગ કોલેજ, 51,198 ચો.મી. વિસ્તારમાં હોસ્ટેલ અને ક્વાટર્સ તથા 2335 ચો.મી. વિસ્તારમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
અટલ સરોવર ( ખર્ચ : 136 કરોડ)
અટલ સરોવર રાજકોટની શાન બનવા માટે સજ્જ છે. 136 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ અટલ સરોવર પ્રોજેક્ટમાં 1,00, 000 ચો.મી. વિસ્તારમાં વોટર બોડીનો વિકાસ તેમજ 2, 00, 000 ચોરસ મીટર જમીનમાં પેરિફેરલ ડેવલપમેન્ટ છે. તેમજ આજુબાજુના એરિયાને હરિયાળી બનાવવા માટે 50,000 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ફ્લોટિંગ જેટી, બોટિંગ, ફાઉન્ટેન આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો, 70 મીટર અને 40 મીટર ઊંચાઈનો ફ્લેગ માસ્ટ વગેરેનો સમાવેશ છે. મૂળભૂત સુવિધાઓમાં 7 ટોઈલેટ બ્લોક, સિક્યોરિટી કેબિન, ડસ્ટ બિન, 10 ઓપન ફૂડ કોર્ટ, 1 ક્લોઝ ફૂડ કોર્ટ, સાયકલ ટ્રેક, જોગિંગ ટ્રેક, અપર અને લોઅર પ્રોમેનેડ, જનરલ પાથવે, 2 પાર્કિંગ સ્ટ્રક્ચર, ફ્રેમવાળા એન્ટ્રી એક્ઝિટ ગેટ, કમ્પાઉન્ડ વોલ,
ઇનલેટ સ્ટ્રક્ચર, આઉટલેટ સ્ટ્રક્ચર, જેમાં આર્કિટેક્ચરલ ફીચર્સ જેમ કે પ્રોમેનેડ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ટ્રાફિક ગાર્ડન, સિનિયર સિટિઝન ગાર્ડન, ઓપન જીમ, ગઝેબો, 42 ગ્રામ હટ, ફ્લાવર બેડ, બોટનિકલ ગાર્ડન, સોલાર ક્લોક, સુપર ટ્રી, એન્ટ્રન્સ પ્લાઝા, વ્યુઇંગ ડેક, ભુલભુલામણી ગાર્ડન, સીઆઈ આધારિત ગ્રીલ કમ્પાઉન્ડ વોલ, ટ્રેલીઝ, ટેનસાઈલ કેનોપી, એમ્ફીથિયેટર, પાર્ટી પ્લોટ વગેરે છે. મનોરંજન સુવિધાઓમાં ફેરિઝ વ્હીલ, ટોચ ટ્રેન સહિતની વ્યવસ્થાઓ અટલ સરોવરમાં મળશે.
ઝનાના હોસ્પિટલ (ખર્ચ: 100 કરોડ)
રાજકોટની 150 વર્ષ જૂની ઝનાના હોસ્પિટલનું નવ અવતરણ રૂ. 100 કરોડના ખર્ચે થયું છે. રાજકોટમાં કોર્પોરેટ સ્ટાઈલમાં ગ્રાઉન્ડ પ્લસ 11 માળની ગુજરાતની સૌથી ઊંચી એમ.સી.એચ. હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ પામી છે. સૌરાષ્ટ્ર કચ્છના મેટર્નલ અને બાળ દર્દીઓ માટે હોસ્પિટલમાં 500 બેડ ઉપરાંત વધારાના 200 બેડની સુવિધા સાથે કુલ 700 બેડની સુવિધા, સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક, ટ્રાઈએઝ, થ્રી લેયર એન.આઈ.સી.યુ., ડી.ઈ.આઈ.સી., એન.આર.સી. પ્લે ગ્રાઉન્ડ સહિતની સુવિધા આ કેમ્પસમાં ઉપલબ્ધ કરાવાઈ છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દર વર્ષે 8 હજાર થી વધુ ડીલિવરી કરવામાં આવી રહી છે, જેમાં નોર્મલ ડીલેવરી માટે આ હોસ્પિટલ વિવિધ તકનીક સાથેનું રોલ મોડેલ બની રહેશે. અહીં મોડ્યુલર 8 ઓપરેશન થીએટર, સ્ત્રી રોગની સારવાર, સુપર સ્પેશિયાલિટીઝ ડોક્ટર્સની ટીમ સાથે ઝીરો રેફરલ પોલિસી અપનાવાશે. પી.આઈ.યુ. ની કામગીરી પૂર્ણ થવામાં છે. આ સાથે અલગથી વીજ લાઈન, પાવર બેકઅપ માટે જનરેટર, ઓક્સીજન લાઈન, દર્દીના સગા માટે કેન્ટીનની વ્યવસ્થા વગેરે સવલતો પણ ઉભી કરવામાં આવી છે.
