રામમંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રની આવતીકાલે બેઠકમાં શિલાન્યાસની તારીખ નકકી કરાશે
અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર બનાવવાના સુપ્રીમ કાર્યના હુકમ બાદ નિર્માણકાર્ય માટે સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. આગામી શ્રાવણ માસના પવિત્ર મહિનામાં રામમંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવા અને તે માટે શિલાન્યાસની વિધિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે કરવાનો આ ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. આ માટે ટ્રસ્ટીઓની બેઠક આવતીકાલે અયોધ્યામાં ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલદાસની અધ્યક્ષતામાં મળનારી છે તેમાં શિલાન્યાસની તારીખ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ પાઠવવાના સહિતના નિર્ણયો લેવામાં આવનારા છે.
આગામી મહિનામાં મંદિરનું નિર્માણ શરૂ થવાની સંભાવના છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેની ભૂમિપૂજા માટે આમંત્રણ અપાયું છે. ટ્રસ્ટનાના પ્રવક્તાએ આ અંગે ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે આવતીકાલે રામ શ્રી જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં મંદિર નિર્માણ માટેના સંભવિત કાર્યક્રમ અંગેનો નિર્ણય લેવામાં આવશે. ટ્રસ્ટના પ્રમુખના પ્રવક્તા મહંત કમલ નયન દાસે જણાવ્યું હતું કે, “ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસે વડા પ્રધાનને પત્ર પાઠવ્યો હતો, ત્યારે તેમણે શિલાન્યાસ પ્રસંગે રામ મંદિરનું ભૂમિપૂજન કરવા આમંત્રણ આપ્યું હતું. જો કે, તેમણે કહ્યું કે પ્રસંગે વડા પ્રધાનની હાજરી અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ અંગેની આવતીકાલની બેઠક બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. વડા પ્રધાન મોદીના પૂર્વ અગ્ર સચિવ અને મંદિર ટ્રસ્ટની નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા ગુરુવારે અયોધ્યાની મુલાકાત લીધી હતી. તેમની સાથે બીએસએફના પૂર્વ ડાયરેક્ટર જનરલ અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના સુરક્ષા સલાહકાર કે.કે. શર્મા પણ હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી.
વડા પ્રધાનમંત્રીના સલાહકાર રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ અયોધ્યાના અહીંના સર્કિટ હાઉસ ખાતે ટ્રસ્ટના સભ્યો સાથે લગભગ બે કલાક બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, મંદિરના ડિઝાઇન અને મોડેલ અંગે સર્વસંમતિ રાખવી પણ મહત્વપૂર્ણ છે જેથી ઇજનેરો તેને અંતિમ સ્વરૂપ આપી શકે. તેમણે કહ્યું કે અયોધ્યાને વૈશ્વિક ધરોહરવાળા પર્યટન શહેર તરીકે વિકસાવવાનું છે, તેથી મંદિર નિર્માણમાં કલા અને સંસ્કૃતિની સંપૂર્ણ કાળજી લેવી જરૂરી છે.
ટ્રસ્ટ દ્વારા રામમંદિરનું નિર્માણકાર્ય ઝડપભેર શરૂ કરીને વર્ષ ૨૦૨૨ સુધીમાં કામ પૂર્ણ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ રામમંદિરનું વિશ્ર્વ હિન્દુ પરિષદે ભૂતકાળમાં મંદિર બનાવવામાં નિષ્ણાંત ગણાતા અમદાવાદના આર્કિટેકટ ચંદ્રકાંત સોમપુરા પાસે બનાવેલા પ્લાન મુજબ નિર્માણ કાર્ય થનારૂ છે. સોમપુરા આવતીકાલે ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપનારા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને ભાતર ચીન વચ્ચે સરહદ પર પ્રવર્તી રહેલી તંગદિલીનો ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીન શકે તો તેમને વીડીયો કોન્ફરન્સથી ઉપસ્થિત રાખીને ડીજીટલી શિલાન્યાસ કરાવવાની પણ ટ્રસ્ટે વિચારણા હાથ ધરી છે.
નરેન્દ્રભાઈ મોદી વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ એક પણ વખત અયોધ્યામાં રામ જન્મભૂમિના દર્શનાર્થે આવ્યા નથી જેથી ટ્રસ્ટ રામમંદિરનું શિલાન્યાસમાં તેઓ રૂબરૂ ઉપસ્થિત રહેવા આગ્રહ કરનારૂ છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન નાના પાયે કરવા ટ્રસ્ટે વિચારણા હાથ દરી છે. ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોને પણ આ શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવા ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. નૃપેન્દ્ર મિશ્રા સહિતના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં મળનારી આવતીકાલની ટ્રસ્ટની બેઠકમાં આ અંગેનો વિધિવત કાર્યક્રમ ઘડી કાઢવામાં આવનારો છે.