- પાવાગઢના ઇતિહાસને બદલનારો વિકાસયજ્ઞ: રૂ.137 કરોડના ખર્ચે સમગ્ર સંકુલના વિકાસ કાર્યોનું લોકાર્પણ
- જર્જરિત શિખરને નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરાયું, પાંચ સદી બાદ ધ્વજા ફરકાવાઈ
આજની ઘડી ઐતિહાસિક બની રહી છે. કારણકે વડાપ્રધાન મોદીએ મોગલ સામ્રાજ્ય પહેલાની ” ધ્વજા” પુન: સ્થાપિત કરી છે. જર્જરિત શિખરને નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરી 5 સદી જેટલા લાંબા સમય બાદ મંદિર ઉપર ધ્વજા ફરકાવાઈ છે.
મંદિરમાં આ ધ્વજારોહણ ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. કારણ કે અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું, તેનું શિખર ખંડિત હતું. જેના કારણે તેની પર લગભગ 500વર્ષોથી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખા મંદિરનું નવીનીકરણ થઈ જતા હવે સ્વર્ણ જડિત ધ્વજદંડ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થયા છે. શિખર જર્જરિત થઈ જવાથી સદીઓથી પાવાગઢ મંદિર પર ધજા ચઢી ન હતી. ત્યારે વર્ષો બાદ ધજા ચઢાવનાર પીએમ મોદી પહેલા વ્યક્તિ બન્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લીધી છે. સવારે 11.00 વાગ્યે વડાપ્રધાન પાવાગઢ પહોંચ્યા છે. જ્યાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ થઈ છે. આ વાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે.
શિખરને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ પાવાગઢ પહાડની ટોચ વિશાળ કરી મોટા પરિસરનો પાયો બનાવવામાં આવ્યો,ત્યારબાદ પરિસરના પહેલા તથા બીજા માળે આનુષંગિક સુવિધાઓ ઉભી કરવામાં આવી. માતાજીના ગર્ભગૃહમાં મૂળ સ્થાપન યથાવત્ રાખીને સંપૂર્ણ મંદિર નવું બનાવી મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવ્યો છે. માતાજીના જૂના મંદિરમાં જ્યાં શિખરની જગ્યાએ દરગાહ હતી તે સમજાવટથી અલગ કરી નવું શિખર બનાવવામાં આવ્યું છે, જેના પર ધ્વજદંડક પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.
હાલ મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશ્રામગૃહ, પીવાનું શુદ્ધ પાણી, નવા અને સુવિધાસભર શૌચાલય સાથે જ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ મંદિરના પહેલાના જૂના અને ઉબડખાબડ પગથિયાની જગ્યાએ મોટા અને સુવ્યવસ્થિત પગથિયાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. માંચીથી રોપ-વેના અપરસ્ટેશન સુધી 2200 પગથિયા અને અપરસ્ટેશનથી દૂધિયા તળાવ થઈને માતાજીના મંદિર સુધીના 500 પગથિયાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય અંદાજિત રૂપિયા 12 કરોડના ખર્ચે ટ્રસ્ટ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું છે. તો મંદિર સિવાયના સમગ્ર સંકુલના વિકાસકામો માટે કરવામાં આવેલ અંદાજિત રૂપિયા125 કરોડના ખર્ચ પૈકી 70 ટકા ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અને 30 ટકા ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં યજ્ઞશાળા દૂધિયા તળાવ પાસે બૃહદ ભોજનશાળા અને પ્રવાસીઓના રાત્રિ રોકાણ માટેની ભક્તિનિવાસ સુવિધાઓ તેમજ છાસિયા તળાવ પાસેથી સીધી જ માતાજીના મંદિર સુધી પહોંચાડતી બે મોટી લિફ્ટ ઊભી કરવામાં આવશે. સાથે જ પાવાગઢ પર્વત પર માતાજીના મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જોડતો પ્રદક્ષિણાપથ તૈયાર કરવામાં આવશે. માંચી પાસે અતિથિગૃહ અને મલ્ટી લેવલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવશે. આજુબાજુમાં પર્વત પર વનવિભાગના સહયોગથી મોટાપાયે વૃક્ષારોપણનું આયોજન હાથ ધરાશે.
ધ્વજા માત્ર ધ્વજા નથી, સાર્વભૌમત્ત્વ અને અસ્તિત્વનું મોટું ચિન્હ છે
ધ્વજાએ માત્ર ધ્વજા નથી. પણ સાર્વ ભોમત્વ અને અસ્તિત્વનું મોટું ચિન્હ છે. કોઈ પણ સંસ્કૃતિ કે ધર્મ માટે તેની ધ્વજા અતિ મહત્વની છે. ધ્વજાએ આસ્થાનું પ્રતીક પણ છે. જે ગૌરવની લાગણીની પ્રતીતિ પણ કરાવે છે. એટલે જ દેશના રાષ્ટ્રધ્વજનું આટલું મહત્વ છે. જે દેશદાઝ અને દેશની ગરિમાનું એક પ્રતીક છે.
સંસ્કૃતિના પુન: સ્થાપનની મોદીની મુહિમ
આપણે આપણી સંસ્કૃતિથી દુર જઇ રહ્યા છીએ. ભારતનો ઇતિહાસ ભવ્ય છે. પણ જે દેશના લોકો પોતાનો ઇતિહાસ ભૂલે તે પતનના આરે પહોંચે છે. હાલ ભારતના લોકો પશ્ચીમિકરણના આંધળુકિયા કરી રહ્યા છે. તેવામાં વડાપ્રધાન મોદીએ સંસ્કૃતિના પુન: સ્થાપન માટે મુહિમ ચલાવી છે. જેનું ઉદાહરણ અયોધ્યાનું રામ મંદિર છે. હવે બીજુ ઉદાહરણ પાવાગઢના મંદિર ઉપર 5 સદી બાદ ધ્વજારોહણ પણ બન્યું છે.
ભૂતકાળમાં એક ધ્વજા માટે સેંકડો કુરબાની દેવાઈ છે!!
ભુતકાળના હિન્દુસ્તાનમાં એક ધ્વજા માટે સેંકડો કુરબાની દેવાઈ છે. ધ્વજાએ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. અનેક લોકોના માથા આ ધ્વજાના રક્ષણ માટે કપાયા છે. પછી તે રાષ્ટ્રની ધ્વજા હોય કે કોઈ રજવાડાની કે ધર્મની. આ ધ્વજાના રક્ષણ માટે અનેક લોકોએ જીવની આહુતિઓ આપી છે.