અમદાવાદ ખાતે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે સરદાર સરોવર ડેમના સંદર્ભે કરી ટીપ્પણી
ગઈકાલે અમદાવાદ ખાતે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે સરદાર સરોવર ડેમના પ્રોજેકટ સંદર્ભે ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેકટ મામલે નરેન્દ્ર મોદીએ કયારેય મારો સંપર્ક કર્યો જ નથી.
પ્રથમ દરજ્જાના અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અમદાવાદ ખાતે વેપારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ, મંડળો તેમજ પ્રોફેશનલ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે પોતાના પ્રવચનમાં ઉપર મુજબ કહ્યું હતું. તેમણે જીએસટી અને નોટબંધીને લઈને પણ મોદી સરકાર ઉપર શાબ્દીક પ્રહાર કર્યા હતા.દેશના પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો.મનમોહનસિંઘે અમદાવાદમાં એમ કહ્યું હતું કે, નર્મદા પ્રોજેક્ટ મુદ્દે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ એકપણ વખત તેમને મળીને રજૂઆત કરી ન હતી. ડો. સિંઘે નોટબંધી અને જીએસટી મુદ્દે મોદી સરકાર પર ભારે પ્રહારો કરી જનતા અને દેશના અર્થતંત્રને ગંભીર ફટકો માર્યો હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. આની તીખી પ્રતિક્રિયા ભાજપે આપી છે. રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એવી ટિપ્પણી કરી છે કે, યુપીએ શાસનમાં થયેલા લાખો કરોડના ભ્રષ્ટાચાર, કૌભાંડો વખતે ડો.મનમોહનસિંઘ મૌન રહ્યા હતા અને હવે ગુજરાતમાં ચૂંટણી આવી એટલે અહીં બોલવા લાગ્યા છે. તેમણે ટ્વીટ કરીને પ્રશ્ન ઊઠાવ્યો છે કે, ડો.સિંઘને દસ વર્ષ સુધી નર્મદા યોજનાને આગળ વધતી, ઊંચાઇની મંજૂરી આપવામાં કોણ રોકી રહ્યું હતું . ખરેખર તો ડો.મનમોહનસિંઘે નર્મદા યોજનાને દસ વર્ષ સુધી રોકવા બદલ ગુજરાતની જનતાની માફી માગવી જોઇએ.
રૂપાણીએ જણાવ્યું છે કે, ભારતના ઇતિહાસમાં સૌથી વધારે ભ્રષ્ટ્ર અને કૌંભાડોથી ભરેલી યુપીએ સરકારનું નેતૃત્વ ડો.સિંઘ કરતા હતા. એમણે શા માટે આ બધું ચલાવી લીધું. જો તમે એક પરિવારને બદલે રાષ્ટ્રહિત વિચાર્યુ હોત તો પરિસ્થિતિ જુદી હોત. તેમણે ઉમેર્યું છે કે, અહીં આવીને બોલે છે, પણ એમના શાસનમાં વ્યવસાય, ઉદ્યોગ તેજ ગતિથી ચાલે એવી નીતિઓ બનાવવાને બદલે એમણે અર્થતંત્રનું ચક્ર જ થંભી જાય એવી અનિર્ણાયક સ્થિતિ સર્જી હતી. આવી ગંભીર સ્થિતિ સર્જવા બદલ જનતાની માફી માગવી જોઇએ. રૂપાણીએ ચોંકાવનારો મુદ્દો ઉપસ્થિત કરતાં પુછ્યું છે કે, શું યુપીએ શાસનમાં સર ક્રિકનો ભાગ પાકિસ્તાનને આપી દેવાની તૈયારીઓ ન હતી થઇ. દરમિયાન, અહીં એક પત્રકાર પરિષદમાં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે કહ્યું કે, નર્મદા પ્રોજેક્ટ મુદ્દે તત્કાલિન વડાપ્રધાન ડો.મનમોહનસિંઘ સમક્ષ નરેન્દ્રભાઇએ વારંવાર રજૂઆતો કરી હતી. પરંતુ કમનસીબી છે કે એ વખતે તેઓ કશુ સાંભળતા પણ ન હતા અને બોલતા પણ ન હતા. એની પાછળ કોંગ્રેસની રાજનીતિ હતી. નર્મદા ડેમની ઊંચાઇને મંજૂરી મળી જાય તો નરેન્દ્ર મોદીને જશ મળી જાય.