- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ ખાતેથી દેશના આરોગ્ય-આંતરમાળખાકીય વિકાસને વેગ આપતાં ૪૮ હજાર કરોડના વિકાસ પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
- વડાપ્રધાનએ જૂના એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી રોડ શો યોજી જનતાનું અભિવાદન ઝીલ્યું
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ ખાતેથી ગુજરાતની પ્રથમ એઈમ્સ, તેમજ ગુજરાતની સૌથી ઊંચી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ(એમ.સી.એચ.) સહિત દેશના વિવિધ ભાગો માટે રૂ. ૪૮,૦૦૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યા હતા. રાજકોટમાં એઈમ્સનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જૂના એરપોર્ટથી રેસકોર્સ ખાતે સભા સ્થળ સુધી યોજાયેલા રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આમ રાજકોટથી દેશભરને આપેલ સ્વાસ્થ્યની સાથે આર્થિક વિકાસની ‘મોદી ગેરંટી’ ૪૦૦+ લઇ આવશે કે નહીં તેવી ચર્ચા જાગી છે.
આ પ્રસંગે રેસકોર્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજધાની દિલ્હીમાં જ યોજાતા આ પ્રકારનાં વિકાસના કાર્યક્રમને રાજધાની ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ પહોંચાડ્યા છે, જેનો સાક્ષી આજનો કાર્યક્રમ છે. સવારે દ્વારકાના દરિયામાં ડૂબકી મારીને, પૌરાણિક દ્વારકાના દર્શન, તેના અવશેષોના સ્પર્શ તથા પૂજનના મળેલા અવસરને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૌતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. તે અનુભવ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, હું ઊંડા પાણીમાં વિચારતો હતો કે એ સમયે પ્રાચીન ભારતના વૈભવ અને વિકાસનું સ્તર કેટલું ઊચું રહ્યું હશે. સમુદ્રમાંથી બહાર નીકળ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને દ્વારકાની પ્રેરણા અહી સાથે લઈને આવ્યો છું. જેનાથી વિકાસ અને વિરાસતના મારા સંકલ્પને નવી તાકાત અને ઊર્જા મળી છે. હવે વિકસિત ભારતના સંકલ્પ સાથે દૈવી વિશ્વાસ પણ જોડાઈ ગયો છે.
તેમણે કહ્યું હતું કે, આજે અહીંથી રૂ. ૪૮ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટસ દેશને મળ્યા છે. નવી મુંદ્રા-પાણીપત પાઈપલાઈનના શિલાન્યાસથી ગુજરાતથી કાચું ઓઈલ હરિયાણાની રિફાઈનરી સુધી જશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રને રોડ, બ્રિજ, ડબલ રેલવે ટ્રેક, આરોગ્ય, શિક્ષણ સહિત અનેક સુવિધાઓ મળી છે અને હવે એઈમ્સ પણ રાજકોટને સમર્પિત છે. માત્ર, રાજકોટ કે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક હોવાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, વિશ્વની પાંચમી મોટી અર્થ વ્યવસ્થાના આરોગ્ય ક્ષેત્રનું માળખું કેવું હોય તેની ઝલક રાજકોટમાં જોવા મળી રહી છે.
- વિશ્વની પાંચમી મોટી અર્થ વ્યવસ્થાના આરોગ્ય ક્ષેત્રનું માળખું કેવું હોય તેની ઝલક રાજકોટમાં જોવા મળી, આજે દેશમાં પારંપારિક ભારતીય ચિકિત્સા પદ્ધતિ અને આધુનિક ચિકિત્સા પદ્ધતિ બંને પર ભાર મુકાઈ રહ્યો છે છેલ્લા દશકામાં એઈમ્સ, મેડિકલ કોલેજ, ક્રિટિકલ કેર ઈન્ફ્રાસ્ટ્રકચર નેટવર્કનો અભૂતપૂર્વ વિકાસ થયો, બીમારીથી બચાવ અને રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ – એ જ સરકારની પ્રથમ પ્રાથમિકતા : વડાપ્રધાન મોદી
તેમણે દેશની જનતાને વિશ્વાસ અપાવ્યો હતો કે, જે છેલ્લા ૬૦-૭૦ વર્ષમાં નથી થયું તેવા કામો ઘણી ઝડપથી પૂરા કરીને દેશની જનતાના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છીએ. આજે દેશના ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હેલ્થ સંબંધિત પ્રોજેક્ટસના શિલાન્યાસ અને ભૂમિપૂજન થયા છે.
