મોદીની લોકપ્રિયતા આસમાને
પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેનું તારણ જાહેર: અર્થતંત્ર અને સુરક્ષા મુદ્દે મોદી સરકારે કરેલી કામગીરીનું પરિણામ લોકસભાની ચૂંટણીમાં દેખાય તેવી સંભાવના
અર્થતંત્ર અને સુરક્ષા આ બે મુખ્ય મુદાઓને કેન્દ્રમાં રાખી મોદી સરકાર જે કામગીરી કરી રહી છે. તેનાથી મોટાભાગના લોકો રિઝાયા છે. જેને પરિણામે મોદીની લોકપ્રિયતા આસમાને પહોંચી છે અને તેઓ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ફરી એક વખત વડાપ્રધાન બને તેવી શકયતા પ્રબળ બની છે. કારણકે એક સર્વેમાં 80 ટકા લોકો તેમના તરફેણમાં હોવાનું સામે આવ્યું છે.
એક સર્વે અનુસાર, લગભગ 80 ટકા ભારતીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુકૂળ અભિપ્રાય ધરાવે છે અને 10માંથી સાત ભારતીયો માને છે કે તેમનો દેશ તાજેતરના સમયમાં વધુ પ્રભાવશાળી બન્યો છે. પીયુ રિસર્ચ સેન્ટરે આ સર્વે હાથ ધર્યો છે.પ્યૂ રિસર્ચ સેન્ટર એક નિષ્પક્ષ થિન્ક ટેન્ક છે, જે વિશ્વને અસરકર્તા મુદ્દાઓ, દ્રષ્ટિકોણ અને વલણ વિશે લોકોને માહિતગાર કરે છે
પ્યુના જણાવ્યા મુજબ, તેમણે આ સર્વે 20 ફેબ્રુઆરીથી 22 મે સુધી કર્યો. જેમાં ભારત સહિત 24 દેશોના 30,861 પુખ્તવયના લોકોએ ભાગ લીધો હતો. જે પૈકી 2611 ભારતીયો પણ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વૈશ્વિક અભિપ્રાય અને અન્ય દેશો વિશે ભારતીયોનો અભિપ્રાય ચકાસવામાં આવ્યો હતો.
આ સર્વે પર પ્રતિક્રિયા આપતા ભાજપે પોતાની એક્સ પોસ્ટ પર જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા યથાવત છે. ભારત અને વિશ્વમાં મોટાભાગના લોકોનું માનવું છે કે, વિશ્વમાં ભારતનો દબદબો વધી રહ્યો છે. આ સર્વે તેનું જ પ્રમાણ છે.
વિશ્વમાં 46% લોકોએ ભારત પ્રત્યે અનુકૂળ અભિપ્રાય આપ્યો
જી 20 સમિટ પહેલા જાહેર કરાયેલા સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વમાં ભારત વિશે લોકોનો અભિપ્રાય સામાન્ય રીતે સકારાત્મક હતો અને સરેરાશ 46 ટકા લોકોએ દેશને અનુકૂળ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, જ્યારે 34 ટકા લોકોએ પ્રતિકૂળ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 16 ટકા લોકોએ બિલકુલ અભિપ્રાય વ્યક્ત કર્યો ન હતો.
10માંથી 7 ભારતીયો માને છે કે વિશ્વમાં ભારતનું વજન વધ્યું
સર્વેના પરિણામમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય પુખ્ત વયના લોકો એવું માને છે કે ભારતની શક્તિ વધી રહી છે. દસમાંથી લગભગ સાત ભારતીયો માને છે કે તેમનો દેશ તાજેતરમાં વધુ પ્રભાવશાળી બન્યો છે. જ્યારે 2022માં 19 દેશોમાં થયેલા અગાઉના સર્વેમાં સરેરાશ માત્ર 28 ટકા લોકોએ આ વાત કહી હતી.
ઇઝરાયેલના 71% લોકોએ ભારત વિશે સકારાત્મક અભિપ્રાય આપ્યો
રિપોર્ટ અનુસાર, ઇઝરાયેલમાં ભારત વિશે મોટાભાગે સકારાત્મક અભિપ્રાય છે, જ્યાં 71 ટકા લોકોએ કહ્યું કે તેઓ ભારત વિશે સારો અભિપ્રાય ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ સાથે ભારત નિકટતા ધરાવે છે. બન્ને દેશો વચ્ચે વ્યાપારી સંબંધો પણ ખૂબ સારા છે.
અડધા ભારતીયો માને છે કે અમેરિકાનો પ્રભાવ વધ્યો
રિપોર્ટ અનુસાર, લગભગ અડધા ભારતીયો એટલે કે 49 ટકા લોકો માને છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાનો પ્રભાવ વધ્યો છે અને 41 ટકા લોકો રશિયા વિશે પણ એવું જ કહે છે. દરમિયાન, ચીનના પ્રભાવને લઈને ભારતીયોના મિશ્ર અભિપ્રાય છે.સર્વેમાં સામેલ લગભગ 40% ભારતીયો માને છે કે યુકે, જર્મની અને ફ્રાન્સનો વૈશ્વિક પ્રભાવ તાજેતરના વર્ષોમાં જેટલો જ રહ્યો છે.