ખાલી પડેલી જગ્યાઓ જ રદ થઈ જશે તો જે-જે પોસ્ટ પર ભરતી આવશ્યક છે તેનું શું ?
છેલ્લા પાંચ વર્ષથી ખાલી પડેલી જગ્યાઓ રદ કરવાનો મોદી સરકારે નિર્ણય લીધો છે. ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરીની જેમ ખાલી પડેલી જગ્યાઓ જ નહી રહે અને તે જગ્યાઓ ભરવા માટેના પ્રશ્ર્નો જ ઉભા નહીં થાય. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોને છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી ખાલી પડેલી જગ્યાઓને રદ કરવા જણાવ્યું છે અને તે અંગે સંપૂર્ણ અહેવાલ આપવા પણ કહ્યું છે.
નાણા મંત્રાલયે તમામ મંત્રાલયો અને વિભાગોને આ માટે આદેશો કરી દીધા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે કેટલાક મંત્રાલયો અને વિભાગોએ સહમતિ દાખવી છે. જયારે કેટલાક વિભાગો અને મંત્રાલયોએ દલીલો કરતા જણાવ્યું છે કે, અમુક જગ્યાઓ જે ખાલી પડેલી છે તેને ભરવી છે તે રદ કરી શકાય તેમ નથી.
સહ મંત્રાલયના એક વરીષ્ઠ અધિકારીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગૃહમંત્રાલયના એડીશ્નલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને પાર્લામેન્ટરી ફોર્સીસ સહિત ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને ખાલી પડેલી જગ્યાઓ પર એક અહેવાલ તૈયાર આદેશ કરી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજય સરકારની એવી હજારો જગ્યાઓ છે કે જે પાંચ વર્ષથી પણ વધુ સમયથી ખાલી પડેલી છે. જેમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, આચાર્યની જગ્યાઓ, સરકારી અસ્પતાલોમાં ડોકટરો, વિવિધ કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓનો સમાવેશ થાય છે. તેમજ આ જગ્યાઓ ભરવા માટે ઘણીવાર રજુઆતો અને લોકોનો રોષ પણ સામે આવ્યો છે ત્યારે આ જગ્યાઓને જ નાબુદ કરી નાખવા મોદી સરકારે હાંકલ કરી છે. સરકારે આ નિર્ણયથી જરૂરી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા અટકી પણ શકે છે. જેમ કે, શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની ખાલી પડેલી જગ્યાઓ ભરવી આવશ્યક છે નહીં કે તેને રદ કરવાની.