કેન્દ્રમાં મોદી અને બંગાળમાં દીદી બન્ને વચ્ચે પોતાની ટેરેટરી જાળવવાના કરાર ?

ભાજપ અને ટીએમસી બન્ને એક થઈને કોંગ્રેસનો કચ્ચરધાણ કાઢવા કમર કસી રહ્યા છે?

અબતક, નવી દિલ્હી : મોદી અને મમતા બન્ને અંદરખાને એક થવા તરફ હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે શું કેન્દ્રમાં મોદીએ અને બંગાળમાં દીદીએ પોતાની ટેરેટરી જાળવી રાખવાના કરાર કર્યા છે? શું ભાજપ અને ટીએમસી બન્ને એક થઈને કોંગ્રેસનો કચ્ચરધાણ કાઢવા કમર કસી રહ્યા છે?

ભારતનું રાજકારણ એવું છે જ્યાં હાથીના દાંત દેખાડવાના અલગ હોય છે અને ચાવવાના અલગ હોય છે. એવી માન્યતા છે કે વસ્તુઓ જે સપાટી પર દેખાય છે તે હોતી નથી. પરંતુ તેને ગુપ્ત રીતે રજૂ કરવામાં આવી હોય છે. ઉપરાંત બંગાળ તો તેમાં માહેર છે. સતત ત્રણ ચૂંટણી જીત્યા પછી, મમતાએ 1977 થી 2011 સુધી બંગાળમાં શાસન કરનારા તેના ભૂતપૂર્વ ડાબેરી વિરોધીઓ પાસેથી એક-બે યુક્તિ શીખી હોય તેવું લાગે છે. તેને દિલ્હીનો પ્રવાસ કર્યો અને મોદી સાથે મુલાકાત કરી તેની પાછળ ઘણા તર્ક વિતર્ક છે.

બંગાળમાં ભાજપ નબળુ છે. ત્યારે દીદી પોતાને મોદીના વિકલ્પ તરીકે રજૂ કરે તેવા પ્રબળ સંજોગો જણાઈ રહ્યા છે અને વ્યવસ્થિત રીતે ભ્રમિત કોંગ્રેસને નબળી પાડવા માટે આ પગલું ખૂબ મહત્વનું છે.  મેઘાલય સિવાય જ્યાં દીદી કોંગ્રેસના 12 ધારાસભ્યોને આકર્ષવામાં સફળ રહી હતી. પણ બંગાળની બહાર તૃણમૂલના નેતાઓ પીઠબળ વગરના છે. તેઓ રેઢા ફરી રહ્યા છે. આવા નેતાઓ દીદીની હાંકલથી ભાજપને ફાયદો કરાવી શકે છે.

બીજું, મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ બંનેના તિરસ્કારપૂર્ણ સ્વભાવને જોતાં, એ માનવું અવાસ્તવિક હશે કે ભાજપ 2024માં બંગાળમાં તૃણમૂલને વોક-ઓવર કરશે અને 18 લોકસભા બેઠકો ગુમાવવાનું જોખમ લેશે.  હાલમાં, પેટાચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને, બંગાળમાં ભાજપનું સમર્થન નબળું પડી ગયું છે અને તે વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ નોંધપાત્ર રીતે નબળું પડી ગયું છે. ત્યારે બંગાળ દીદી પાસે જ રહેવા દેવું ભાજપ માટે સારું છે.

જ્યાં કઈ ફાયદો થાય એમ નથી ત્યાં મહેનત કરીને ખોટો સમય અને શ્રમનો વ્યય કરવો તે વ્યાજબી લાગતું ન હોય તેને બદલે મમતા સાથે હાથ મિલાવીને બંગાળ બહાર તૃણમૂલનો લાભ પોતાના ફાયદા માટે લેવો વધુ લાભદાયી છે. માટે અંદરખાને મોદી- દીદી એક હોવાની વાતોએ જોર પકડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.