નવી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં નવજાત શિશુની સારવાર માટે એન.આઈ.સી.યુ ત્રણ લેવલમાં ઉભુ કરવામાં આવેલ છે. નવજાત શિશુ અને માતાની સારવાર માટે એક જ જગ્યાએ અલાયદો વોર્ડ, બાળકો માટે વેન્ટિલેટર સાથે 25 બેડનું આઈ.સી.યુ., મોટી ઉંમરના બાળકો માટે 44 બેડનું હાઈ ડીપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રાફી મશીન સુવિધાઓ, ભારત સરકારની ઓપરેશનલ ગાઈડલાઈન મુજબનું ગુજરાતનું પ્રથમ શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બાળકોની સારવાર માટેનું ડી.ઈ.આઈ. સેન્ટર, કુપોષિત બાળકોના વજન વધારવા માટેનું 25 બેડનું એન.આર. સેન્ટર, હિમોફેલિયા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવા માટેનો અલાયદો વિભાગ ઉપરાંત પીડિયાટ્રિક ન્યુરો સર્જીકલ અને સર્જીકલ વિભાગ, બાળકો રમત રમી શકે તે માટે પ્લે એરિયા, તેમજ એન.આઈ.સી.યુ. ટ્રેનિંગ માટે 100 બેઠકનું ટ્રેનિંગ સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે.
ઉત્તમ સારવાર મળી રહે તે માટે 370 બેડ સાથેનો ગાયનેક વિભાગ ડીઝાઇન કરાયો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર દર્દીનું રજીસ્ટ્રેશન, વેઇટિંગ કમ નોલેજ શેરિંગ, પ્રસુતિ અને સ્ત્રી રોગ ઇમર્જન્સી સારવાર અર્થે 6 બેડનો ટ્રાએજ એરિયા, મમતા ક્લિનિક ઉપરાંત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા એક જ ફ્લોર પર ઉભી કરવામાં આવી છે.
આ સાથે અન્ય ફ્લોર પર 9 ઓપરેશન થીએટર બ્લોક, 18 બેડનો આગમન કક્ષ (પ્રસુતિ રૂમ), રિસ્કી ડીલિવરી માટે ક્વોલિફાઈડ નર્સીઝ દ્વારા ચાર બેડનો મીડ વાઈફ લેડ કેર યુનિટ, 4 ન્યુ બોર્ન કોર્નર કે જ્યાં નવજાત બાળકની સારવાર, પ્રથમ એક હજાર દિવસ સર્ટિફિકેશન મજુબ અલગથી લેબર રૂમ, મમતા ક્લિનિક ઓ.પી.ડી.સહીત ઓલ ઈન વન સ્ટોપ સ્ટેશન, ગાયનેક ઓ.પી.ડી. કે જેમાં કેન્સર ક્લિનિક, મેનોપોઝલ ક્લિનિક, કુટુંબ નિયોજન ઓ.પી.ડી. જેવા વિભાગો અલાયદા ઉભા કરવામાં આવ્યા છે.