મ્યાનમાર પ્રમુખ સાથેની મુલાકાત અદ્ભૂત ગણાવતા વડાપ્રધાન મોદી: રોહીંગ્યા મુસ્લિમો અને ચીનની દખલગીરીનો મુદ્દો બેઠકના કેન્દ્ર સ્થાને રહ્યો
પૂર્વ એશિયાના દેશો સાથે ભારતના સંબંધો સદીઓથી મજબૂત રહ્યાં છે. ખાસ કરીને બર્મા એટલે કે મ્યાનમાર સાથેના સંબંધો ભારત માટે અતિ મહત્વના બની ગયા છે. વડાપ્રધાન મોદીએ મ્યાનમારના પ્રેસીડેન્ટ તીન કયાવ સાથેની મુલાકાતને અદ્ભૂત ગણાવી છે. ભારત અને મ્યાનમાર વચ્ચેની મૈત્રીની ઝલક સંસ્કૃતિ ઉપર પણ જોવા મળે છે. ‘મેરે પીયા ગયે રંગુન’ જેવા ગીતો તેમજ પેટ્રોલ-ડિઝલ વેંચાણનો પાયો ભારતમાં નાખનાર બર્મા સેલ કંપનીઓ પણ મ્યાનમાર સાથે જોડાયેલી છે. બન્ને દેશો વચ્ચેના સંબંધનો પાયો ખુબજ મજબૂત છે.
પાડોશી પહેલો સગો તેવી નીતિના આધારે વડાપ્રધાન મોદી મ્યાનમારની મુલાકાતે હતા. તેમણે આ મુલાકાતને અદ્ભૂત ગણાવી હતી. આ મુલાકાત દરમિયાન રોહીંગ્યા મુસ્લિમોનો વિવાદ તેમજ મ્યાનમારમાં ચીનની દખલઅંદાજી સહિતના મુદ્દા કેન્દ્ર સ્થાને હતા. હાલ મ્યાનમાર અને ચીન વચ્ચે ઈંધણનું આદાન-પ્રદાન વધ્યું છે ત્યારે સંબંધોમાં સંતોલન રાખવા મ્યાનમારે ભારત સાથે પણ ઈંધણ ક્ષેત્રે પણ મહત્વની તૈયારી દર્શાવી છે.
મ્યાનમાર સાથેના સંબંધો મજબૂત બનવાથી પૂર્વોત્તર રાજયોમાં રાજનીતિને પણ ઉંડી અસર થશે. આ રાજયોમાં ભાજપની પકડ વધશે. ઉપરાંત પૂર્વોત્તર રાજયોમાંથી થતી ઘુસણખોરી ઉપર પણ લગામ રાખવા ભારત સરકારને મદદ મળશે. હાલ મ્યાનમારમાં ભારત કલાદાન નામનો મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ કોરીડોર સ્થાપી રહ્યું છે. મ્યાનમારમાં ચીનની ધાક વધી રહી હોવાની રાજકીય અને સરહદી ક્ષેત્રે સમતોલન માટે વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ મહત્વનો બની ગયો છે. પૂર્વ એશિયાના દેશ તરીકે મ્યાનમારનું મહત્વ ભારત માટે અનેકગણું છે. વર્ષોથી બન્ને વચ્ચે સંસ્કૃતિ અને વારસાનું તેમજ આર્થિક સહયોગ અને ઈન્ફ્રાસ્ટ્રકચરનું આદાન-પ્રદાન રહ્યું છે.
ભારત અને મ્યાનમાર વચ્ચે વિઝા ફ્રી મુસાફરીની ચર્ચા પણ મુલાકાતમાં થઈ છે. આ ઉપરાંત સૌથી મહત્વનો મુદ્દો રોહીંગ્યા મુસ્લિમોનો રહ્યો છે. મ્યાનમારમાં રોહીંગ્યા મુસ્લિમો ઉપર અત્યાચાર વધતા લાખોની સંખ્યામાં રોહીંગ્યા મુસ્લિમો ભારતની સીમામાં આવી જાય છે માટે મ્યાનમારનો વિવાદ સીધી રીતે ભારતીય સમસ્યા સાથે સંકળાઈ ગયો છે.