અબતક, રાજકોટ :
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપના કાર્યકરો સાથે નમો એપના માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો. જેમાં તેઓએ રાજકોટના ભરપેટ વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે મારુ સૌભાગ્ય છે કે હું મારી પહેલી ચૂંટણી રાજકોટથી લડ્યો છું. જનસંઘને રાજકોટથી તાકાત મળી છે. રાજકોટએ ભાજપનું પાવર હાઉસ છે.
તેઓએ કોરોના કાળમાં કેન્દ્ર સરકારની કામગીરી, સંગઠનની કામગીરી અંગે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતના અનેક પેજ પ્રમુખો સાથે વાત કરી હતી. પીએમ મોદીએ ગુજરાત ભાજપના પેજ પ્રમુખો સાથેના સંવાદમાં તેમની કામગીરીને બિરદાવતા કહ્યું કે, ઘણા સમયથી તમારી સાથે વાત કરવાની ઈચ્છા હતી. મારી પહેલી ઓળખ એક કાર્યકર્તા તરીકેની છે.
મારુ સૌભાગ્ય છે કે હું મારી પહેલી ચૂંટણી રાજકોટથી લડ્યો છું
જનસંઘને રાજકોટથી તાકાત મળી છે, રાજકોટ ભાજપનું પાવર હાઉસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
તેમણે કહ્યુ કે, દેશ ગણતંત્ર દિવસની ઉજવણીમાં વ્યસ્ત છે. આજે નેશનલ વોટર્સ દિવસ છે. દેશના તમામ મતદાતાઓને એવો અધિકાર આપ્યો છે જે દેશનુ ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે. એક વોટની શક્તિ મહત્વના નિર્ણયો લે છે. ગર્વની વાત છે કે આઝાદી બાદ ભારતમાં ચૂંટણીના માધ્યમથી દેશની જનતાએ સરકાર બનાવી છે. કેવી સરકાર રહેશે તેના નિર્ણય લીધા છે. આ બધુ તમારા એક વોટથી થાય છે. આજના જ દિવસે ભારતના ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી. તેથી મતદાતા દિવસ ઉજવાય છે. ભારતમાં ચૂંટણી આયોગની સ્થાપના દેશના ગણતંત્ર બનવાના એક દિવસ પહેલા થઈ. કારણ કે, જીવંત લોકતંત્ર ત્યારે જ સંભવ છે જ્યારે નિષ્પક્ષ ઈલેક્શન થાય. તે હેતુથી તે એક દિવસ પહેલા બન્યુ હતું.
તેમણે કહ્યુ કે, આપણી ચૂંટણી પ્રક્રિયા અનેક દેશો માટે બેન્ચમાર્ક જેવી છે. આજે ભારતના વિશ્વના અનેક દેશોને પોતાના અનુભવોનો લાભ આપે છે. ભારતની દરેક સંવિધાનિક સંસ્થાએ ચૂંટણી પંચના ગરિમાની રક્ષા કરી છે. દરેક રાજકીય પાર્ટીએ ઈલેક્શન પંચના આદેશનો પાલન કર્યો છે. આજે કાર્યક્રમમા જોડાયેલા અનેક લોકો એવા છે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે. આવા લોકોને માલૂમ નહિ હોય કે ભૂતકાળમાં અલગ અલગ ઉમેદવારોના નામના અલગ અલગ બોક્સ હતા, જેમાં લોકો મતદાન કરતા હતા. તે સમયથી નીકળીને હવે ઈવીએમથી મતદાન થાય છે. એક સમયે વોટની ગણતરી અનેક દિવસો સુધી ચાલતી, પણ ઈવીએમની મદદથી ગણતરીના કલાકમાં પરિણામ આવી જાય છે.
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને અમિત શાહ પણ પેજ પ્રમુખ છે. પહેલીવાર પેજ સમિતિ સુધીના સ્તરે પીએમ મોદીએ કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. જેમાં 5 લાખથી વધુ પેજ પ્રમુખોને નમો એપ પર જોડાયા છે. પૂર્વ સીએમ રૂપાણી અને પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ પણ પેજ પ્રમુખ છે. પીએમ મોદીએ પેજ સમિતિના સભ્યોને માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ પેજ સમિતિના મોડલને સમગ્ર દેશમાં લાગુ કરવાની તૈયારીઓની વાત કરી છે.
પેજ પ્રમુખો સંકલ્પ લ્યે, મારા મત વિસ્તારમાં 75 ટકા વોટિંગ જરૂર કરાવીશ
પેજ પ્રમુખોને સલાહ આપતા પીએમ મોદીએ કહ્યુ કે, ભારતની સૌથી પહેલી ચૂંટણીમાં 45 ટકા લોકોએ મતદાન કર્યુ હતું, 2019ના ગત લોકસભા ચૂંટણીમાં 67 ટકા મતદાન થયુ હતું. મતદાતા વધ્યા છે. શહેરી વિસ્તારોમા વોટિંગની ટકાવારી ઓછી હોય છે. લોકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરે છે, પણ વોટ આપવા જતા નથી. પેજ પ્રમુખો સંકલ્પ લઈ શકે છે, કોઈ પણ ચૂંટણીમાં મારા મત વિસ્તારમાં 75 ટકા વોટિંગ જરૂર કરાવીશ. મને આજના યુવાઓનો ઉત્સાહ જોઈને તેમની પાસેથી આશા છે. વોટિંગ વધારવા માટે પેજ પ્રમુખો પ્રયાસ કરે.
માઈક્રો ડોનેશન ઉપર ધ્યાન દેવા પેજ પ્રમુખોને હાંકલ
પેજ સમિતિના પ્રમુખોને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દર વર્ષે એક માઈક્રો ડોનેશન કાર્યક્રમનું આયોજન કરે છે. હાલમાં પણ માઈક્રો ડોનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, નમો એપ પર જઈને માઈક્રો ડોનેશન એટેલે સુક્ષ્મ દાન જેમ કે, 56 રૂપિયા, 10 રૂપિયા , 20 રૂપિયા દાન કરી શકાય છે. જેનું એક અભિયાન ચાલી રહ્યું છે. ભાજપ હંમેશા સંગઠનની શક્તિને મહત્વ આપે છે. હું તમામ પેજ સમિતિના પ્રમુખોને આગ્રહ કરું છું. આ માઈક્રો ડોનેશનના કામમાં આપના પેજના જેટલા નામો છે. તેમની સાથે લઈને આગળ વધો પછી ભલેને તેઓએ 5 રૂપિયાનું ડોનેશન કર્યું હોય.