ભારતીય ટુરિઝમને કોઈ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડરની જરૂર નથી. કારણકે વડાપ્રધાન મોદી જ તેની ગરજ સારી રહ્યા છે. ભારતના એક પછી એક સ્થળોને વડાપ્રધાન સોશિયલ મીડિયા ઉપર ચમકાવી રહ્યા છે. અગાઉ વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસની તસવીરોએ હેડલાઇન્સ બનાવી હતી. દરિયા કિનારે બેસીને મોજાને જોતા મોદીની તસવીર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી હતી.લક્ષદ્વીપની તસવીરો સામે આવ્યા બાદ લોકોએ ગૂગલ પર ત્યાં પહોંચવાના રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું. લક્ષદ્વીપની મુલાકાતે ફરી એકવાર પુષ્ટિ કરી છે કે મોદી જ્યાં પણ જાય છે, તે વિસ્તાર નવા પ્રવાસી હબ તરીકે ઉભરી આવે છે. જો કે મોદીના આ કિમીયાથી માલદીવને ફટકો પડયો છે.
ત્યારબાદ મોદીએ દ્વારકામાં બનેલ દેશના સૌથી મોટા કેબલ બ્રિજ ’સુદર્શન સેતુ’નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમને દ્વારકા જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરીને પૂજા પણ કરી હતી. ત્યારબાદ તેઓએ અરબ સાગરમાં સ્કુબા ડ્રાઇવિંગ કરી હતી.
પીએમ મોદી નૌસેના જવાનો સાથે સ્કુબા ડ્રાઇવિંગ કરવા માટે ગોમતી ઘાટ સ્થિત સુદામા સેતુ પાર કરીને પંચકુઈ બીચ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ લગભગ 2 નોટિકલ માઈલ દૂર દરિયામાં સ્કુબા ડ્રાઇવિંગ કરવા માટે ગયા હતા.
પીએમ મોદીએ એક્સ પર સ્કુબા ડ્રાઇવિંગની કેટલીક તસવીરો શેર કરી હતી. તેમને કેપ્શનમાં લખ્યું હતું કે, ’પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવું છું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.’
ત્યારબાદ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગલ સફારી માટે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. અહીં તેણે જીપમાંથી કાઝીરંગાનું પ્રાકૃતિક સૌંદર્ય જોયું. આ પછી પીએમે હાથી પર સવારી પણ કરી હતી. તેમની મુલાકાત સાથે જોડાયેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીએમ મોદી જંગલ સફારીની મજા માણી રહ્યાં છે. વડાપ્રધાન અહીં નેશનલ પાર્કની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓને પણ મળ્યા હતા.
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ કાઝીરંગા નેશનલ પાર્ક આસામના ગુવાહાટીથી લગભગ 194 કિલોમીટર દૂર છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં 1905માં 1938માં શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને માત્ર પર્યટન માટે આવતા લોકોને જ તેમાં પ્રવેશ મળે છે. જંગલમાં મહિલા રક્ષકો પણ તૈનાત છે અને આ ટીમને ’વન દુર્ગા’ નામ આપવામાં આવ્યું છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ચાર નદીઓથી ઘેરાયેલું છે જેમાં બ્રહ્મપુત્રા, ડિફ્લુ, મોરા ડિફ્લુ અને મોરા ધનસિરીનો સમાવેશ થાય છે.