લોકસભા ચૂંટણી તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢની વિધાનસભા ચૂંટણીને લઈ રણનીતિ ઘડાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દિલ્હીમાં
આગામી લોકસભા ચુંટણી તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતિસગઢની વિધાનસભા ચુંટણીની તૈયારીના ભાગરૂપે આજરોજ વડાપ્રધાન મોદીએ ભાજપ શાસિત ૧૫ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી છે. જેમાં આગામી ચુંટણી જીતવાનો વ્યુહ નકકી કરવાની સાથે-સાથે કેન્દ્ર રાજયની વિવિધ માનવ-કલ્યાણકારી યોજનાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે એકશન પ્લાન ધડી કાઢવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજની આ બેઠકમાં વડાપ્રધાન મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત વિવિધ વિભાગોના મંત્રીઓ પણ હાજર રહેશે.
૨૦૧૯માં યોજાનારી લોકસભા સામાન્ય ચુંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા ભાજપ શાસિત ૧૫ રાજયોના મુખ્યમંત્રીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ગઈકાલે જ દિલ્હી પહોંચી ગયા હતા. ચુંટણીઓમાં ફતેહ હાંસલ કરવા વડાપ્રધાનના નિવાસ સ્થાને આ બેઠક યોજવામાં આવી હતી.
લોકસભાની સામાન્ય ચુંટણી ઉપરાંત આગામી મહિનાઓમાં આવી રહેલી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતિસગઢ વિધાનસભા ચુંટણી જીતવા માટે પણ આજની આ બેઠકમાં રણનિતી ઘડી કઢાશે. વધુમાં ભાજપ શાસિત રાજયોમાં રાજકિય અને સામાજીક સ્થિતિની વિગતો સાથે હાજર રહેવા તમામ ૧૫ રાજયોના મુખ્યમંત્રીઓને કહેણ મોકલાવવામાં આવ્યું હતું. સાથો સાથ રાજયોને વિકાસમાં કોઈપણ સમસ્યા હોય તો તેની જાણકારી આપવા પણ જણાવાયું હતું.
વધુમાં આજની આ બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ માનવ કલ્યાણકારી યોજનાઓની રાજયો દ્વારા કેવી અમલવારી થઈ છે. કયાં-કયાં રાજયોમાં આવી યોજનાઓની અમલવારી બાકી છે અને કયાં કારણોસર આવી યોજનાઓ અટવાઈ છે તેમજ નાગરીકો સરકારની યોજનાઓ અંગે કેવો પ્રતિભાવ આપે છે તે અંગે પણ ઝીણામાં ઝીણી બાબતોની આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાજપ મોવડી મંડળ દ્વારા આગામી લોકસભા ચુંટણીમાં ગુજરાતની તમામ બેઠકો કબજે કરવા વ્યુહ ઘડી કઢાયો છે. જોકે પાટીદાર ફેકટર તેમજ અન્ય કારણોને લઈ ગુજરાતની પરિસ્થિતિ અલગ હોય કેન્દ્ર દ્વારા રાજયની તમામ બેઠકો કબજે કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સાથે ગ્રહણ ચર્ચા પણ કરવામાં આવી હતી.
ઉપરાંત આ બેઠકમાં કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત યોજના, નેશનલ ફુડ સિકયોરીટી યોજના, સ્વાસ્થ્ય કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ સહિતની મહત્વપૂર્ણ યોજનાઓના રોડમેપ નકકી કરી આગામી લોકસભા ચુંટણીની તૈયારીમાં લાગી જવા તમામ મુખ્યમંત્રીઓને આહવાન કરવામાં આવ્યું હતું.