કોરોના સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે ૫૦ લાખના વીમાની જાહેરાત : ૮ કરોડ ખેડૂતોને અપ્રિલના પ્રથમ અઠવાડિયામાં મળશે સહાય
મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો, ખેડૂતોનાં ખાતામાં સીધા પૈસા જમા થશે, મફત કરિયાણું અને ગેસ સિલિન્ડર મળશે
નવી દિલ્હી કોરોનાની મહામારીને કારણે દેશની અર્થ વ્યવસ્થાને પડેલા ફટકાને પહોંચી વળવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ૧ લાખ ૭૦ હજાર કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકાર સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે ૫૦ લાખના વીમાની જાહેરાત પણ કરી છે. જેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી ૨૦ લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે. પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત ૮૦ કરોડ ગરીબ લોકોને ૫ કિલો ઘઉં અથવા ચોખા ફ્રી મળશે. તેમાં ત્રણ માસ સુધી દરેક પરિવારને વ્યકિત દીઠ પાંચ કિલો ઘઉં અને પાંચ ચોખા મફત આપવામાં આવશે. આ યોજનાનો લાભ તેમને ૩ મહિના દરમિયાન મળશે. આ ઉપરાંત પરિવાર દીઠ ૧ કિલો દાળ પણ મફત આપવામાં આવશે.
સરકારે જાહેર કરેલા ૧.૭૦ લાખ કરોડના પેકેજનો ખેડૂતો, ગરીબો, મહિલાઓ અને ગરીબોને લાભ મળશે તેવી નાણામંત્રી નિર્મલા સીતારામને આર્થિક સહાય જાહેર કરતા જણાવ્યુ હતું.
આજ રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં એપ્રિલ મહિનાના હપ્તામાં વધારાના ૨૦૦૦ રૂપિયા તેમના ખાતામાં જમા કરવાનો નિર્ણય કરાયો છે. આ જાહેરાતથી ૮ કરોડ ખેડૂતોને ફાયદો થશે. જન-ધન ખાતાથી પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે. કોરોના વાયરસની મહામારીથી દેશનાં અર્થતંત્રને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે તેમજ ગરીબોને મદદરૂપ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ઈતિહાસમાં સૌ પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં આર્થિક પેકેજ જાહેર કરી રાષ્ટ્રની જનતાની સહાય કરવામાં આવી છે.
નાના અત્યંત ખેડૂતોને વડાપ્રધાન સન્માન યોજના અંતર્ગત વર્ષ રૂ. ૬ હજાર ત્રણ તબકકે અપાય છે તેમાં દર ચાર માસે રૂ.ર૦૦૦ નો એક હપ્તો ચૂકવાય છે.
આજે જાહેર કરાયેલા સહાય પેકેજ મુજબ ખેડૂતોને એ સહાયનો એક હપ્તો એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ચૂકવાઇ જશે દેશના ૮.૬૯ કરોડ ખેડૂતોને આ લાભ મળશે.
આ ઉપરાંત મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોને અપાતા રોજના રૂ. ૧૮૨ ના દરમાં વધારો કરી રોજ દીઠ રૂ. ૨૦૨ નો દર નકકી કરાયો છે.
મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને વધારાના રૂ. ૨૦૦૦ ચૂકવવામાં આવશે તેવી સરકાર દ્વારા આ સહાય પેકેજમાં જાહેરાત કરાઇ છે.
આ ઉપરાંત વિધવા, નિરાધર વૃઘ્ધોને મળતી સહાય રૂ. ૫૦૦ થી વધારીને રૂ. ૧૦૦૦ કરાઇ છે.
આ ઉપરાંત મહિલાઓના સ્વસહાય જુથને સંપત્તિ ગિરવે મુકયા વિના રૂ. ૧૦ લાખની લોન આપવામાં આવે છે તે લોનની રકમ વધારીને રૂ.૨૦ લાખ કરવામાં આવી છે. દેશના આવા ૭ કરોડ પરિવારોને આ યોજનાનો લાભ મળશે.
મહિલાઓના જનધન ખાતામાં રાંધણ ગેસની સહાય મળે છે તેવી મહિલાઓના જનધન ખાતામાં ત્રણ માસ સુધી દર મહિને રૂ. ૫૦૦ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ઉજજવાલા યોજના હેઠળ જે મહિલાઓને ગેસ બાટલા મળે છે તેને ૩ માસ સુધી વિનામૂલ્યે ગેસ બાટલા અપાશે તેવી સરકારે જાહેરાત કરી છે. આર્થિક સહાય પેકેજમાં અનય કેટલીક જાહેરાત કરાઇ છે.
-વિધવાઓ, વૃદ્ધો, દિવ્યાંગોને આગામી ત્રણ મહિના દરમિયાન એક હજાર રૂપિયાની વધારાની રકમ આપવામાં આવશે. તેનાથી લગભગ ત્રણ કરોડ લોકોને ફાયદો થશે.
-જે મહિલાઓના ખાતા જન-ધન યોજના હેઠળ ખોલવામાં આવે છે તેમને આવતા ત્રણ મહિના માટે દર મહિને ૫૦૦ રૂપિયાની રકમ આપવામાં આવશે. લગભગ ૨૦.૫ કરોડ આવા ખાતા છે.
-ઉજ્જવલા યોજના હેઠળ જે મહિલાઓને એલપીજી કનેક્શન મળે છે, તેઓને આગામી ત્રણ મહિના સુધી મફતમાં એલપીજી સિલિન્ડર મળશે. તેનાથી ૮.૨ કરોડ પરિવારોને લાભ થશે.
