વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી જી-ર૦ દેશોના વડાની બેઠકમાં વડાપ્રધાન મોદીએ વૈશ્વિક ભાતૃત્વની ભાવના પર ભાર મુકીને એક થઇને કોરોના વાઇરસ સામે લડત આપવા અપીલ કરી
વિશ્ર્વભરમાં હાહાકાર મચાનવારા કોરોના વાઇરસ ભારતમાં વધારે ફેલાઇ નહીં તે માટે ર૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જાહેરાત કરી છે ભારત જેવા વિશાળ દેશમાં લોકડાઉનનો કડક અમલ થતા કોરોના વાઇરસને ફેલાતો અટકાવવામાં સફળતા મળતા મોદીના આ નિર્ણયની વિશ્વભરમાં ભારે પ્રસંશા થઇ રહી છે દરમ્યાન ગઇકાલે જી-૨૦૦૯ ના દેશોના વડાઓની બેઠકમાં પણ વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોના કોણે ફેલાવ્યો? તે ભુલી જઇને કોરોનાને કેવી રીતે અટકાવી શકાય તે મુદ્દે ચર્ચા કરી હતી. માત્ર એટલું જ નહી વડાપ્રધાન મોદીએ કોરોનાને લઇને તમામ દેશોને સહકાર આપવાની તત્પરતા દાખવીને વિશ્વ ગુરુ ની ભૂમિકામાં આવી જવા પામ્યા છે.
વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે ત્યારે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા ભેગા થયેલા જી-૨૦ દેશોના નેતાઓને ભારતીય વડા પ્રધાન મોદીએ અનોખું આહ્વાન કર્યું હતું. તેમણે આફતને અવસરમાં બદલી નાખવાની વાત કરી હતી. તેમણે નેતાઓને સંબોધતા જણાવ્યું કે, આપણે અત્યારે આર્થિક બાબતો ઉપર નહીં પણ માનવતા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. વાઈરસ ક્યાંથી ઉત્પન્ન થયો કે ક્યાંથી આવ્યો તે વિશે વિચારવા કરતા તેનો નાશ કરવા માટે આપણે એકજૂથ થવાનું છે તે દિશામાં વિચાર કરવાની જરૂર છે. કોરોનાએ આપણને એક અવસર આપ્યો છે જેના પગલે આપણે ગ્લોબલાઈઝેશન મુદ્દે નવી દિશામાં વિચાર કરી શકીએ તેમ છીએ. કોઈને દોષ દેવા કરતાં સ્થિતિને કેવી રીતે સુધારી શકાય છે તે દિશામાં વિચાર કરવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં જી-૨૦ની બેઠકો માત્ર આર્થિક બાબતોની ચર્ચાનું જ પ્લેટફોર્મ બની રહી છે. આ ઈમેજમાંથી બહાર આવવું પડશે. આર્થિક રીતે નબળા દેશોની સ્વાસ્થ સુવિધાઓ સારી બને તે દિશામાં વિચારીને ઝડપી પગલાં લેવા પડશે.
કોરોનાને કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ઉદ્યોગધંધા ચોપટ થઈ ગયા છે. મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ઉપર બ્રેક વાગી ગઈ છે. વિશ્વના મોટાભાગના દેશો કોરોનાની ઝડપેટમાં આવી ગયા છે. આ સ્થિતિમાંથી દુનિયાને બહાર લાવવા માટે જી-૨૦ દેશો દ્વારા પહેલ કરવામાં આવી છે. જી-૨૦ દેશો દ્વારા વિશ્વના અર્થતંત્રમાં પાંચ ટ્રિલિયન ડોલર ઠાલવવામાં આવશે. આ મુદ્દે ભારતીય પીએમ મોદી દ્વારા ડબ્લ્યૂએચઓને પણ મજબૂત બનાવવા માટે હાકલ કરવામાં આવી હતી.
વડા પ્રધાન મોદીએ કોરોનાની આફતને અવસર બનાવીને વૈશ્વિક રીતે વિચારવાની અને કામગીરી કરવાનું આહ્વાન કર્યું હતું. જી-૨૦ દેશોના અન્ય નેતાઓ દ્વારા આ મુદ્દે ગંભીરતાથી વિચારવા અને નેતૃત્વ કરવા બદલ વડા પ્રધાન મોદી અને ભારતની પ્રશંસા કરવામાં આવી હતી.
યુએઈ, કતારમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે વડાપ્રધાન મોદીએ ચર્ચા કરી
કોરોના વાઈરસ વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. તેમાં આરબ દેશો પણ બાકાત રહેવા પામ્યા નથી આરબ દેશોમાં આવતા વિદેશી સહેલાણીઓનાં કારણે કોરોના વાયરસના કેસો આ દેશોમાં પણ જોવા મળી રહ્યા છે. યુએઈ, કતર વગેર જેવા અરબી દેશોમાં મોટા પ્રમાણમાં ભારતીયો ધંધા-રોજગાર અર્થે વસવાટ કરે છે. આવા ભારતીયોની સુરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાઉદી અરેબીયાના રાજા સલમાન સાથે ટેલીફોનીક ચર્ચા કરી હતી ઉપરાંત અબુધાબીના કાઉન પ્રિન્સ શેખ મોહંમદ બિન જાયેદ અલ નાહયાન સાથે પણ ટેલીફોનીક ચર્ચાકરી હતી આ બંને દેશોનાં વડાઓ સાથે ચર્ચા દરમ્યાન મોદીએ ભારતમાં જાહેર કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉન અંગે લીધેલા પગલાની અને હાલમાં ભારતમાં વિદેશી વિમાનોને ઉતરવાની મનાઈ ફરમાવવામાં આવી હોવા અંગેની માહિતી આપી હતી. મોદીએ આબંને દેશોના વડાઓ સાથે તેમના દેશમાં રહેલા ભારતીયોની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા વિનંતી પણ કરી હતી.