રાજ્યમાં પુરથી કૃષિક્ષેત્રે વ્યાપક નુકશાન થયુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને ઝડપથી મંજૂરી મળે તેમ વાત કરી હતી. આ વાત પછી ગણતરીની જ કલાકોમાં અમરેલીથી દિલ્હી પહોંચેલા વડાપ્રધાને બેઠક બોલાવીને મોડી રાત્રે જ ગુજરાતના ખેડૂતો માટે રૂ.923 કરોડ મંજૂર કર્યા છે. આ જાહેરાત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સહકાર સંમેલન દરમિયાન કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે જેમ સર્વેક્ષણની કામગીરી આગળ વધશે તેમ વધુ રકમ ફાળવાશે.
આ સંમેલનમાં રોબોટીક કમળને અમિત શાહે ખુલ્લુ મુક્યું હતું અને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં માધુપુરા બેંક ફડચામાં ગયા પછી પણ ચેપ્ટર 10-બી, ડિપોઝિટ ઈન્સ્યોરન્સ લાવીને તત્કાલિન મુખ્યમંત્રીએ રાજ્યના સહકારી માળખાને મજબૂત કર્યુ હતુ. સૌરાષ્ટ્ર- કચ્છમાં દુધ સંઘોનો વિસ્તાર, ખુલ્લા સભ્યપદના સિધ્ધાંતનો અમલ, 14 ટકાના દરે મળતાં કૃષિધિરાણને એક ટકાએ આપવાનો નિર્ણય ભાજપની નરેન્દ્ર મોદી સરકારે જ કર્યો છે. આ ઉપરાંત અમિત શાહે સહકારી આગેવાનો પ્રેક્ષક ન બન ટકોર કરીને તેમને ચૂંટણીનો ટોન સેટ કરવાની જવાબદારી સોંપી હતી. અમદાવાદમાં ભાજપના સહકાર સંમેલનમાં બેંકો, દુધ સંઘો, શરાફી, મજૂર, હાઉસિંગ, ખરીદ-વેચાણ જેવી અનેક મંડળીઓ, સંઘો અને રાજ્ય સ્તરના ફેડરેશનના હોદ્દેદારો સહિત સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે પોતાના સંબોધનમાં કોંગ્રેસ- ભાજપના શાસન વચ્ચેના તફાવતને રજૂ કરી મોદી સરકારે કો-ઓપરેટિવ સેક્ટરથી છેવાડાના નાગરીકોના ઉત્થાન માટે કરેલા નિર્ણયોની છણાવટ કરી હતી.
સહકાર સંમેલન દરમિયાન અમિત શાહે કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. તેમણે કોંગ્રેસ પર વાકબાણ ચલાવતાં ઉમેર્યું હતુ કે કોંગ્રેસના હાથમાંથી બધું ગયુ એટલે નર્મદા યોજના પૂર્ણ થઈ છે. તેમ છતાં ચૂંટણી આવી એટલે કોંગ્રેસીઓ બંડી પહેરી તૈયાર થઈ ગયા તેમણે આક્રમક થઈ કોંગ્રેસ પાસેથી તેમની સત્તાના વર્ષમાં શું કર્યું તેનો હિસાબ આપવાની વાત પણ કરી હતી.