ભારતે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે. પાકિસ્તાની મીડિયાએ આ દાવો કર્યો છે.ઈસ્લામાબાદ પોસ્ટ અનુસાર, ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને સત્તાવાર રીતે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ કરી છે.
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ સઈદ હાલ પાકિસ્તાની જેલમાં બંધ
ભારત હાલ બે સૂત્રને આધીન આગળ વધી રહ્યું છે. જેમાં પહેલું સૂત્ર અર્થતંત્રનું છે. જેના હેઠળ ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવી આર્થિક મહસતા બનાવવાનો લક્ષ્યાંક છે. બીજું સૂત્ર આતંકવાદનું છે. આતંકવાદનો જડમૂળથી ખાત્મો કરવાનો લક્ષ્યાંક છે. મોદી મંત્ર-2 હેઠળ સતત આતંકવાદના ખાત્મા તરફ ભારત આગળ વધી રહ્યું છે. આતંકવાદને સતત પોષતા પાકિસ્તાનનાના ગળામાં આતંકવાદ હાડકા જેવું ફસાયું છે. પોષતું એ મારતું માફક પાકિસ્તાને સતત આતંકવાદીઓને પનાહ આપી છે જે હવે પાકિસ્તાન માટે મોટું પડકાર બની ગયું છે. આતંકવાદી પ્રવૃતિઓને સતત પ્રોત્સાહન આપવા બદલ પાક આર્થિક રીતે પડી ભાંગ્યું છે. હવે પાકિસ્તાન પાસે આર્થિક સહાય માટે એક માત્ર અપેક્ષા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) પાસે છે.
વૈશ્વિક સ્તરે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને મુંબઈ હુમલા બાદ યુએન દ્વારા આતંકવાદી જાહેર કરી તેની માથે 10 મિલિયન ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું હતું. જે બાદ હાફિઝ પાકિસ્તાનમાં હોવાનું સામે આવતા એફએટીએફએ પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરી દેવા સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપ્યા બાદ પાકિસ્તાની કોર્ટે આતંકવાદી પ્રવૃતિઓ માટે ફન્ડિંગ કરવાના આરોપસર હાફિઝ સઈદને 31 વર્ષની સજા ફટકારી હતી અને હાલ સઈદ પાકિસ્તાની જેલમાં હોવાનું પાકિસ્તાને જણાવ્યું હતું.
હવે જયારે હાફિઝ પાકિસ્તાનની જેલમાં હોવાનું પાક સરકારે જ સ્વીકારી લીધું છે ત્યારે ભારતે હવે હાફિઝને સોંપી દેવા સત્તાવાર માંગણી કરી છે.
ઈસ્લામાબાદ પોસ્ટના અહેવાલમાં રાજદ્વારી સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે – પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી સત્તાવાર વિનંતી મળી છે. જેમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
અહેવાલમાં જણાવાયું છે કે આ સત્તાવાર વિનંતી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક નવો અધ્યાય જોડે છે, કારણ કે ભારત સરહદપારની ઘટનાઓમાં સંડોવાયેલા લોકોને પકડવા અને ન્યાય અપાવવામાં પાકિસ્તાન પાસેથી સહયોગ માંગે છે. જો પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે, તો બંને દેશોના સંબંધિત અધિકારીઓ વચ્ચે સહયોગ અને વાતચીતની જરૂર પડશે.
ક્યાં છે હાફિઝ સઈદ?
હાફિઝ સઈદ હાલ પાકિસ્તાની જેલમાં છે. જો કે, ઘણા મીડિયા રિપોર્ટ્સ અને પાકિસ્તાની પત્રકારોએ પણ ખુલાસો કર્યો છે કે સઈદ જેલમાં નથી, પરંતુ તેના ઘરે છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈની દેખરેખ હેઠળ તે જેલમાં રહેવાને બદલે ઘરે જ રહે છે તેના મજબૂત પુરાવા છે. સઈદ લગભગ ચાર વર્ષથી કોઈ જાહેર મંચ પર જોવા મળ્યો નથી.
26/11ના હુમલા માટે સઈદને 68 વર્ષની જેલ
2021માં પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે જમાદ-ઉદ-દાવાના નેતા હાફિઝ સઈદને આતંકવાદીને નાણાં પૂરા પાડવાના બે કેસમાં 32 વર્ષની જેલની સજા ફટકારી હતી. 26/11ના મુંબઈ હુમલાના આ માસ્ટરમાઇન્ડને કુલ 7 કેસમાં 68 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
સજા ફટકારી પાકિસ્તાને હાફિઝની પાકિસ્તાનમાં મૌજુદગીને સ્વીકારી લીધી
અગાઉ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં પનાહ લઇ રહ્યો છે તેવું પાકિસ્તાની સરકારે સ્વીકાર્યું ન હતું પણ એફએટીએફના દબાણ બાદ પાકિસ્તાની કોર્ટમાં હાફિઝને સજા ફટકારવામાં આવી અને હાલ હાફિઝ પાકિસ્તાની જેલમાં છે તેવું નિવેદન પાકિસ્તાની સરકારે આપવું પડ્યું હતું. જેના લીધે ભારતને ફાયદો થયો છે અને હવે ભારતે સત્તાવાર માંગણી કરતા હાફિઝને સોંપી દેવા પત્ર લખ્યો છે. જો કે, હજુ સુધી પાકિસ્તાની સરકારે આ મુદે કોઈ ટિપ્પણી કરી નથી.