-મનરેગા વેતન રોજગાર ૧૮૨ રૂપિયાથી વધારીને ૨૦૨ રૂપિયા કરવામાં આવ્યુ છે. આનાથી પાંચ કરોડ લોકોની આવક ૨૦૦૦ રૂપિયા સુધી વધશે.
-કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય-ગરીબ લોકો-પરિવારોની આર્થિક મથામણ દૂર કરતી મોદી સરકાર.
અમેરિકાના ૧૫૦ લાખ કરોડના બૂસ્ટર ડોઝથી બજારમાં તેજી
કોરોના વાયરસના ભયથી અમેરિકા સહિતના દેશોમાં અર્થતંત્ર ખાડે ગયું છે. ઘણા દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે. પરિણામે અર્થતંત્રમાં તરલતા તળીયે પહોંચી છે. અમેરિકાની સાથો સાથ એશિયન અને યુરોપીયન શેરબજારો પણ મંદીના માહોલમાં છે. આવા સમયે અમેરિકાએ બે ટ્રીલીયન ડોલર એટલે કે અંદાજે રૂા.૧૫૦ લાખ કરોડ જેટલી તોતીંગ રકમ અર્થતંંત્રમાં ઠાલવવાનો નિર્ણય લીધો છે. આ રકમને વિવિધ પ્રકારથી અર્થતંત્રમાં ઠાલવવામાં આવશે. આરોગ્યની સેવાઓ અને કોરોનાની કટોકટીમાં પરિવાર દીઠ લોકોને અમુક ચોક્કસ રકમ મળે તેની તકેદારી પણ રાખવામાં આવશે. અમેરિકામાં અમુક રકમ સુધી કમાનારા પરિવારોને આ ફંડ મળશે. બેલઆઉટ પેકેજના કારણે ભારતીય બજાર પર પણ તેજીની અસર જોવા મળી છે. ભારતીય બજારમાં લાંબા સમય સુધી જોવા મળેલી મંદી ઓછી થઈ છે. છેલ્લા બે દિવસથી બજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. અમેરિકાએ આપેલા ૧૫૦ લાખ કરોડના બુસ્ટર ડોઝની લાંબાગાળાની અસર જોવા મળશે.
વ્યાજ દરમાં ઘટાડાના આશાવાદથી લથડતા બજારને મળ્યો ટેકો
ટૂંક સમયમાં વ્યાજદરમાં પણ ઘટાડો થશે તેવું પણ સાંભળવા મળે છે. જેથી ડગમગતા બજારને ટેકો મળ્યો છે. ગઈકાલે સેન્સેકસ ૧૮૬૨ પોઈન્ટ ઉછળ્યો હતો. આજે પણ બજારમાં ત્તેજી જોવા મળી રહી છે. આજે પણ બજાર ૧૨૫૦ પોઈન્ટનો ઉછાળો છે. આર્થિક સંકટમાંથી રાહત પેકેજ છુટકારો આપશે તેવા આશાવાદે જન્મ લીધો છે. પરિણામે બજાર બે દિવસથી ગ્રીન ઝોનમાં ટ્રેડ થાય છે. આ લખાય છે ત્યારે એકસીસ બેંક, બજાજ ફાયનાન્સ, એચડીએફસી, ઈન્ડુસીન્ડ બેંક, આઈસીઆઈસી બેંક સહિતના શેરમાં ૧૦ થી લઈ ૩૦ ટકાનો સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. લાંબા સમય બાદ તેજીનો સળવળાટ થતાં રોકાણકારો ગેલમાં આવી ગયા છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસીના શેરોની ભારે ખરીદી બજારને ઉપર ઉઠાવવામાં સફળ રહી હતી.
નાના ઉદ્યોગકારોને આર્થિક સંકડામણથી બહાર કાઢવા બેંકોને કોથળા ખૂલ્લા મૂકવા સરકારની હિમાયત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ ઉદ્યોગ જગતની આર્થિક પ્રવાહી સ્થિતિના નિવારણ માટે પગલા ભરવાની કવાયત હાથ ધરી છે. ઓવિડ ૧૯આપાત કાલીન સહાય માટે એસબીઆઈએ આગળ આવીને આગોતરા ધિરાણની વ્યવસ્થા માટે કમર કસીને કોરોનાના કારણે ઉભી થટેલી આર્થિક સંકળામણનાં નિવારણ માટે હંગામી ધોરણે લોન સહાય આપીને નાના અને મધ્યમ ઉદ્યોગોને મદદરૂપ થવા નિરધાર કર્યો છે.
સરકારના નિર્દેશ અને રિઝર્વબેંક ઓફ ઈન્ડીયાના નિર્દેશન સાથે એસબીઆઈની જેમ અન્ય બેંકો પણ નાના અને મધ્યમ ઉદ્યોગ અને વેપારને લોકડાઉન દરમિયાન ઉભી થયેલી આર્થિક સંકળામણમાં સહકાર આપવા આગળ આવી રહી છે. બેંકો દ્વારા ઋણ રાહત અને ધિરાણ મુદતમાં, બાંધછોડ અને લોન પરત આપવાના સમયગાળામાં અનેક વિધ રાહતોની જોગવાઈ સાથે ઉદ્યોગ જગતનો હાથ પકડવા કવાયત હાથ ધરી છે. એસબીઆઈ ઉપરાંત અન્ય જાહેર ક્ષેત્રની બેંકોમાં યુનિયન બેંક ઈન્ડીયનબેંક અને બેંક ઓફ ઈન્ડીયા પણ આપાત કાલીન લોન સહાય આપવા અને નાના અને મધ્યમ વેપાર ઉદ્યોગને મદદરૂપ થવા ખાસ ભંડોળ ફાળવવા તૈયાર થઈ છે.