- 130થી 135 બેઠકો કબ્જે કરવાનો લક્ષ્યાંક, આ બેઠકોના સહારે જ લોકસભાનો જંગ ફતેહ કરવાનો વ્યૂહ: લેશન લેવામાં અને દેવામાં માહેર એવા મોદી ચૂંટણી પછી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ અને કચાશ રાખનારાઓનો વારો પાડશે
- વડાપ્રધાન કાલથી ફરી બે દિવસ ગુજરાતમાં : કાલે કલોલ, છોટાઉદેપુર અને હિંમતનગરમાં ચૂંટણી સભા, શુક્રવારે દિયોદર, પાટણ અને સોજીત્રામાં સભા સાથે અમદાવાદમાં 30 કિમીનો રોડ શો
વડાપ્રધાન મોદી થાકવાનું નામ લેતા નથી. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તેઓએ અઢળક સભાઓ ગજાવ્યા બાદ હજુ બીજા તબક્કાની ચૂંટણી માટે ઉપરાઉપરી સભાઓ યોજવાના છે. તેઓએ જાતે મોરચો સંભાળી 130થી 135 બેઠકો કબ્જે કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ બેઠકોના સહારે જ લોકસભાનો જંગ ફતેહ કરવાનો વ્યૂહ ઘડવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં કાલે મતદાન પ્રક્રિયા યોજનાર છે. સામે બીજા તબક્કામાં હવે પ્રચાર પ્રસારના અંતિમ દિવસો ચાલી રહ્યા હોય, તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં ખુદ વડાપ્રધાન મોદી પણ મેદાનમાં ઉતરીને જંગી પ્રચાર કરવાના છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન અગાઉ વડાપ્રધાન મોદી પ્રચંડ પ્રચાર કરશે. મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદી પહેલી અને બીજી ડિસેમ્બરના રોડ ગુજરાતમાં ચૂંટણી સભા સંબોધશે. વડાપ્રધાન મોદી પહેલી ડિસેમ્બરના રોજ કાલોલ, છોટાઉદેપુર અને હિંમતનગરમાં ચૂંટણી સભા સંબોધશે. જ્યારે બીજી ડિસેમ્બરે દિયોદર, પાટણ અને સોજીત્રામાં ચૂંટણી રેલીને સંબોધશે. તે સિવાય બીજી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદમાં રોડ શો કરશે અને જાહેરસભાને સંબોધન કરશે.
હાલ વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં 130થી 135 બેઠકો કબ્જે કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેથી આ મોટી જીતને દેશ સામે મૂકી ગુજરાત ભાજપનો ગઢ હોવાનું પુરવાર કરી શકાય અને વિધાનસભા બેઠકોની જીતના સહારે જ લોકસભાનો જંગ ફતેહ કરવાનો વ્યૂહ ઘડી શકાય. માટે મોદીની પ્રચારની આ કસરત ન માત્ર વિધાનસભા ચૂંટણી માટે પણ લોકસભા ચૂંટણી માટે પણ છે.
બીજી તરફ લેશન લેવામાં અને દેવામાં માહેર એવા મોદી ચૂંટણી પછી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ અને કચાશ રાખનારાઓનો વારો પાડશે તે પણ નક્કી છે. જે લોકોએ ટીકીટ ન મળતા અંદરખાને પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરી છે અને જે લોકોએ તૈયારીઓમાં કચાશ રાખી છે તેની સામે પગલાં લેવાની રૂપરેખા ચૂંટણી બાદ થશે તે પણ નક્કી થશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ ઉપર વડાપ્રધાન મોદીએ વિશેષ ધ્યાન આપ્યું છે. ગુજરાતમાં રાજકારણની પાઠશાળા સૌરાષ્ટ્ર રહ્યું છે. તેમાં પણ સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર રાજકોટ રહ્યું છે. રાજકોટથી ખુદ વડાપ્રધાન પ્રથમ ચૂંટણી લડ્યા હતા. એટલે મોદી સતત રાજકોટ પર ફોકસ કરી રહ્યા છે. આંતરિક જૂથવાદ, નવા ચહેરાઓને સ્થાન, પ્રજામાં અને કાર્યકરોમાં ખૂબ જ નીરસતા, ત્રીજા પક્ષના જોરનો ડર અને 2017ના ભંગાણનું ડેમેજ કંટ્રોલ સહિતના કારણોસર વડાપ્રધાન મોદીએ જાતે જ મોરચો સંભળ્યો છે. જો કે ભાજપનો એક માત્ર ચહેરો છે જે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 દિવસમાં ચાર વખત રાજકોટ જિલ્લાની મુલાકાત લીધી છે.
રાજકોટ આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે અને રાજકોટ મહાનગરમાં આવતી ચાર બેઠક, જેમાં રાજકોટ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામ્યનો સમાવેશ થાય છે. આ બેઠકો પૈકી એકમાત્ર રાજકોટ પૂર્વ બેઠક પર માત્ર એક વખત 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટાઇને વિધાનસભા સુધી પહોંચ્યા હતા. એ સમયે પણ ભાજપ, કોંગ્રેસ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ થયો હતો. આ જ રીતે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે, જેમાં કાંઈ કાચું કપાઈ નહીં એ માટે અને ભાજપના ગઢને સાચવવા માટે પ્રચારમાં ખુદ પ્રધાનમંત્રી મેદાને ઊતર્યા હતા.