સરકાર 4 વર્ષ માટે આર્મી, નેવી અને એરફોર્સમાં ‘અગ્નિવીર’ જવાનોની ભરતી કરશે: યુવાનોને ટૂંકા સમય માટે દેશની સેવા કરવાનો સુવર્ણ અવસર મળશે
કેન્દ્ર સરકારે ભારતીય સૈન્યની ત્રણેય પાંખમાં સૈનિકોની ભરતી પ્રક્રિયામા ’અગ્નિપથ’ યોજના રજૂ કરી છે. આ સ્કીમ હેઠળ ટૂંકાગાળાના કોન્ટ્રાક્ટના આધારે આર્મી, નેવી અને એરફોર્સમાં ’અગ્નિવીર’ જવાનોની ભરતી કરાશે. આ યોજના હેઠળ ચાર વર્ષના સમય માટે અગ્નિવીરોની સૈન્યમાં ભરતી કરાશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટ સમિતિએ આ ભરતી યોજનાને મંજૂરી આપ્યા પછી સંરક્ષણ મંત્રીએ નવી પહેલ અંગે વિગતો રજૂ કરી હતી.
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સંરક્ષણ મંત્રીની હાજરીમાં સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખોએ આ સ્કીમની જાહેરાત કરી હતી. લેફ્ટનન્ટ અનિલ પુરીએ સ્કીમ અંગે જણાવ્યું કે અગ્નિવીરોની ભરતી ચાર વર્ષ માટે થશે. આ વર્ષે 90 દિવસમાં 46,000 અગ્નિવીરોની ભરતી કરાશે. આ યોજના હેઠળ ભરતી થયેલા સૈનિકોમાંથી 25 ટકા સૈનિકોની કાયમી સ્તરે સૈન્યમાં ભરતી કરવામાં આવશે. આ યોજના હેઠળ અગ્નિવીરોને છ મહિનાની તાલીમ અપાશે.
તેમણે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ યુવાનો અને યુવતીઓ બંનેને સૈન્યમાં ભરતી થવાની તક મળશે. અગ્નિવીરની અરજી માટેની વય 17.6 વર્ષથી 21 વર્ષ સુધી રહેશે. જોકે, અગ્નિવીરો માટે મેડિકલ અને ફિઝિકલ ફિટનેસના નિયમ અન્ય સૈનિકો જેવા જ રહેશે. આ યોજના હેઠળ 10મુ અને 12મુ ધોરણ પાસ યુવાનોને અગ્નિવીર તરીકે અલગ અલગ પદો પર ભરતીની તક અપાશે.
આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, નવી પ્રક્રિયા આપણી ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી પરિવર્તન લાવશે. જોકે, સૈનિકોની ભરતી માટેના ફિઝિકલ, મેડિકલ અને વ્યાવસાયિક માપદંડો તથા ધારાધોરણો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. હાલમાં, સૈન્યમાં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ પ્રારંભિક 10 વર્ષની મુદત માટે યુવાનોની ભરતી થાય છે, જેને 14 વર્ષ સુધી લંબાવી શકાય છે. નવી ભરતી પ્રક્રિયા પાછળ સરકારનો આશય પગાર અને પેન્શનનો બોજ ઘટાડવાનો છે.
