ભલે વિશ્વના અનેક દેશોનું અર્થતંત્ર પીડાઈ રહ્યું હોય, ભારતની નિકાસને પણ અસર થવાની હોય છતાં દેશની આંતરિક ખરીદ શક્તિ અને માંગ મજબૂત હોવાથી અર્થતંત્ર જેટગતીએ દોડશે
મોદી સરકાર વર્ષ 2024ની ચૂંટણીને ધ્યાને રાખી બે જ મુદાનો કાર્યક્રમ ચલાવી રહી છે એક તો અર્થતંત્રને મજબૂતાઈ અને બીજું આતંકવાદનો સફાયો. ખાસ કરીને ચૂંટણી પૂર્વેના વર્ષે અર્થતંત્ર ઉપર સરકાર બરાબર રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહી હોય, સરકારના વિવિધ પગલના લીધે અર્થતંત્ર ટનાટન જ રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જેને પગલે હવે વર્લ્ડ બેન્કે પણ પોતાનો નકારાત્મક અંદાજ સુધારી નાખ્યો છે.
ભારતએ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. જે આગામી વર્ષે પણ એ જ ગતિએ આગળ વધતું રહેશે. જો કે હાલ વિશ્વના અનેક વિકસિત દેશોના અર્થતંત્રની હાલત પણ કફોડી બની ગઈ છે.જેને પગલે વૈશ્વિક હાલત બગડી રહી છે. આવા વાતાવરણ વચ્ચે પણ સરકારના નિર્ણયોના પગલે અર્થતંત્ર હજુ મજબૂત સ્થિતિમાં છે. ભલે વિશ્વના અનેક દેશોનું અર્થતંત્ર પીડાઈ રહ્યું હોય, તેને કારણે ભારતની નિકાસને પણ અસર થવાની હોય છતાં દેશની આંતરિક ખરીદ શક્તિ અને માંગ મજબૂત હોવાથી અર્થતંત્ર જેટગતીએ દોડશે તેવો આશાવાદ હાલ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.
- ભારતનો આગામી વર્ષનો જીડીપી વૃદ્ધિ દર 6.9% રહેશે: વર્લ્ડ બેંકનું અનુમાન
વિશ્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન વધારીને 6.9 ટકા કર્યું છે.વિશ્વ બેંક દ્વારા વૃદ્ધિ દરની આગાહીમાં વધારો એ ચોક્કસપણે ભારત માટે એક સારા સમાચાર છે. વિશ્વ બેંકે કહ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય અર્થવ્યવસ્થા 6.9 ટકાના દરે વૃદ્ધિ કરશે. ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબરમાં વિશ્વ બેંકે વિવિધ કારણોને ટાંકીને ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ 7.5 ટકાથી ઘટાડીને 6.5 ટકા કર્યો હતો. બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર, વર્લ્ડ બેંકે મંગળવારે જાહેર કરેલા તેના રિપોર્ટમાં કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા સારું પ્રદર્શન કરી રહી છે અને બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડા અપેક્ષા કરતા સારા આવી શકે છે. આ તમામ કારણોસર સમગ્ર નાણાકીય વર્ષ માટે વિકાસ દરના અંદાજમાં વધારો કરવામાં આવી રહ્યો છે. “ભારતીય અર્થતંત્ર નોંધપાત્ર રીતે સ્થિતિસ્થાપક રહ્યું છે અને મજબૂત મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સે તેને અન્ય કરતા વધુ સારી સ્થિતિમાં મૂક્યું છે. તેમ વર્લ્ડ બેન્કે જાહેર કર્યું છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 6.3 ટકા નોંધાયો હતો, જો કે, તે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 8.4 ટકા કરતાં ધીમો હતો. પરંતુ, વૈશ્વિક પરિસ્થિતિઓ અને વિશ્વની અન્ય અર્થવ્યવસ્થાઓની તુલનામાં, આ આંકડો વધુ સારો છે. એટલું જ નહીં, જીડીપી ગ્રોથના સંદર્ભમાં વિશ્લેષકના અંદાજ કરતાં તે વધુ સારું હતું.
- રેપોરેટમાં 0.35%નો વધારો કરતી આરબીઆઇ
- નાણાકીય નીતિ સમીક્ષાની બેઠકમાં ગવર્નરની જાહેરાત: રેપોરેટ 5.4%થી વધીને 6.25% થઈ ગયો
ત્રણ દિવસ સુધી ચાલેલી એમપીસીની બેઠક બાદ આરબીઆઇ ગવર્નરે રેપો રેટ વધારવાની જાહેરાત કરી છે. આરબીઆઇએ રેપો રેટમાં 0.35% વધારો કરવાની જાહેરાત કરી છે. હવે આરબીઆઈનો રેપો રેટ 5.4% થી વધીને 6.25% થઈ ગયો છે.
