મોદી સરકાર દેશના સર્વભૌમત્વ, એકતા, અખંડિતતાને મજબૂત બનાવતા અથાગ પરિશ્રમ કરી રહી છે: રૂપાણી

સરદાર વલ્લભભાઇ પટેલ અને ડો. શ્યામાપ્રસાદ મુખરજીના સ્વપ્નને સાકાર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરી છે: મુખ્યમંત્રી

ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે  પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આ દિવસ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ બની રહેશે. દેશ ૧૯૪૭માં આઝાદ થયો હતો પરંતુ જમ્મુ અને કશ્મીરને આજે સાચા અર્થમાં આઝાદી મળી છે. આશરે ૭૦ વર્ષથી વધારે સમયથી કશ્મીરના વિકાસમાં અવરોધરૂપ એવી કલમ-૩૭૦ હટાવવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના મજબૂત રાજકિય ઇચ્છાશક્તિ દર્શાવતા હિમ્મતભર્યા ઐતિહાસિક નિર્ણય બદલ સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ગઇકાલે રાજ્યસભામાં પસાર થયેલ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવતું બીલ લોકસભામાં પણ ૩૭૦ કરતા વધારે સાંસદોના સમર્થન સાથે પસાર થતાની સાથે જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ સર્જાયો છે અને ઠેર-ઠેર દેશની જનતા જનાર્દન આ નિર્ણયને આવકારતાં સ્વયંભૂ ઉજવણી કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની સરકાર દેશના સર્વભૌમત્વ, એકતા, અખંડિતતાને મજબૂત બનાવતા નિર્ણયોની સાથે સાથે દેશના પ્રત્યેક ખૂણે ખરા અર્થમાં વિકાસ થાય તે માટે અથાગ પરિશ્રમ કરી રહી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારે જમ્મુ અને કશ્મીરમાં ૩૭૦ની કલમમાં ફેરફાર કરીને સરદાર વલ્લભભાઇ પટેલ અને ડો. શ્યામાપ્રસાદ મુખરજીના સ્વપ્નને સાકાર કરીને સાચા અર્થમાં તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.

રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં ગાંધી-સરદારની જોડીએ દેશને નેતૃત્વ પુરુ પાડ્યુ હતુ તે જ રીતે આજે ગુજરાતની મોદી-શાહની જોડી સમગ્ર દેશને નેતૃત્વ પુરુ પાડી રહી છે અને રાષ્ટ્પ્રથમની ભાવના સાથે દેશની સુરક્ષા અને જનસુખાકારી માટે એક પછી એક અતિમહત્વના નિર્ણયો લઇ રહી છે તે સમગ્ર ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ બાબત છે.

આઝાદી બાદ દેશના એકીકરણ સમયે જુનાગઢ અને હૈદરાબાદને ભારતમાં સમાવવાની જવાબદારી સરદાર વલ્લભભાઇના શીરે આવી હતી જે તેઓએ બખૂબી નિભાવી હતી અને બંને ક્ષેત્રોને દેશમાં સંમિલિત કર્યા પરંતુ કોંગ્રેસના જવાહરલાલ નેહરુ જમ્મુ અને કશ્મીરના પ્રશ્નનો નિકારકરણ લાવવામાં અસક્ષમ નિવડ્યા અને ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ માત્રને માત્ર વોટબેંકની રાજનીતિ ખાતર કશ્મીરના પ્રશ્નને યથાવત રાખ્યો તેના કારણે જ જમ્મુ અને કશ્મીરમાં ૪૧ હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશભક્તિની વાતમાં પણ વોટબેંકની રાજનીતિ કરનાર કોંગ્રેસને દેશની જનતા ક્યારેય માફ નહી કરે.

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવવાના નિર્ણયથી સ્વતંત્રતાના ૭૨ વર્ષ બાદ આજે સમગ્ર દેશ આઝાદી મેળવ્યા બાદ પુન:આઝાદ થયો હોય તેવી અનુભૂતિ કરી રહ્યો છે તે બદલ હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઇ શાહને ગુજરાત ભાજપા વતી હદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયથી હવે ડો. શ્યામાપ્રસાદ મુખરજીના સ્વપ્નના ભારતનું નિર્માણ થયું છે ત્યારે દેશમાં એક વિધાન એક પ્રધાન અને એક સંવિધાન પ્રસ્થાપિત થયા છે. આજનો ઐતિહાસિક દિવસ ભારતના સ્વર્ણિમ ઇતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય બનશે, આ નિર્ણય નિશ્ચિત રૂપથી આદરણીય ડો. શ્યામાપ્રસાદ મુખરજીને એક સાચી શ્રદ્ધાંજલિ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.