ભારત સરકાર દ્વારા મેડિકલ શિક્ષણ અંગે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ, ડેન્ટલ કોર્સ (એમબીબીએસ / એમડી / એમએસ / ડિપ્લોમા / બીડીએસ / એમડીએસ માટેની ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) સ્કીમમાં 2021-22ના વર્તમાન શૈક્ષણિક વર્ષથી ઓબીસી માટે 27% અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે 10% અનામતનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
સરકારના આનિર્ણયથી લગભગ 5500 વિદ્યાર્થીઓને થશે લાભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નદૃષ્ટા માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ, ડેન્ટલ કોર્સ (એમબીબીએસ / એમડી / એમએસ / ડિપ્લોમા / બીડીએસ / એમડીએસ) માટેની ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) સ્કીમમાં 2021-22ના વર્તમાન શૈક્ષણિક વર્ષથી ઓબીસી માટે 27% અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે 10% અનામત પૂરી પાડવાનો ઐતિહાસિક અને સિમાચિહ્ન નિર્ણય લીધો છે.
પ્રધાનમંત્રીએ 26મી જુલાઈ 2021ના રોજ હાથ ધરાયેલી એક બેઠકમાં આ લાંબા સમયથી બાકી રહેલા મુદ્દા પર અસકારક નિર્ણય લેવા સંબંધિત કેન્દ્રીય મંત્રાલયોને આદેશ આપ્યા હતા. આ નિર્ણયથી દર વર્ષે એમબીબીએસમાં 1500 જેટલા ઓબીસી વિદ્યાર્થીઓને અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઓબીસીના 2500 જેટલા વિદ્યાર્થીઓને લાભ કરાવશે અને એમબીબીએસમાં EWS ના 550 વિદ્યાર્થીઓને તથા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં EWS ના 1000 વિદ્યાર્થીઓને આ નિર્ણયથી લાભ થશે.
સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા ક્વોટામાં અનુસુચિત જાતિ અને જનજાતિનો વર્ષ ૨૦૦૭માં સમાવેશ કરેલ
સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) યોજના 1986માં અમલી બની હતી. જેમાં કોઈ પણ રાજ્યનો વિદ્યાર્થીને અન્ય કોઈ પણ રાજ્યમાં આવેલી સારી મેડિકલ કોલેજમાં નિવાસ મુક્ત (ડોમિસાઇલ મુક્ત) મેરીટ સાથે અભ્યાસની તક આપવામાં આવે છે. ઓલ ઇન્ડિયા ક્વોટા સરકારી મેડિકલ કોલેજોમાં ઉપલબ્ધ અંડર ગ્રેજ્યુએટ બેઠકોના 15 ટકા અને પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકોના 50 ટકા ધરાવે છે. પ્રારંભમાં 2007 સુધી ઓલ ઇન્ડિયા ક્વોટા યોજનામાં કોઈ અનામત હતી નહીં. 2007માં સુપ્રીમ કોર્ટે ઓલ ઇન્ડિયા ક્વોટા સ્કીમમાં અનુસૂચિત જાતિ (SC) માટે 15% અનુસૂચિત જનજાતિ (ST) માટે 7.5 % અનામતની જોગવાઈ દાખલ કરી હતી. 2007માં જ્યારે ઓબીસીમાં 27 ટકા અનામત આપવાનો સમાન ધારો સેન્ટ્રલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન (પ્રવેશમાં અનામત) ધારો અમલમાં આવ્યો છે. ત્યારે આ જ ધારો સેન્ટ્રલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જેવા કે સફદરજંગ હોસ્પિટલ, લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને બનારસ હિન્દુ યુનિવર્સિટી વગેરેમાં પણ અમલી બન્યો હતો. જોકે આ જ બાબત રાજ્યોની મેડિકલ કે ડેન્ટલ કોલેજની ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકોમાં અમલી બન્યો ન હતો.
વર્તમાન સરકાર પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગ એમ બંને કેટેગરીને અનામત આપવા માટે વચનબદ્ધ છે. કેન્દ્ર સરકારે હવે ઓલ ઇન્ડિયા ક્વોટા સ્કીમ હેઠળ ઓબીસીને 27% તથા EWSને 10 % અનામત આપવાનો ઐતિહાસિક અને સિમાચિહ્ન નિર્ણય લીધો છે. ઓબીસીના વિદ્યાર્થી હવેથી સમગ્ર દેશમાં કોઈ પણ રાજ્યમાં બેઠક હાંસલ કરવા માટે ઓલ ઇન્ડિયા ક્વોટા સ્કીમનો લાભ લઈ શકશે. આ કેન્દ્રની યોજના હોવાથી અનામત માટે ઓબીસીના કેન્દ્રની યાદીનો ઉપયોગ થઈ શકશે. એમબીબીએસમાં અંદાજે 1500 ઓબીસીના વિદ્યાર્થી અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 2500 જેટલા વિદ્યાર્થી આ અનામત યોજનાનો લાભ લઈ શકશે.
આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓના લાભ માટે વર્ષ ૨૦૧૯માં બંધારણીય સુધારો કરાયો
આર્થિક રીતે પછાત વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં પ્રવેશનો લાભ મળે તે હેતૂથી 2019માં બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. જેનાથી આર્થિક રીતે પછાત વર્ગને 10% અનામત પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ જ રીતે આ EWS કેટેગરીની અનામતને સમાવવા માટે મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં 2019-20 અને 2020-21 એમ બે વર્ષ દરમિયાન વધારાની દસ ટકા બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જેથી બિનઅનામત માટેની ઉપલબ્ધ કુલ બેઠકોમાં ઘટાડો કરવાની જરૂર પડે નહીં. જોકે ઓલ ઇન્ડિયા ક્વોટા સ્કીમમાં આ લાભ હજી સુધી વધારવામાં આવ્યો નથી. આથી જ 2021-22ના વર્તમાન શૈક્ષણિક વર્ષથી તમામ અંડર ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ / ડેન્ટલ કોલેજો માટે ઓલ ઇન્ડિયા ક્વોટા સ્કીમમાં ઓબીસી માટે 27% અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે 10% અનામતમાં વધારો કરવામાં આવ્યો છે. આ યોજનાથી દર વર્ષે એમબીબીએસમાં આર્થિક રીતે પછાત વર્ગના 550 વિદ્યાર્થી અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમમાં 1000 જેટલા વિદ્યાર્થીને તેનો લાભ મળશે.
છેલ્લા ૬ વર્ષમાં એમબીબીએસની બેઠકમાં દેશમાં ૫૬ ટકાનો વધારો કરાયો
2014થી મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં હાથ ધરાયેલા નોંધપાત્ર સુધારામાં આ નિર્ણયનો પણ સમાવેશ થાય છે. છેલ્લા છ વર્ષમાં દેશમાં એમબીબીએસની બેઠકોમાં 56%નો વધારો કરાયો છે. 2014માં તેની કુલ 54,348 બેઠકો હતી જે 2020માં 84,649 ઉપર પહોંચી છે. આ જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સમાં 2014માં 30,191 બેઠક હતી જેમાં 80% નો વધારો થયો છે. અને 2020માં તેની સંખ્યા 54,275 ઉપર પહોંચી છે. આ જ સમયગાળામાં નવી 179 મેડિકલ કોલેજો સ્થાપવામાં આવી છે અને હવે દેશમાં 558 (289 સરકારી અને 269 ખાનગી) મેડિકલ કોલેજો અસ્તિત્વમાં છે.