- દોહામાં એરપોર્ટ અને હોટેલની બહાર ભારતીય સમુદાયે મોદીનું કર્યું ઉસ્માભર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે મોડી રાત્રે કતારની રાજધાની દોહા પહોંચ્યા હતા. અહીં તેઓ વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે ભારત અને કતાર વચ્ચે સંબંધો વધારવા પર વાતચીત થઈ હતી. પીએમ મોદીએ આ બેઠકને શાનદાર ગણાવી હતી. વડાપ્રધાન મોદી આજે કતારના શાસક શેખ તમીમ બિન હમાદ અલ થાનીને પણ મળ્યા છે. અને બંને દેશો વચ્ચેના સંબંધો સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઇની બે દિવસીય મુલાકાત બાદ કતાર પહોંચ્યા હતા. કતારની રાજધાની દોહા પહોંચ્યા બાદ એનઆરઇ લોકોએ હોટલની બહાર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. હાથમાં ભારતીય ત્રિરંગો લઈને આવેલા લોકોએ ‘મોદી-મોદી’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ તેમના સ્વાગત માટે હોટલની બહાર એકઠા થયેલા લોકો સાથે હાથ મિલાવ્યા હતા. કેટલાક એનઆરઆઈ લોકોએ પીએમ મોદીને પુસ્તકો પણ અર્પણ કર્યા હતા. આ દરમિયાન લોકોએ પીએમ મોદી સાથે વાત કરી અને તેમની સાથે તસવીરો પણ ખેંચાવી.
આ પહેલા યુએઇમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. તેઓએ દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરી અને સહકારના નવા ક્ષેત્રોની ચર્ચા કરી. તેઓએ બંને દેશોના વેપાર અને રોકાણ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફિનટેક, ઉર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો જેવા તમામ ક્ષેત્રોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનું નક્કી કર્યું.