છેલ્લા દસ વર્ષમાં સરકારે ૧૦ એઇમ્સ દેશના અલગ-અલગ રાજ્યોમાં મંજૂર કરી છે. છેલ્લા દશકમાં આરોગ્યની માળખાકીય સુવિધાઓના થયેલા વિકાસ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે નાની બીમારીઓ સામે રક્ષણ મેળવવા ગામડે-ગામડે ૧.૫૦ લાખ જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવાયા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૧૦ વર્ષ પહેલાં દેશમાં ૩૭૦ થી ૩૮૦ જેટલી મેડિકલ કોલેજો હતી, આજે દેશમાં ૭૦૦થી વધારે મેડિકલ કોલેજો છે. એમબીબીએસ ૫૦ હજાર સીટો વધીને આજે એક લાખ જેટલી થઈ છે. મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશનની ૩૦ હજાર સીટો આજે વધીને ૭૦ હજાર થઈ છે. દેશમાં ૬૪ હજાર કરોડ રૂપિયાનું આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન ચાલી રહ્યું છે.
આજે સરકારની પ્રાથમિકતા બિમારીઓથી બચાવવાની જ નહીં પરંતુ બિમારીઓની સામે લડવાની ક્ષમતા વધારવાની પણ છે. આજે દેશમાં પોષણ, યોગ, આયુષ, સ્વચ્છતા પર ભાર અપાઈ રહ્યો છે. જેનાથી લોકોની બિમારીઓ સામે લડવાની ક્ષમતામાં વધારો થયો છે. આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોગ અને નેચરોપેથી સાથે જોડાયેલા મોટા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન થયું છે અને ગુજરાતમાં પારંપારિક ચિકિત્સા પદ્ધતિ સાથે જોડાયેલું ડબ્લ્યુએચઓનું વૈશ્વિક સેન્ટર બની રહ્યું છે જણાવતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આજે દેશમાં પારંપારિક ભારતીય ચિકિત્સા પદ્ધતિ અને આધુનિક ચિકિત્સા પદ્ધતિ બંને પર ભાર અપાઈ રહ્યો છે.
આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, સાંસદ સી.આર. પાટીલ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના મંત્રી સર્વ કુંવરજીભાઈ બાવળિયા, ઋષિકેશભાઈ પટેલ, ભાનુબહેન બાબરિયા, તેમજ સંસદસભ્યો સર્વે મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, ભારતીબહેન શિયાળ, રાજેશભાઈ ચુડાસમા, નારણભાઈ કાછ઼ડિયા, વિનોદભાઈ ચાવડા, મેયર નયનાબહેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી, ધારાસભ્યો સર્વ ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબહેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જિતેન્દ્રભાઈ સોમાણી તેમજ અગ્રણી ડૉ. ભરતભાઈ બોઘરા સહિતનાં અગ્રણીઓ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવહણે સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
સરકારની વિવિધ યોજનાઓથી ગરીબ અને જરૂરિયાતમંદોની બચત વધી
વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પરિણામે ગરીબ અને જરૂરતમંદ વર્ગોને થયેલી બચત વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, આયુષ્યમાન ભારત યોજનાથી દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રૂ. એક લાખ કરોડ, જન ઔષધી કેન્દ્રોમાં ૮૦ ટકા ડિસ્કાઉન્ટથી રૂ. ૩૦ હજાર કરોડ, ઉજ્જવલા યોજનાના માધ્યમથી રૂ. ૭૦ હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. સરકારે સસ્તો ડેટા આપી મોબાઈલ વપરાશકર્તાના દર મહિને રૂ. ૪ હજાર બચાવ્યા છે. જ્યારે ટેકસ સંબંધીત સુધારાઓથી કરદાતાઓના રૂ. ૨.૫ લાખ કરોડની બચત થઈ છે.
ગુજરાતની રીન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતા વધારવા સરકાર સતત પ્રયત્નશીલ
મોદીએ જણાવ્યું કે ગરીબ અને મધ્યમવર્ગી પરિવારોને વધુ બચત થાય તે માટે સરકાર નવી યોજના લાવી રહી છે એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે સરકાર દ્વારા વીજળી બિલ ઝીરો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના માધ્યમથી દેશના લોકોની આવક અને બચતમાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ યોજનાથી જોડાયેલા લોકોને ૩૦૦ યુનિટ મફત વીજળી મળશે અને બાકીની વીજળીની સરકાર ખરીદી કરી તેના પૈસા પણ ચૂકવશે. આજે કચ્છમાં બે મોટા સોલાર પ્રોજેક્ટ અને વિન્ડ એનર્જી પ્રોજેક્ટનું શિલાન્યાસ થયો જેનાથી ગુજરાતની રીન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે.
