કોરોનાની બીજી લહેરમાં વાયરસે જે રીતે ભારતમાં વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે તેનાથી દેશમાં સુનામી જેવી સ્થિતિ સર્જાઈ છે. એમાં પણ વકરતા વાયરસે ભારતના આરોગ્ય ક્ષેત્ર પર ઘણા સવાલો ઉભા કર્યા છે. એક તરફ વધતા કેસ તો બીજી તરફ ઓક્સિજન, રેમડેસિવિર ઈન્જેક્શન સહિતની જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછતે મોદી સરકારની કામગીરી પર પણ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. સામાન્ય લોકોથી માંડી મસમોટી હસ્તીઓ હાલની પરિસ્થિતિને જોઇને સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના વાઇસ પ્રેસિડન્ટ ડોક્ટર નવજોતસિંહ દહિયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે નિષ્ફળ સાબિત થયા છે.

વડાપ્રધાન પર શાબ્દિક હુમલો કરતા ડોક્ટર નવજોત સિંઘ દહીયાએ કહ્યું કે નરેન્દ્ર મોદી કોવિડ -19ની બીજી તરંગ દરમિયાન દેશમાં પ્રવર્તતી સ્થિતિ માટે ઉત્તમ અને ઝડપી પગલાં ભરવામાં સફળ રહ્યા નથી. તેમણે કહ્યું કે કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે ’નિષ્ફળ વડાપ્રધાન’ તરીકે સાબિત થયા હોવા છતાં, વડાપ્રધાન મોદી મતદાનવાળા રાજ્યોમાં મોટી રાજકીય રેલીઓ કરીને ’સુપર સ્પ્રેડર’ તરીકે ઉભરી આવ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારીની આવી વિકટ પરિસ્થિતિમાં તેમણે ’કુંભ મેળો’ ને મંજૂરી આપી જે વાઈરસને આમંત્રિત કરતો એક તદ્દન ખોટો નિર્ણય ગણી શકાય. એમાં પણ ચૂંટણી યોજવી અને મોટી મોટી રેલીઓ તેમજ મેળાવળાને સંબોધી લોકોને ભેગા કરવા તે પણ નિયમ ભંગ જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.