અર્થતંત્રને મજબૂતી અને આતંકવાદનો ખાત્મો આ બે મંત્ર સાથે ભારતે વિશ્ર્વમાં અનોખું સ્થાન બનાવ્યું, હવે જી-20ના પ્રમુખ બનેલા ભારત પ્રત્યે વિશ્વને અનેક સમસ્યાઓના પરિણામની આશા
વૈશ્વિક સમસ્યાઓ વચ્ચે ભારતીય અર્થતંત્રની સતત આગેકૂચ આખા વિશ્વનું ધ્યાન ખેંચી રહી છે. અર્થતંત્રને મજબૂતી અને આતંકવાદનો ખાત્મો આ બે મંત્ર સાથે ભારતે વિશ્વમાં અનોખું સ્થાન બનાવ્યું છે. હવે જી-20ના પ્રમુખ બનેલા ભારત પ્રત્યે વિશ્વને અનેક સમસ્યાઓના પરિણામની આશા જાગી છે.
વડાપ્રધાન મોદી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી સરકારનું પર્ફોમન્સ બતાવવા છેલ્લા ઘણા સમયથી પ્રયત્નશીલ છે. ખાસ કરીને મોદી સરકારે અર્થતંત્રને મજબૂતાઈ આપવા અને આતંકવાદથી મુક્તિ મેળવવા એક પછી એક અસરકારક પગલાં લીધા છે. વડાપ્રધાન મોદીનો અર્થતંત્રને મજબૂતાઈ આપવાનો મોદી મંત્ર 1 સાકાર થવાની દિશામાં છે.
ભારતના અર્થતંત્રએ છેલ્લા થોડા સમયમાં અનેક આયામો સર કર્યા છે. બ્રિટનને પાછળ છોડતાની સાથે જ હવે સૌથી ઝડપી અર્થવ્યવસ્થા ધરાવતા ભારતે એક નવી રેસ શરૂ કરી એક પછી એક બીજા દેશોને પાછળ છોડવાનું લક્ષ્ય રાખ્યું છે. વધૂમાં રૂપિયો પણ છેલ્લા ઘણા સમયથી મજબૂત સ્થિતિ જમાવી રહ્યો છે. ભારતનું માર્કેટ પણ સતત ગ્રીન ઝોનમાં રહીને વિદેશી રોકાણકારોને આકર્ષી રહ્યું છે.
આ ઉપરાંત ભારત હવે ધીમે ધીમેં વિદેશી રોકાણકારોની પહેલી પસંદ બની રહ્યું છે. સાથોસાથ ભારત નિકાસ વધારવામાં પણ સતત આગળ આવી રહ્યું છે. બીજી તરફ મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેકટ તળે તમામ વસ્તુઓનું ઘરઆંગણે જ ઉત્પાદન કરીને ભારત આયાત ઉપર કાપ લાગે તે પ્રકારે પગલાં લઈ રહ્યું છે.