દુનિયા કી ઐસી કી તૈસી
બેંકિંગ સેક્ટરની સ્થિતિ ખૂબ જ મજબૂત, કૃષિ ઉત્પાદનમાં વધારો, ફુગાવો પણ ઘટવા તરફ, એટલે જ વ્યાજદર વધારવાની જરૂર ન પડી : RBI
RBIએ સ્પષ્ટ વાત મૂકી છે કે ભારતની સ્થિતિ સારી છે. દેશમાં બેંકિંગ સેક્ટરની સ્થિતિ ખૂબ જ મજબૂત છે. અનાજના ઉત્પાદનમાં 6% નો વધારો થયો છે. સામે ફુગાવો પણ ઘટવા તરફ છે. એટલે ટૂંકમાં વિશ્વ જે માને તે પણ ભારતના વિકાસને કોઈ રોકી શકે તેમ નથી.
RBIની મોનેટરી પોલિસી કમિટીએ આ વખતે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. સતત છ વખત રેપો રેટ વધાર્યા બાદ RBIએ નવા નાણાકીય વર્ષની પ્રથમ એમપીસી બેઠકમાં તેને યથાવત રાખ્યો છે. ફુગાવા પર બોલતા, ગવર્નર શક્તિકાંતે કહ્યું કે નાણાકીય વર્ષ 24 માં છૂટક ફુગાવાનો દર 5.2 ટકા હોઈ શકે છે. તેમણે કહ્યું કે મધ્યમ ગાળામાં ફુગાવાને નિર્ધારિત મર્યાદામાં લાવવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી મોંઘવારી નિર્ધારિત મર્યાદામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
RBI ગવર્નરે અનુમાન કર્યું હતું કે નાણાકીય વર્ષ 24 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 7.8% રહી શકે છે. દાસે કહ્યું કે તાજેતરના વર્ષોમાં દેશમાં સર્વેલન્સ સિસ્ટમ મજબૂત કરવામાં આવી છે. લિક્વિડિટી મેનેજમેન્ટ પર RBIની નજર રહે છે. રૂપિયાની સ્થિરતા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પ્રયાસો પણ ચાલુ છે. RBI ગવર્નરે કંપનીઓને મૂડી બફર બનાવવાની સલાહ આપી છે.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા અને રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે ઉથલપાથલ છતાં ફુગાવો 6 ટકા અથવા તેનાથી નીચે રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મોંઘવારી એક એવો મામલો છે જેના પર કેન્દ્ર ખૂબ જ સંવેદનશીલ અને પ્રતિભાવશીલ છે. સીતારમણે જણાવ્યું હતું કે રોગચાળા અને સંઘર્ષને કારણે ભારતમાંથી આયાત કરવામાં આવતી ચીજવસ્તુઓની કિંમતો પર અસર પડી છે અને સરકારે સબસિડી આપવા સહિત અનેક પગલાં લીધાં છે.
ઘરના ઘરનું સ્વપ્ન રોળાશે નહિ!
RBIએ દેશની મેક્રો-ઇકોનોમિક સ્થિતિસ્થાપકતા, મજબૂત બેન્કિંગ સિસ્ટમ અને મજબૂત હોવાને ટાંકીને રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનું સાહસિક પગલું ભર્યું હતું. નાણાકીય બજારોમાં તેજી આવી છે. આ પહેલા સતત છ વખત વ્યાજદરમાં વધારો કરવાની અસરનું મૂલ્યાંકન કરવા માટે આ યોગ્ય પગલું છે. રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે પણ આ આવકારદાયક પગલું છે.
RBIએ વિવિધ હિતધારકોની કાળજી લીધી છે. ભારતનું હાઉસિંગ માર્કેટ 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન વેચાણમાં મજબૂત 20% વૃદ્ધિ નોંધાવવા અને 15 વર્ષની ટોચે પહોંચવા માટે તૈયાર છે. એપ્રિલ 2022 થી હોમ લોન ઇએમઆઈમાં 15 થી 17 ટકાનો વધારો થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન હોમ લોન લગભગ ચારથી 12 ટકા જેટલી મોંઘી થઈ છે. આવી સ્થિતિમાં, રેપો રેટ યથાવત રાખવાના RBIના નિર્ણયથી ગ્રાહકો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને ઘણી હદ સુધી રાહત મળશે.
ફુગાવો 5.5% ની નજીક રહે તેવી સંભાવના
નિષ્ણાંતોના મતે રિટેલ ફુગાવાના મોરચે હાલના તબક્કે મોટી રાહતની અપેક્ષા છે. છેલ્લા 10 વર્ષમાં સરેરાશ ફુગાવાનો દર 5.8 ટકા રહ્યો છે. આગામી દિવસોમાં છૂટક ફુગાવો 5.5 ટકા અથવા તેનાથી નીચે આવે તેવી શક્યતા ઓછી છે. છેલ્લા બે મહિનાથી રિટેલ ફુગાવો RBIની આરામદાયક રેન્જ 6 ટકાથી ઉપર છે. રિટેલ ફુગાવો ફેબ્રુઆરીમાં 6.44 ટકા અને જાન્યુઆરીમાં 6.52 ટકા હતો.
બજારમાં લિકવિડીટી પ્રદાન કરવા હવે યુપીઆઈમાં પણ ક્રેડિટ અપાશે
બજારમાં લિકવિડીટી પ્રદાન કરવા હવે યુપીઆઈમાં પણ ક્રેડિટ અપાશે. આ માટે RBIએ બેન્કોને મંજૂરી આપી દીધી છે. આના કારણે હવે બેલેન્સ ન હોય તો પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે અને ક્રેડિટ સ્કોર મેઇન્ટેઇન કરી શકાશે. ક્રેડિટ લાઇન એ કોઈપણ વપરાશકર્તાઓ માટે બેંક દ્વારા નિર્ધારિત મર્યાદા હશે, જે રકમ વપરાશકર્તા ખર્ચ કરી શકશે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ વપરાશકર્તાની આવક અને લોન ચૂકવવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરીને આ ક્રેડિટ લાઇન તૈયાર કરશે.
એક રીતે યુપીઆઈ પર ઓવરડ્રાફ્ટ જેવી સુવિધા પણ આપવામાં આવશે. જ્યાં ગ્રાહક જરૂરિયાત પર આ રકમનો ઉપયોગ કરશે અને પછી વ્યાજ સાથે આ રકમ પરત કરશે. તે સ્પષ્ટ છે કે આ સુવિધાના બદલામાં બેંકો તમારી પાસેથી થોડું વ્યાજ વસૂલશે. બેંકો દરેક ગ્રાહકની જોખમ ક્ષમતાનું મૂલ્યાંકન કર્યા પછી જ પૂર્વ-મંજૂર ક્રેડિટ લાઇન તૈયાર કરશે.