મુડી રોકાણો વધારી રોજગારીની તકો ઉભી કરવાની તૈયારી મંત્રી સુરેશ પ્રભુ અને પિયુષ ગોયલ સાથે અરૂણ જેટલીની બેઠક
નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોના કારણે દેશના અર્થતંત્રના વિકાસની ગતિ ધીમી પડી ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે મોદી સરકારે અર્થતંત્રને બુસ્ટર ડોઝ આપવા માસ્ટર પ્લાન ઘડી કાઢયો છે. જેના હેઠળ વિવિધ ક્ષેત્રની પોલીસીમાં સુધારા કરવામાં આવશે.
આંકડા મુજબ એપ્રિલ-જૂન કવાર્ટરમાં જીડીપી ગ્રોથ ૩ વર્ષની સપાટીએ ૫.૭ ટકા સુધી ઘટી ગયો હતો. ખાનગી મુડી રોકાણમાં નબળાઈના કારણે રોજગારી ઘટતા અર્થતંત્રનો વિકાસ ધીમો પડયો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. નાણામંત્રી અ‚ણ જેટલીએ વડાપ્રધાન મોદી સાથે વાટાઘાટો કરી આ મામલે પગલા લેવાની તૈયારી કરી છે. તેમણે કહ્યું છે કે, અમે અર્થતંત્રના સંકેતો સમજવાનો પ્રવાસ કરીએ છીએ. અર્થતંત્રને ફરીથી ગતિમાં લાવવા સુધારા થશે. છેલ્લા બે દિવસથી વિત મંત્રાલય સહિતના વિભાગો સાથે આ મામલે ચર્ચા થઈ રહી છે.
અ‚ણ જેટલીએ પેટ્રોલ-ડીઝલ ઉપર ટેકસ કટ કરવાનો સદંતર ઈન્કાર કરી દીધો છે. પેટ્રોલ-ડીઝલ પરના ટેકસ સરકારી ફંડમાં સૌથી મોટો સ્ત્રોત હોવાથી તે ઓછો કરવો અશકય છે. તાજેતરમાં જ જેટલી, કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ મીનીસ્ટર સુરેશ પ્રભુ, રેલ મંત્રી પિયુષ ગોયલ અને નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારને મળ્યા હતા. જેમાં આ મંત્રાલયોની નીતિમાં ફેરફાર કરી અર્થતંત્રમાં સુધારા માટે ચર્ચા થઈ હતી.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કર દરમાં ઘટાડો કરશે તો અર્થતંત્રની ગતિ પર સીધી અસર પડશે તેવી શંકાએ હાલ નાણા પ્રધાન અને ઉચ્ચ અધિકારીઓની બેઠકોનો દૌર શરૂ થયો છે. ઉપરાંત જીએસટીની અમલવારીમાં રહી જતી કચાસ અંગે પણ જેટલી ગંભીર જણાય રહ્યાં છે.