સરકાર પ્રારંભિક તબકકે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઈ-વાહનો મુકશે: બેટરી બદલવા તેમજ ચાર્જ કરવા માટે સ્ટેશન ઉભા કરાશે: ૨૦૩૦ સુધીમાં મોટાભાગના વાહનોને વીજ સંચાલિત બનાવવાનું સરકારનું લક્ષ્ય
વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશમાંથી પ્રદુષણ મહત્તમ ઘટાડવા માટે સરકાર પરંપરાગત ઈંધણની જગ્યાએ વીજળીથી સંચાલિત વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. દેશમાં લોકો જેમ બને તેમ વધુ ઈ-વાહનોનો ઉપયોગ કરતા થાય તે માટે મોદી સરકારે કવાયત હાથધરી છે. ઈ-વાહનોનું ઉત્પાદન કરતી કંપનીઓને ટેકસમાં રાહત આપવા સહિતના પગલા પણ સરકાર ભરવા તૈયાર છે. ઈ-વાહનોની બેટરીની ગુણવતા વધુ રહે તે માટે પણ સરકારે કેટલાક ધારા-ધોરણો ઘડી કાઢયા છે.
અમેરિકા, જાપાન અને ચીનની જેમ ભારત સરકાર પણ ઈલેકટ્રીક વાહનોને સબસીડી આપવા તૈયાર છે. શ‚આતમાં લોકોને ઈ-વાહનો ખરીદવા સીધી સબસીડી આપવાની જગ્યાએ સરકાર જાહેર ટ્રાન્સપોર્ટમાં વિજળીથી સંચાલિત વાહનોનો વધુ ઉપયોગ કરવાનું શ‚ કરે તેવો મત નિષ્ણાંતોનો છે. ભારતની ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા ટુ-વ્હીલર, થ્રી વ્હીલર અને એસી વગરની સીટી બસનું વેચાણ પ્રાથમિક તબકકે બેટરી વગર કરવાની સલાહ આપવામાં આવી છે. જેનાથી આ વાહનોની કિંમતમાં ૭૦ ટકા સુધીનો ઘટાડો થઈ જશે ત્યારબાદ બેટરી ઉપર સબસીડી આપવાની વિચારણા સરકારની છે. સીટી બસોને ઈલેકટ્રીક સંચાલિત બનાવી દર ૩૦ કિ.મી.ની ટ્રીપમાં બેટરી બદલવાનો વિચાર સરકાર સમક્ષ રજુ કરાયો છે. બેટરી બદલતા ૧૦ મીનીટ જેટલો સમય લાગી શકે છે. જયાં સીટી બસ ઉભી રહે ત્યાં જ બેટરી બદલવા માટેની વ્યવસ્થા ગોઠવી શકાય. પબ્લીક ટ્રાન્સપોર્ટની ઈ-વાહનોનો ઉપયોગ શ‚ કરવાથી લોકો પણ આ બાબતે પ્રોત્સાહિત થશે. ખાનગી વાહનો માટે પણ બેટરી બદલવા માટે ખાસ જગ્યા પુરી પાડવાનો સરકારનો વિચાર છે.
ચીનમાં કોઈપણ ઈમારત બાંધકામ સમયે જ ચાર્જીંગ પોઈન્ટ બનાવવા માટેનો કાયદો છે. આ ચાર્જીંગ પોઈન્ટથી ઈ-વાહનો ચાર્જ કરવામાં સરળતા રહે છે. ચીને ભવિષ્યને ધ્યાનમાં રાખી અત્યારથી જ આ મામલે પગલા લેવાનું શ‚ કરી દીધું છે ત્યારે ભારત સરકારે પણ ચીનના રસ્તે ચાલવાનું શ‚ કર્યું છે.ભારતના સ્માર્ટસીટીમાં નવી ઈમારતોમાં ચાર્જીંગ પોઈન્ટ બનાવવાની ફરજ પાડવામાં આવી છે. ખાસ કરીને સરકાર ઈ-રીક્ષા, ઈલેકટ્રીક ટુ-વ્હીલર, બસ, કોમર્શીયલ વ્હીકલ અને કારને પ્રારંભિક તબકકે સરકાર પ્રોત્સાહન આપશે. ટૂંક સમયમાં સરકાર ખાનગી વાહનો માટે ચાર્જીંગ સ્ટેશન ઉભા કરશે. નીતિ-આયોગ દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં મોટાભાગના વાહનો વિજળીથી સંચાલિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાલ દેશમાં ૨૦ કરોડ વાહનોમાંથી માત્ર એક ટકા વાહનો વિજળીથી સંચાલિત છે.
ઈ-વાહનોને પ્રોત્સાહન આપી સરકાર મેક ઈન ઈન્ડિયાને પણ બુસ્ટ આપવા માંગે છે. મેક ઈન ઈન્ડિયા દ્વારા ભારતમાં જ ઈ-વાહનોનું ઉત્પાદન થાય તેવું સરકાર ઈચ્છે છે. બેટરી અને વાહનોની બોડી સહિતનું ઉત્પાદન ભારતમાં થાય તેવો લક્ષ્ય સરકારનો છે.