પંચમહાલ-ગોધરા અને ગુજરાતની જનતા દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ અને રક્ષણ માટે કટિબધ્ધ છે: જીતુભાઇ વાઘાણી
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દેશની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વને વધુ મજબૂત બનાવતા કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાના નિર્ણયના સમર્થનમાં ગોધરા ખાતે પંચમહાલ નાગરિક સમિતિ દ્વારા આયોજિત વિરાટ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિરાટ રેલીમાં ગોધરાના દરેક ધર્મ-સમાજ-વર્ગોના નાગરિકોએ પાંચ હજારથી પણ વધુની સંખ્યામાં ઉત્સાહભેર સ્વયંભૂ હાજર રહી સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવ્યુ હતું. રેલીના સમગ્ર રૂટ પર ઠેર-ઠેર સ્થાનિક જનતાએ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને વધાવ્યા હતા.આ વિરાટ રેલીમાં ભાજપા પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, રાજ્ય સરકારના મંત્રી જયદ્રથસિંહજી પરમાર, સાંસદ, ધારાસભ્યો, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ ધર્મનાં સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનતા જનાર્દનને સંબોધતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગોધરાને સમગ્ર દેશમાં બદનામ કરવામાં આવ્યું હતું અને આજે એ જ ગોધરામાં દરેક જ્ઞાતિ-જાતિ-ધર્મના લોકો સાથે મળી આ વિશાળ રેલી સ્વરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા લેવાયેલ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાના ઐતિહાસિક નિર્ણયને વધાવી ઉજવણી કરી રહ્યા છે. જે સાબિત કરે છે કે, પંચમહાલ-ગોધરા અને ગુજરાતની જનતા દેશની એકતા-અખંડિતતા-સાર્વભૌમત્વ અને રક્ષણ માટે કટિબદ્ધ છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે ચાણક્ય નીતિ મુજબ દેશહિત અને પ્રજાહિતને સર્વોપરી રાખી દેશનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે અને દેશના વર્ષો જૂના અતિમહત્વના પ્રશ્નોનો નિકાલ અભૂતપૂર્વ રાજકીય ઇચ્છાશક્તિ દાખવીને લાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની જનતા પોતાને સુરક્ષિત મહેસૂસ કરી રહી છે. આજે દેશમાં કેન્દ્રની ભાજપ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવાની સાથે સાથે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પગલાં પણ લઈ રહી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ એમ, બે ગુજરાતના સપૂતો દેશને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે, તે સમગ્ર ગુજરાત માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી સમયમાં ભારત કહે અને દુનિયા કરે જેવી સ્થિતિનું નિર્માણ થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવા માટે, ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે, દેશને ફરી એકવાર સોનાની ચીડીયા બનાવવા માટે, નવા ભારતના નિર્માણ માટે સૌ કટિબદ્ધ બની દેશસેવામાં સહભાગી બનવા ઉપસ્થિત હજારોની જનમેદનીને શ્રી વાઘાણી હાકલ કરી હતી અને ૩૭૦ની કલમ હટાવવાના ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ ગોધરાના નગરજનોનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.