એનબીએફસી ક્ષેત્રને ફરી ધમધમતું કરવા અને બજારમાં રૂપિયો ફરતો કરવા સરકાર
૧ લાખ કરોડની ‘બજેટ સ્કીમ’ લાગુ કરશે!!!
ઓટોમોબાઇલ્સ સેક્ટર ભયંકર મંદીમાં!
ભારતનાં અર્થતંત્રને બેઠુ કરવા માટે મોદી સરકાર દ્વારા અનેકવિધ પેકેજો લાગુ કરવામાં આવી રહ્યા છે. સરકારનાં નાણામંત્રાલય દ્વારા તમામ ઈન્ડસ્ટ્રીઝને બેઠી કરવા માટે ટેકસ દરમાં ઘટાડો, સબસીડી અને ઈન્સેટીવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર આ પેકેજનો મુખ્ય હેતુ ઈન્ડસ્ટ્રીઝને પડતી કોસ્ટને ઘટાડવા માટેનો છે અને વ્યાપારીઓ સરળતાથી તેનો વ્યાપાર કરી શકે તે દિશામાં પણ સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે.
સરકાર દ્વારા એ વાતની પણ જાહેરાત કરવામાં આવી છે કે, જે કોઈ કરદાતા નિયમિત સમયાંતરે તેઓ તેમનાં કરનું ભુગતાન કરતા હોય તો તેઓને આવકવેરા વિભાગ તરફથી સહેજ પણ હેરાનગતિ ન થવી જોઈએ. સાથો સાથ એવા કરદાતાઓ ઉપર નજર રાખવાની પણ તાકીદ કરવામાં આવી છે કે, જે તેમનો કર નિયમિત સમયમાં ભરતા ન હોય. આ તમામ મુદાઓની ચર્ચા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. સાથોસાથ ઈનડાયરેકટ ટેકસીસમાં પણ ટેકસ ઘટાડો, ક્ધઝયુમેબલ ચીજ-વસ્તુઓનાં ભાવમાં પણ ઘટાડો કરવાની સરકાર દ્વારા માહિતી મળી રહી છે. બજારમાં તરલતાનાં અભાવે જે ચીજ-વસ્તુઓની માંગ ઉભી થતી હોવી જોઈએ તે થઈ નથી રહ્યું. જેનાં કારણે તરલતાનો મુખ્ય મુદ્દો સામે આવ્યો છે. એસોચેમનાં પ્રેસીડેન્ટ બી.કે.ગોયેન્કાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા એક લાખ કરોડનું રાહત પેકેજ આપવામાં આવશે જેનાથી અર્થ વ્યવસ્થા જે સ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેમાંથી ઉબરી શકે અને દેશને વિકાસ તરફ દોડી જાય.
દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, હાલ ઓટો ક્ષેત્ર ભારે મંદીનાં સકંજામાં છે ત્યારે આ ક્ષેત્રને ફરીથી બેઠુ કરવા અલગ જ રાહત પેકેજ લાગુ કરવામાં આવશે. ઓટો મોબાઈલ ક્ષેત્રમાં જીએસટીનાં દરમાં ઘટાડો કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ગત ૧૯ વર્ષમાં જુલાઈ માસમાં ઓટો મોબાઈલ ક્ષેત્રનું વેચાણ ૧૮.૭ ટકા ઘટયું હતું. ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર ગાડીઓનાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો જે ગત જુલાઈ માસમાં ૨૨.૪ લાખ યુનિટ વેચાણા હતા તે ચાલુ વર્ષે માત્ર ૧૮.૨ લાખ યુનિટ વેચાણા છે. આ અંગે ઓટો મોબાઈલ ક્ષેત્ર દ્વારા માહિતી મળી રહી છે કે, અર્થવ્યવસ્થામાં ઘટાડો તથા તરલતાનાં અભાવે વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી આ ક્ષેત્રનાં વ્યાપારીઓએ સરકારને જીએસટીમાં જે ૨૮ ટકાનો દર રાખવામાં આવ્યો છે તેને ૧૮ ટકા કરવાની ભલામણ કરી છે.
દેશની જયારે અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા એનબીએફસી ક્ષેત્રને ફરી ધમધમતું કરવા અને જે તરલતાની સમસ્યા ઉદભવિત થયેલી છે તેને નિવારવા માટે એક લાખ કરોડની બજેટ સ્કિમ આવનારા દિવસોમાં લાગુ કરાશે તેવું સરકારી સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. એનબીએફસી, એચએફસી અને પબ્લીક સેકટર બેંકો સરળતાથી કાર્ય કરી શકે તે હેતુસર બજેટ સ્કિમ લાગુ કરવામાં આવી છે જેમાં સરકાર આ બજેટ સ્કિમ પેટે એક લાખ કરોડ રૂપિયાની સહાય આપવાનું પણ જણાવ્યું હતું. એનબીએફસીની બેંકો દ્વારા જે એસેટ બેંકોને વહેંચવામાં આવશે જેના માટે એનબીએફસીએ સરકારને પ્રતિ વર્ષ ૦.૨૫ ટકાની ફી ભરવા પાત્ર રહેશે. વધુમાં એનબીએફસી સ્ટાન્ડર્ડ એસેટનાં ૨૦ ટકાનો હિસ્સો વહેંચી શકશે જેની કિંમત આશરે ૫ હજાર કરોડ રૂપિયા હોય. હાલ એનબીએફસીને તરલતાનો મુખ્ય પ્રશ્ર્ન સતાવી રહ્યો છે ત્યારે જો સરકાર આ ક્ષેત્રને બેઠુ કરવા માટે મહેનત કરે તો મોદી સરકાર દ્વારા પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને જે જીડીપી ગ્રોથમાં વધારો કરવાનું વિચારી રહી છે તે પૂર્ણ થઈ શકશે પરંતુ હાલ દેશની અર્થવ્યવસ્થાને મજબુત કરવા અને બેઠી કરવા એનબીએફસી ક્ષેત્રનું ઉભું થવું ફરજીયાત બન્યું છે.