કેન્દ્રિય બજેટમાં અફઘાનિસ્તાન માટે 200 કરોડની સહાય, તાલિબાનોએ મોદી સરકારના આ નિર્ણયના ભરપેટ વખાણ કર્યા
અબતક, નવી દિલ્હી : મોદી સરકાર આતંકવાદને જડમૂડથી ખતમ કરવા તેના વિસ્તારોમાં વિકાસના પ્રોજેક્ટની ભરમાર ચલાવી રહી છે. જેમ જમ્મુ કાશ્મીરમાં સરકારના આ પ્રયૉગો સફળ રહ્યા હવે તેમ જ અફઘાનિસ્તાનમાં પણ તાલીબાનોને વિકાસનું ઘેલું લગાવી સરકાર આતંકવાદથી તેઓને દૂર રાખવા પ્રયાસ કરી રહી છે.
અફઘાનિસ્તાનમાં એક લોકતાંત્રિક સરકાર ઉથલાવી સત્તામાં આવેલા તાલિબાને પોતાની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિદેશી દેશો સાથે સંબંધો સુધારવાની તરફ ધ્યાન આપ્યું છે. તાલિબાને ભારતના કેન્દ્રીય બજેટ 2023-24નું વિશે પણ વખાણ કર્યા અને કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ભારતની સહાયની જાહેરાત બંને દેશો વચ્ચેના સંબંધો અને વિશ્વાસ સુધારવા મદદ કરશે.
એક એજન્સીના અહેવાલ અનુસાર, તાલિબાન સરકારે ભારત તરફથી મળેલી મદદ માટે ભારત સરકારની પ્રશંસા કરી છે. ભારતના કેન્દ્રીય બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમને અફઘાનિસ્તાન માટે રૂ. 200 કરોડના વિકાસ સહાય પેકેજની જાહેરાત કરી હતી. સીતારમને બુધવારે સવારે બજેટ ભાષણ રજૂ કર્યું, જે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ હતું.
2023-24ના બજેટમાં ભારતે અફઘાનિસ્તાનને વિકાસ સહાયમાં 200 કરોડ રૂપિયા આપવાની રજૂઆત કરી છે. અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ ભારતે તાલિબાનને આર્થિક મદદ કરી હોય તેવું આ બીજું વર્ષ છે. રિપોર્ટ અનુસાર, આ અંગેની પહેલી જાહેરાત ગયા વર્ષના બજેટમાં કરવામાં આવી હતી.
ભારતના બજેટનું સ્વાગત કરતા તાલિબાનની વાટાઘાટ ટીમના સભ્ય સુહેલ શાહીને કહ્યું, “અમે અફઘાનિસ્તાનના વિકાસ માટે ભારતના સહયોગની પ્રશંસા કરીએ છીએ. તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો અને વિશ્વાસ સુધારવામાં મદદ મળશે.”
પહેલો સગો પાડોશી, ભારતે આટલા દેશો માટે બજેટમાં કરાઈ ફંડની ફાળવણી
- અફઘાનિસ્તાન – 200 કરોડ
- ભૂતાન- 2400 કરોડ
- નેપાળ- 550 કરોડ
- માલદીવ- 400 કરોડ
- મ્યાનમાર- 400 કરોડ
- બાંગ્લાદેશ- 200 કરોડ
- શ્રીલંકા- 150 કરોડ