4 વર્ષની દેશ સેવાથી યુવાનોમાં દેશદાઝ જાગશે, સરહદનો અનુભવ દેશની અંદરની સેવામાં કામે લગાડાશે
અગ્નિ પથ એટલે કે સફળતા સુધી પહોંચવાનો સંઘર્ષભર્યો માર્ગ. ભારત વિકાસશીલ દેશ છે. જે અગ્નિપથ ઉપર અત્યારે ચાલી રહ્યો છે. હવે ભારતે વિકાસની ગાડી પુરપાટ દોડાવવા માટે પ્રાથમિક ગણી શકાય તેવા સુરક્ષાના મુદા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. માટે જ સરકારે હવે યુવાનોને અગ્નિપથ પર ચલાવી અગ્નિવીર બનાવવાનો માસ્ટર પ્લાન બનાવ્યો છે.
સરકારે ગત મંગળવારે ‘અગ્નિપથ’ યોજના હેઠળ ચાલુ વર્ષે 17.5 વર્ષથી 21 વર્ષની વયના 46,000 જવાનોને આર્મી, નેવી અને એરફોર્સમાં ભરતી કરવાની જાહેરાત કરી હતી. ગૃહ મંત્રાલયે આ મુદ્દે કહ્યું છે કે દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અગ્નિપથ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. સરકારે ભારતીય સૈન્યની ત્રણેય પાંખમાં સૈનિકોની ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી પરિવર્તન કરતાં ’અગ્નિપથ’ યોજના રજૂ કરી છે. આ સ્કીમ હેઠળ ટૂંકાગાળાના કોન્ટ્રાક્ટના આધારે આર્મી, નેવી અને એરફોર્સમાં ’અગ્નિવીર’ જવાનોની ભરતી કરાશે. આ યોજના હેઠળ ભરતી થયેલા સૈનિકોમાંથી 25 ટકા સૈનિકોની કાયમી સ્તરે સૈન્યમાં ભરતી કરવામાં આવશે.
આ નિર્ણય પાછળની હકીકતો જોઈએ તો સરકાર દેશ દાઝ જાગે તે હેતુથી 4 વર્ષ માટે યુવાનોને અગ્નિવીર બનાવીને તેને દેશ સેવાની તક આપશે. આ દરમિયાન યુવાનો દેશની સેવા કરવાનો લાભ લેશે. ત્યારબાદ આ યુવાનો દેશની અંદરની સુરક્ષા માટે પણ સેવા આપશે. હાલ ભારત વિશ્વમાં પોતાનું અલગ સ્થાન બનાવીને આગળ વધી રહ્યું છે. તેવામાં સુરક્ષાનો મુદ્દો મુખ્ય બની રહ્યો છે. માટે જ સરકારે આ માસ્ટર પ્લાન બનાવ્યો છે. સરકારે દેશની બહાર અને અંદર બન્ને જગ્યાએ સુરક્ષા જાળવવા આ મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે.
આઝાદી શું છે? તેની કદર થવી જરૂરી
ભારતને આઝાદી અહિંસાથી મળી છે. જો કે અનેક ક્રાંતિવિરોએ બલિદાન આપ્યા છે. પણ ભારતની આઝાદી પાછળ અહિંસાને જવાબદાર માનવામાં આવે છે. માટે જ હજુ બીજા દેશ જેટલી દેશદાઝ અહીં જોવા મળતી નથી. ઇઝરાયેલ જેવડો નાનો દેશ જે દેશ દાઝમાં મોખરે છે. કારણકે ત્યાંના લોકોએ આઝાદી માટે ઘણું ગુમાવ્યું છે. માટે આઝાદી શુ છે તે ત્યાંના નાગરિકો બરાબર જાણે છે. હવે ભારતમાં પણ અગ્નિવીરો બનાવીને સરકાર યુવાનોને આઝાદી શુ છે તેનું મહત્વ સરહદે ફરજ સોંપીને સમજાવશે.
કેન્દ્રીય પોલીસ તેમજ યુપી અને એમપીમાં અગ્નિવિરોને અપાશે પ્રાધાન્ય
‘અગ્નિપથ’ યોજનામાં ટૂંકા ગાળાના કોન્ટ્રાક્ટ હેઠળ આર્મી, નેવી અને એરફોર્સમાં ભરતી કરવામાં આવનારા ‘અગ્નિવીર’ જવાનોને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને આસામ રાઇફલ્સમાં અગ્રિમતા આપવામાં આવશે એવી જાહેરાત ગૃહ મંત્રાલયે કરી છે. આમ યોગીએ પણ ઉત્તરપ્રદેશ પોલીસમાં તથા શિવરાજ ચૌહાણે મધ્યપ્રદેશ પોલીસમાં અગ્નિવિરોને નોકરી માટે પ્રાધાન્ય આપવાની જાહેરાત કરી છે. આમ સરહદનો અનુભવ હવે વિવિધ રાજ્યોને આંતરિક સુરક્ષામાં પણ કામ લાગશે.