રાજકોટના 30 હજારથી વધુ કારીગરો લઇ રહ્યા છે પીએમ વિશ્વકર્મા અને સ્વનિધિ યોજનાનો લાભ
વડાપ્રધાને જણાવ્યું કે પી.એમ. વિશ્વકર્મા અને સ્વનિધિ યોજના વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દેશના ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વકર્મા લોકો માટે રાષ્ટ્રવ્યાપી યોજના બનાવવામાં આવી છે. ૧૩ હજાર કરોડની આ યોજનામાં આજે લાખો લોકો જોડાઈને પોતાનો વેપાર રોજગાર આગળ વધારી રહ્યા છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં ૨૦ હજારથી વધારે લોકોની ટ્રેનિંગ પૂર્ણ થઈ ગઈ છે. યોજનાના પ્રત્યેક લાભાર્થીને રૂ. ૧૫ હજારની મદદ પણ મળી છે. દેશમાં લારી, પાથરણા અને ફેરિયા લોકો માટે પીએમ સ્વનિધિ યોજના બનાવી ૧૦ હજાર કરોડની મદદ આપવામાં આવી છે. આ યોજના અંતગર્ત ગુજરાતમાં પણ રૂ. ૮૦૦ કરોડની મદદ મળી છે. રાજકોટમાં ૩૦ હજારથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે.
ગુજરાતમાંથી માત્ર ૪ દિવસમાં રૂ.૧.૧૦ લાખ કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજનો આ અવસર “સહુજન હિતાય- સહુજન સુખાયનાં” ધ્યેય સાથે કાર્યરત સરકારની જનસેવા સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાની સાક્ષી આપતો અવસર છે. વડાપ્રધાનએ ત્રણ દિવસ પહેલા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને રૂ. ૫૭ હજાર કરોડથી વધુ રકમના, ૧૭૮ વિકાસ કામોની સોગાદ આપી અને આજે સવારે દ્વારકાધીશની પૂજા-વંદના કરીને આજના વિકાસોત્સવનો પ્રારંભ કરાવીને રૂ. ૪,૧૫૦ કરોડના કામો દ્વારકા-જામનગરને આપ્યા છે. રાજકોટ ખાતેથી વડાપ્રધાનનાં વરદહસ્તે રૂ. ૪૮,૦૦૦ કરોડથી વધુનાં વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે ત્યારે ગુજરાતની ધરા પરથી માત્ર ચાર દિવસમાં રૂ.૧.૧૦ લાખ કરોડથી વધુના ૩૦૦ ઉપરાંત કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત રાજ્યના ઈતિહાસમાં પ્રથમ ઘટના હશે તેમ તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું.
વડાપ્રધાન સામાન્ય માનવી, ગરીબ અને છેવાડાના માનવીઓનાં, અંત્યોદયના હિતોને કેન્દ્રમાં રાખીને ચાલનારા લોકનાયક છે. આ પ્રસંગે વડાપ્રધાન દ્વારા લોકાર્પિત અને ખાતમૂહુર્ત કરાયેલા વિવિધ પ્રોજેક્ટસથી ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિનાં આવનારા વિધાયક પરિવર્તન વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, રાજકોટ સહિત અન્ય રાજ્યોમાં એઇમ્સ કાર્યરત થવાથી ગરીબ, વંચિત, જરૂરતમંદ વર્ગને આરોગ્ય સેવાઓ સરળતાથી મળશે. મેડીકલની બેઠકો પણ વધશે અને યુવાઓને ઘર આંગણે જ મેડીકલ એજ્યુકેશન તથા ઉચ્ચ અભ્યાસ માટેની તક મળતી થશે.
ઊર્જા વિભાગના સબ સ્ટેશનો કાર્યરત થવાથી અન્નદાતા એવા ખેડૂતોને ગુણવત્તાયુક્ત કૃષિ વિષયક અને અન્ય વીજ પૂરવઠો પહોંચાડી વધુ કૃષિ ઉપજથી આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે. પાણી પૂરવઠાની યોજનાઓથી નારીશક્તિને ઘર આંગણે સ્વચ્છ અને પુરતું પાણી મળશે. બાળકો અને માતાઓને સઘન આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મેટરનીટી એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું હતું કે, આજનો આ વિકાસોત્સવ આ ચારેય જાતિઓના સર્વગ્રાહી વિકાસને નવી ગતિ આપનારો બની રહેશે.