- ત્રણ દિવસ ચાલશે જી-7 સમિટ: આબોહવા પરિવર્તન, એઆઈ અને રશિયા- યુક્રેન યુદ્ધ વિશે થશે ચર્ચા: મોદી-મેલોની વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ ઈટાલીના પ્રથમ વિદેશ પ્રવાસે ગયા છે. અહીં તેઓ ત્રણ દિવસની જી 7 સમીટ બેઠકમાં હાજરી આપવાના છે. જેમાં આફ્રિકા, આબોહવા પરિવર્તન, રશિયા-યુક્રેન યુદ્ધ અને એઆઈ સહિતના મુદ્દાઓ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે. આ સાથે નરેન્દ્ર મોદી અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો આવતીકાલે ઈટાલીમાં આમને સામને થશે. તે દરમિયાન કેનેડામાં જે ખાલીસ્તાની ચળવળ છે તેને લઈને ચર્ચા થવાની પણ સંભાવના છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે 50મી જી-7 સમિટમાં ભાગ લેવા માટે આજે ઇટાલીના અપુલિયા પહોંચ્યા છે. ઇટાલીમાં આજથી 15 જૂન સુધી સમીટ યોજાઈ રહી છે. આ સમિટમાં આઉટરીચ ક્ધટ્રી તરીકે ભારત હાજરી આપી રહ્યું છે. વડાપ્રધાન મોદી તેમના ઈટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે. મીટિંગમાં, બંને વડા પ્રધાનો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તરની સમીક્ષા કરશે અને આગળના પગલાઓ માટે દિશા પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. યુક્રેનમાં યુદ્ધ અને ગાઝા સંઘર્ષનો મુદ્દો બેઠકમાં પ્રભુત્વ ધરાવે છે. જી 7 એ વિશ્વની સાત અદ્યતન અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. સમિટમાં ભાગ લેનારા ટોચના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બિડેન, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો સમાવેશ થાય છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પણ ઇટાલીમાં મુલાકાત થવાની છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને આ માહિતી જાહેર કરી હતી. જેક સુલિવને અમેરિકાથી ઈટાલી જતા સમયે કહ્યું કે બિડેન આશા છે કે વડાપ્રધાન મોદી ઇટાલીમાં રૂબરૂ મળી મહત્વપૂર્ણ ચર્ચાઓ કરશે.’
છેલ્લા ઘણા સમયથી ટ્રુડો સરકાર કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને આપી રહી છે પ્રોત્સાહન
છેલ્લા ઘણા સમયથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી છે. કેનેડા ભારત વિરોધી તત્વોને પ્રોત્સાહન આપી રહ્યું હોય તેવા દ્રશ્યો અનેક વાર સામે આવ્યા છે. ટ્રુડોની સભામાં ખાલીસ્તાનીઓની ભારત વિરોધી હરકતોથી અનેક વખત વિશ્વભરમાં ચકચાર મચી છે. હજુ તાજેતરમાં જ ભારતમાં સામાન્ય ચૂંટણીઓને લઈને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ કહ્યું કે આખી દુનિયા ભારતીય લોકશાહીની જીવંતતાની પ્રશંસા કરે છે, જ્યારે કેનેડા લોકશાહીના નામે હિંસા અને ઉગ્રવાદ ફેલાવનારા તત્વોને રાજકીય જગ્યા આપે છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાને જ્યારે એક બ્રીફિંગ દરમિયાન કેનેડાના વડા પ્રધાનના નિવેદન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કહ્યું, અમે હમણાં જ અમારી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ કરી છે. મને ખાતરી છે કે દરેક વ્યક્તિ સંમત થશે કે માનવજાતના ઇતિહાસમાં આ સૌથી મોટી લોકશાહી ચૂંટણી હતી. મને લાગે છે કે ભારતની લોકશાહીની ગતિશીલતાને વિશ્વભરમાં ખરેખર ઓળખવામાં આવી છે અને તેની પ્રશંસા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, “હું ખરેખર
લોકશાહી કેવી રીતે કામ કરવું જોઈએ તે વિશે અન્ય કોઈ શું વિચારે છે તે વિશે કંઈપણ કહેવા માંગતો નથી, પરંતુ જ્યાં સુધી કેનેડાનો સંબંધ છે, અમારી લોકશાહીએ દૃશ્યમાન પુરાવા પ્રદાન કર્યા છે. કેનેડામાં રાજકીય વ્યક્તિઓ જ ઉગ્રવાદ અને હિંસાની હિમાયત કરે છે. અમે હવે તેમની પાસેથી કડક કાર્યવાહીની અપેક્ષા રાખીએ છીએ.