ચૂંટણી ઢૂંકડી છે ત્યારે બીજેપી સોશિયલ મીડિયાનો લાભ લેવાનું ચૂકશે નહીં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર અર્થે રાજકીય પક્ષો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં પણ ચુકયા નથી. ભાજપે જ્ઞાતિવાદ-જાતિવાદના રાજકારણને નાથવા વિડીયો કેમ્પેઈન શરૂ કર્યું છે. જેમાં સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વિડીયોમાં ‘મોદી છે ને, ગુજરાત સેફ છે’ તેમ ચાર વ્યકિતઓ પી.એમ. મોદી વિશે વાત કરતા જણાય છે. ભાજપે ‘મોદી છે ને’ તેમ હેઝટેગવાળા ૪૪ વિડીયો અપલોડ કર્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે તો સોશિયલ મીડિયા પર મોદી ‘મેનિયા’ છવાયું છે.
આ ઉપરાંત મંગળવારે ભાજપે વધુ એક વિડીયો અપલોડ કર્યો છે. જે ‘હું છું વિકાસ’ સીરીઝ પર છે. આ વિડીયોમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મ એકટર મનોજ જોષી કોંગ્રેસ પર અને જાતિવાદ-જ્ઞાતિવાદને લઈ આક્ષેપો કરતા નજરે પડે છે અને મનોજ જોષી તેની જાતને ‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ એમ ઓળખાવે છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાતો કહે છે અને એક ગુજરાતી તરીકે પી.એમ. મોદીએ વિશ્ર્વમાં ભારતને સર્વશ્રેષ્ઠ કર્યું છે તેમ જણાવે છે.
આ વિડીયોને મંગળવારના દિવસે જ ૫ લાખ લોકોએ જોયો હતો. સોશિયલ મીડિયાના એક વિશ્ર્લેષકે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ દ્વારા ભાજપ વિકાસને સમજાવે છે અને લોકોને આકર્ષે છે. તેમજ વર્ષ ૨૦૦૨ થી ગુજરાતમાં આ પ્રથમ એવી ચૂંટણી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં હોય. જોકે પી.એમ. મોદીએ વારંવાર ગુજરાતની મુલાકાત લીધી છે અને બીજેપીના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અત્યાર સુધીમાં ૪૪ વિડીયો અપલોડ થયેલા છે. જેમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલા વિડીયો સોથી વધુ જોવાય છે.
ભાજપે સોશિયલ મીડિયા પર વિડીયો કેમ્પેઈન શરૂ કર્યું છે તો કોંગ્રેસ નોટબંધી અને જીએસટીના મુદ્દાને લઈ ફેસબુક, ટવીટરમાં ટવીટ કરી ભાજપ પર પ્રહારો કરવાનું ચુકી નથી. જોકે, કોંગ્રેસે કોઈ પ્રોમોશનલ વિડીયો અપલોડ કર્યો નથી અને રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા તે દરમિયાનના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરાયા છે. જેમાં રાહુલ ગાંધીની ખેડૂતો સાથે મુલાકાત ડાયમંડ કારીગરો સાથેની બેઠક અને ખેડળદમામાં રેલી તેમજ મહેતાપુરાની રેલી જેવા વિડીયોનો સમાવેશ છે.