અગ્નિવીરોને મળશે રૂ.11.71 લાખનું સેવા નિધિ પેકેજ
સૈનિક તરીકેની ચાર વર્ષની કારકિર્દીમાં પહેલા વર્ષે અગ્નિવીરોને વાર્ષિક 4.76 લાખ રૂપિયાનું પેકેજ મળશે, જે ચોથુ વર્ષ પૂરું થતા સુધીમાં વધીને 6.92 લાખ થશે. એટલે કે અગ્નિવીરનો પહેલા વર્ષે માસિક પગાર રૂ. 30,000 હશે, જેમાંથી રૂ. 21,000 તેના હાથમાં આવશે. બાકીની રકમ એક અલગ ભંડોળમાં જમા થશે અને તેટલી જ રકમનું યોગદાન સરકાર આપશે. ત્યાર પછી બીજા, ત્રીજા અને ચોથા વર્ષે અગ્નિવીરોનો પગાર અનુક્રમે રૂ. 33,000, રૂ. 36,500 અને રૂ. 40,000 થઈ જશે. પ્રત્યેક અગ્નિવીરને સેવા નિધિ પેકેજ તરીકે રૂ. 11.71 લાખની રકમ મળશે, જે કરમુક્ત હશે. જોકે, અગ્નિવીરોને ગ્રેજ્યુઈટી અને પેન્શનના લાભ નહીં મળે. તેમને આર્મ્ડ ફોર્સીમાં કામગીરી દરમિયાન રૂ. 48 લાખનું જીવન વીમા કવચ મળશે.
4 વર્ષ બાદ અગ્નિવીરોને અન્ય નોકરીઓમાં પણ પ્રાથમિકતા અપાશે
આ અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે મારી જાણકારી મુજબ ઘણા મંત્રાલયો અને રાજ્ય સરકારોએ ઈચ્છા વ્યક્ત કરી છે કે જો તેમના મંત્રાલયો, નિગમોમાં કોઈ ભરતી થશે તો તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. ટૂંક સમયમાં તેઓ આ અંગે જાહેરાત કરી શકે છે. તે જ સમયે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે જાહેરાત કરી છે કે અગ્નિવીર યોજના હેઠળ સેનામાં કામ કરતા સૈનિકોને મધ્ય પ્રદેશ પોલીસમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
4 વર્ષ બાદ 25 ટકા જવાનોને નિયમિત કેડર ઉપર રખાશે
સેવામાં ચાર વર્ષ પૂરા કર્યા પછી અગ્નિવીરોને ’અગ્નિવીર સ્કીલ સર્ટિફિકેટ’ આપવામાં આવશે, જે તેમને સૈન્યની સેવા પછી અન્ય નોકરી મેળવવામાં મદદરૂપ થશે. વધુમાં સૈન્યની જરૂરિયાત અને નીતિના આધારે અગ્નિવીરોને આર્મ્ડ ફોર્સીસમાં કાયમી ભરતી માટે અરજી કરવાની તક અપાશે. અંદાજે 75 ટકા અગ્નિવિરોમેં છુટા કરવામાં આવશે. 25 યકા અગ્નિવિરોને નિયમિત કેડર ઉપર યથાવત રાખવામાં આવશે.
હાલ જવાનોની સરેરાશ ઉંમર 32 વર્ષ, તેને 26 કરવા સરકારનો પ્રયાસ
સરકારે અગ્નિપથ યોજનાને ગેમ ચેન્જર ગણાવી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે આર્મી, નેવી અને એરફોર્સના વડાએ પણ કહ્યું કે આનાથી સેના ભવિષ્યના પડકારોનો વધુ સારી રીતે સામનો કરી શકશે. હાલમાં આર્મીમાં જવાનોની સરેરાશ ઉંમર 32 વર્ષ છે. અગ્નિવીરોના આગમન પછી, 6-7 વર્ષમાં સરેરાશ ઉંમર 26 વર્ષની થશે અને સેના વધુ યુવાન અને ફિટ હશે. દરરોજ બદલાતી ટેક્નોલોજી યુવાનો ઝડપથી શીખશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય સેનાને વિશ્વની શ્રેષ્ઠ સેના બનાવવા માટે અગ્નિપથ નામની ઐતિહાસિક યોજના લાવવામાં આવી છે. તેમણે કહ્યું કે યુવાનો નવી ટેક્નોલોજી ઝડપથી શીખશે અને તેમનું ફિટનેસ લેવલ પણ સારું રહેશે. તેનાથી રોજગારીની તકો વધશે. ભારતીય અર્થવ્યવસ્થાને પણ ઉચ્ચ કુશળ કાર્યબળ મળશે.