અગાઉ આરબીઆઈએ ઓક્ટોબર અને ઓગસ્ટમાં પણ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. મે મહિનામાં મળેલી એમપીસીની બેઠકમાં પણ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.90% કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેન્કે આજે બુધવારે તેની આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં 35 બેઝિઝ પોઇન્ટનો વધારો કરવાનું જાહેર કર્યું છે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારથી શરૂ થઈ રહેલી મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક બાદ આજરોજ તેની આગામી દ્વિ-માસિક નીતિ રજૂ કરી છે.
- જી20ની અધ્યક્ષતા વિશ્વને આપણી તાકાત બતાવવાની તક: મોદી
ભારતની જી20 અધ્યક્ષતા સમગ્ર રાષ્ટ્ર માટે છે. તે વિશ્વને પોતાની તાકાત બતાવવાની અનોખી તક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકમાં આ વિચારો વ્યક્ત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે ભારતની જી-20 પ્રેસિડન્સી પર્યટન અને સ્થાનિક અર્થતંત્ર માટે મોટી તકો લઈને આવી છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ટીમવર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વિવિધ જી-20 ઈવેન્ટ્સનું આયોજન કરવામાં તમામનો સહયોગ માંગ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે જી-20ની અધ્યક્ષતા દેશના વિવિધ પ્રદેશોની વિશિષ્ટતાને બહાર લાવવામાં પરંપરાગત મેગાસિટીથી આગળ ભારતના ભાગોનું પ્રદર્શન કરવામાં મદદ કરશે. ભારતે વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના સમૂહ ૠ-20 નું અધ્યક્ષપદ ગ્રહણ કર્યું તે અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે વૈશ્વિક સ્તરે ભારત પ્રત્યે ઉત્સુકતા
અને આકર્ષણ છે, જે આ પ્રસંગનું મહત્વ વધારે છે, વિદેશ મંત્રાલય એક નિવેદનમાં જણાવ્યું હતું.’ટીમ વર્ક’ના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વિવિધ જી-20 કાર્યક્રમોના આયોજનમાં તમામ નેતાઓ પાસેથી સહકાર માંગ્યો હતો. મોદીએ કહ્યું કે જી-20 ની અધ્યક્ષતા ભારતના વિવિધ ભાગોને પ્રદર્શિત કરવામાં મદદ કરશે, દેશના વિવિધ પ્રદેશોની વિશિષ્ટતા બહાર લાવી શકશે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એવો ટોણો માર્યો હતો કે જી20ની અધ્યક્ષતા રાષ્ટ્રીય ઇવેન્ટ બને તે સારું રહેશે. નહિ કે ભાજપની ઇવેન્ટ.
- ફિચે પણ ભારતનો જીડીપી 7% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો
વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે ભારતમાં ચાલુ નાણાકીય વર્ષ માટેના તેના અંદાજો અંગેનો અહેવાલ રજૂ કર્યો છે. ફિચ અનુસાર, ભારત ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ ધરાવતો દેશ બનવાનું ગૌરવ હાંસલ કરી શકે છે. આ રિપોર્ટ અનુસાર, ફિચે ભારતના આર્થિક વિકાસનું અનુમાન 7 ટકા જાળવી રાખ્યું છે. રેટિંગ એજન્સી ફિચે કહ્યું કે તેણે આગામી 2 નાણાકીય વર્ષ માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) વૃદ્ધિ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. ફિચ કહે છે કે દેશ અમુક અંશે વૈશ્વિક આર્થિક આંચકાઓથી પોતાને સુરક્ષિત કરવામાં સક્ષમ છે, પરંતુ તે વૈશ્વિક હિલચાલથી સંપૂર્ણપણે અવાહક રહી શકતો નથી. ફિચના ગ્લોબલ ઈકોનોમિક સિનેરીયોના ડિસેમ્બર ઈશ્યુ અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર 7 ટકા રહેશે. તે જ સમયે, તે 2023-24માં 6.2 ટકા અને 2024-25માં 6.9 ટકા થવાની ધારણા છે. અગાઉ, સપ્ટેમ્બર મહિનામાં, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર 7 ટકા, આગામી નાણાકીય વર્ષમાં 6.7 ટકા અને 2024-25માં 7.1 ટકા રહેવાની ધારણા હતી. ફિચે કહ્યું કે અર્થવ્યવસ્થાની સારી સ્થિતિને જોતા ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ છે. તેમણે કહ્યું, ભારત અમારી ફિચ 20 શ્રેણીમાં સૌથી ઝડપથી વિકસતા ઉભરતા બજાર અર્થતંત્રોમાંનું એક રહેવાની સંભાવના છે.