ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં મોદી સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ અગત્યનું પગલા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ ના ખેડૂતો ના હિત-કલ્યાણ માટે લીધેલ નિર્ણય ને આવકારી તેમને અભિનંદન આપતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે કે આપણાં કૃષિપ્રધાન દેશની ૭૦ ટકા વસ્તી સીધી કે આડકતરી રીતે ખેતી સાથે જોડાયેલ છે. ત્યારે કેન્દ્રની મોદી સરકાર છેલ્લા ચાર વર્ષથી સતત ખેડૂત અને ખેતી વિકાસલક્ષી નિર્ણયો લઈ રહી છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીને પોષણક્ષમ બનાવવા અનેકવિધ મુદ્દે કામ ઉપાડેલ છે.
જેમાં મુખ્યત્વે ખેતી ખર્ચ ઘટે અને એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન અને ઉત્પાદકતા વધે તે મુખ્ય છે. ખેત જણસના ભાવો વધારવાની સાથોસાથ કૃષિ સંલગ્ન અન્ય વ્યવસાય થકી ખેડૂતો અને ગ્રામ્યજનો માટે આવકનાં નવા સ્ત્રોત ઉભા કરવાના લક્ષ્યાંકોને હાંસલ કરવા સરકાર અનેક યોજનાઓ સુદ્રઢપણે અમલ કરી રહી છે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, નીમ કોટેડ યુરિયા, કિસાન ક્રેડિટ કાર્ડ, કૃષિ સંપદા યોજના, દેશના માર્કેટ યાર્ડને ઇ-નામ સાથે જોડવા, પોસ્ટ હાર્વેસ્ટીંગથી માંડીને વેલ્યુ એડિશન જેવી દરેક કૃષિ બાબતોને સાંકળી લેતા અનેક આવકારદાયક પગલાં ભાજપ સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. જગતાત ગણાતા ખેડૂતો તનતોડ મહેનત કરી અઢળક ઉપજ પેદા કરે છે, પરંતુ જ્યારે ખેતીની નવી ઉપજ બજારમાં આવે ત્યારે તેની કિંમતો ઘટી જતી હોય છે. આમ, વેચાણ સમયે યોગ્ય ભાવ મેળવી શકતા ન હોવાથી ખેડૂતોમાં નિરાશા તેમજ ખેતી પ્રત્યે ઉદાસીનતા જોવા મળતી હોય છે.
ગત કેન્દ્રીય બજેટમાં ખેડૂતો અને કૃષિક્ષેત્રના વિકાસ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. જેમાં સરકારનો અભિગમ હતો કે, સરકારી મીનીમમ સપોર્ટ પ્રાઈસ એટલે કે ટેકાના ભાવ ખેડૂતોએ કરેલા ઉત્પાદન ખર્ચથી કમસે કમ દોઢગણા તો હોવા જ જોઈએ. ખેડૂતોને તેમની મહેનતનું પુરતું વળતર મળે તે માટે કેન્દ્રની મોદી સરકારે આ વર્ષે ખેતીની નવી મોસમની શરૂઆતમાં જ ટેકાના ભાવ જાહેર કરી દીધા છે. જેથી હવે ખેડૂતો પોતાના ભાવી ખેત ઉત્પાદનોના વેચાણ ભાવ બાબતે ચિંતામુક્ત રહી પોતાની પસંદગીના પાકો વાવી શકશે.
કેન્દ્રની મોદી સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટે જાહેર કરેલ કૃષિ ઉત્પાદનો માટેના આ ટેકાના ભાવને કારણે હાલમાં કોઈ તહેવાર ન હોવા છતાં પણ સમગ્ર દેશના ખેડૂતોમાં દિવાળીની ખુશાલી જેવો માહોલ છવાઈ ગયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ ટેકાના ભાવમાં લગભગ દરેક કૃષિ ઉત્પાદનો માટે દોઢગણો અને અમુક પાકોમાં તો તેથી પણ વધુ રકમનો વધારો જોવા મળ્યો છે. જે ખરા અર્થમાં ખેડૂતોની દરકાર લેતી સરકાર તરીકે અભિનંદનને પાત્ર છે.
ખેડૂતલક્ષી નીતિ અનુસાર છેલ્લા ચાર વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ કૃષિ વિકાસલક્ષી નિર્ણયો થકી દેશના ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં ચોક્કસ બમણી થશે તેમાં કોઈ બેમત નથી.ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે વાત કરીએ તો કપાસ અને મગફળી આપણા રાજ્યના અગત્યના ખેતી પાકો છે. કપાસમાં ગયા વર્ષે રૂ.૮૦૦ ના ટેકાના ભાવ સામે આ વર્ષે રૂ.૧૦૩૦ ભાવ જાહેર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની શાન ગણાતી મગફળીના ગત વર્ષે રૂ. ૮૯૦ ભાવ હતા તે પણ વધારીને રૂ.૧૦૦૦ સુધી પહોંચાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત પ્રતિ વીસ કિલો મગ-૧૩૯૫, બાજરો-૩૯૦, તુવેર-૧૧૩૫, સફેદ તલ-૧૨૫૦, કાળા તલ-૧૧૭૫ વગેરે ટેકાના નવા આકર્ષક ભાવથી ખેડૂતો અનેકગણા ઉમંગ અને ઉત્સાહ સાથે નવી મોસમના કૃષિકાર્યોમાં લાગી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતીને પોષણક્ષમ બનાવી રાખવા માટે કેન્દ્રની ભાજપ સરકારનું આ પગલું આવકારદાયક તેમજ અભિનંદનને પાત્ર છે તેમ રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.