રમત-ગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા  શરૂ કરવામાં આવેલી ફિટનેસ ચેલેન્જને નરેન્દ્ર મોદીએ હવે સ્વીકારી લીધી છે. બુધવારે વડાપ્રધાને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર વીડિયો જાહેર કર્યો છે, જેમાં મોદી ઘણા પ્રકારના યોગાભ્યાસ કરી રહ્યા છે. આ સાથે જ પીએમએ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને અને ટેબલ ટેનિસ ખેલાડી મોનિકા બત્રાને નોમિનેટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ફિટનેસ ચેલેન્જ માટે નોમિનેટ કર્યા હતા.

 


યોગ ઉપરાંત પ્રકૃતિના પંચતત્વોથી પ્રેરિત છું

પીએમ મોદીએ ટ્વિટર અકાઉન્ટ પર પોતાનો વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, “હું મારી મોર્નિંગ એક્સરસાઇઝનો વીડિયો જાહેર કરી રહ્યો છું. હું પ્રકૃતિ સાથે જોડાયેલા પંચતત્વો – પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી પ્રેરિત છું અને એટલે હું યોગ ઉપરાંત ટ્રેક પર ચાલવાનું પસંદ કરું છું. તેનાથી ખૂબ રિફ્રેશિંગ અનુભવ થાય છે. હું શ્વાસોચ્છવાસ માટેની એક્સરસાઇઝ પણ કરું છું.”

વિરાટ કોહલીએ કર્યા હતા નોમિનેટ

ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રમત-ગમત મંત્રી રાજ્યવર્ધસિંહ રાઠોડની ‘ફિટનેસ ચેલેન્જ’ સ્વીકારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને પોતાની પત્ની અનુષ્કા શર્માને ટેગ કરીને તેમને ફિટનેસ ચેલેન્જ આપી હતી. અનુષ્કા શર્મા પહેલા જ કોહલીની આ ચેલેન્જ પૂરી કરી ચૂકી છે.રાઠોડે દેશમાં ફિટનેસને લઇને જાગૃતિ અભિયાન હેઠળ વ્યાયામ કરીને પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને ખેલ અને સિનેમા જગતની કેટલીક મુખ્ય હસ્તીઓને ટેગ કરીને તેમને પણ આ અભિયાનમાં સામેલ થવાની અપીલ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.