એચઆરડી મંત્રાલયનું નામ થયું શિક્ષણ મંત્રાલય
નવી શિક્ષણ નીતિમાં સ્ટોરી, રંગમંચ, સામૂહિક પાઠ, વાંચન, ચિત્રોનું પ્રદર્શન, ભાષા અને ગણિત પર ભાર આપવામાં આવશે
સંપૂર્ણ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક જ રેગ્યુલેટરી બોડી બનાવાશે જેથી શિક્ષણ ક્ષેત્રની અવ્યવસ્થાને ખતમ કરી શકાશે
માનવ સંશાધન વિકાસ મંત્રાલયનું નામ હવે શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેબીનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલય એટલે કે, એચઆરડીનું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. આ બેઠક દરમિયાન નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ અંગે સરકાર તરફથી સાંજે કેબીનેટ બ્રિફીંગમાં જાણકારી આપવામાં આવશે.
થોડા સમય પહેલા માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે, મંત્રાલયનું હાલનું નામ બદલી શિક્ષણ મંત્રાલય કરવામાં આવે આ પ્રસ્તાવને આજે મોદી કેબીનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને તેની સાથો સાથ નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત હવે સંપૂર્ણ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક જ રેગ્યુલેટરી બોડી હશે જેથી શિક્ષણ ક્ષેત્રની અવ્યવસ્થાને ખતમ કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ વચ્ચે આજે મોદી કેબીનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં ખાસ શિક્ષણ ક્ષેત્રનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સંપૂર્ણ શિક્ષણ ક્ષેત્રે નવી શિક્ષા નીતિને મોદી કેબીનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને આ નવી શિક્ષણ નીતિમાં સ્ટોરી, રંગમંચ, સામૂહિક પાઠ, વાંચન, ચિત્રોનું પ્રદર્શન, લેખન, કૌશલ્ય, ભાષા અને ગણીત પર ભાર આપવામાં આવશે. આ ઉપરાંત નવી શિક્ષા નિતીથી દેશના માત્ર યુવાઓને જ શિક્ષણની નવી તકો તો મળશે જ પરંતુ રોજગારી પ્રાપ્ત કરવામાં પણ સરળતા રહેશે. નવી શિક્ષણ નીતિથી અનેકવિધ પરિવર્તનો દેશમાં આવશે તેમજ સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રની અવ્યવસ્થા ન સર્જાય તે માટે રેગ્યુલેટરી બોડી બનાવવામાં આવશે જેથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ફાયદો થશે.
સાથો સાથ સ્થાનિક ભાષા પર પણ જોર આપવામાં આવશે. સ્કૂલોમાં સંસ્કૃત ઉપરાંત તેલુગુ, તમિલ અને મલીયાલમ ભાષાને પણ સામેલ કરી શકાય છે. શિક્ષણાના ક્ષેત્રમાં મોટા બદલાવની જરૂરત છે જેમાંથી ભારત જ્ઞાનનું સુપર પાવર બની શકે. સાથો સાથ નવી શિક્ષા નીતિમાં રમત-ગમતના પાઠ્યક્રમ ઉમેરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને કોર્ષ પસંદ કરવાની આઝાદી હશે અને સ્કીલ પર પણ ખાસ ધ્યાન અપાશે.
આ ઉપરાંત વિસ્તૃત વિગત સાંજના આવ્યા બાદ આરટીઈ એકટમાં પણ બદલાવનો નિર્ણય થઈ શકે તેમ છે. જેમાં બાળકોને નિશુલ્ક શિક્ષણ આપવામાં આવશે અને આમાં પ્રિ-પ્રાયમરી સામેલ થવાની પુરેપુરી શકયતા છે. આ ઉપરાંત યુજીસી અને એઆઈસીટીઈએને એક સાથે લાવવાની શિક્ષણ મંત્રાલય તૈયારી કરી રહ્યું છે.
નવ વર્ષનાં લાંબા ગાળા બાદ ‘સોમા’ની ચૂંટણી યોજાય એ પહેલા જ પ્રમુખનું નામ મતદાર યાદીમાંથી ગુમ
પ્રમુખ સમીર શાહે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા; શુક્રવારે સુનાવણી
નવ વર્ષ બાદ થઈ રહેલી સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિએશનની ચૂંટણી પૂર્વે જ વધુ એક વિવાદ થયો છે. સોમાના પ્રમુખ સમીરભાઈ શાહનું નામ મતદાર યાદીમાંથી નીકળી ગયું હતુ આ અંગે સમીર શાહે હાઈકોર્ટમાં દાદ માગી છે. હાઈકોર્ટો આ અરજી દાખલ કરી વધુ સુનાવણી તા.૩૧ જુલાઈના રોજ રાખી હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્ર ઓઈલ મીલ્સ એસોસિએશનની ચૂંટણી નવ વર્ષ બાદ યોજાઈ રહી છે. ત્યારે અગાઉ પણ વિવાદ થયા હતા હવે વર્તમાન પ્રમુખ સમીરભાઈ શાહનું નામ મતદાર યાદીમાંથી નામ યેનકેન પ્રકારે નીકળી ગયું હતુ મતદાર યાદીમાં પોતાનું નામ જ નથી તેવી જાણ થતા સોમા પ્રમુખે તપાસ હાથ ધરી હતી.
સોમા પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું હતુ કે મેં એસોસિએશન સભ્ય ફી ભરી હતી આમ છતા મારૂ નામ એસો.ની મતદાર યાદીમાંથી નીકળી ગયું છે. આ ચૂંટણી જંગમાં લડવાનું નકકી જ હતુ એટલે મારૂ નામ નીકળી જતા મે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઈકોર્ટે અમારી અરજી દાખલ કરી છે અને આ અંગેની વિસ્તૃત સુનાવણી તા.૩૧ જુલાઈને શુક્રવારના રોજ રાખી છે. સોમાએ સૌરાષ્ટ્રની ઓઈલ મીલોની મહત્વની સંસ્થા છે.
ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં મગફળીનું મોટાપાયે વાવેતર થયું છે. અને સારા વરસાદથી વધારે ઉત્પાદનની આશા પણ છે. ત્યારે તાજેતરમાં જ સોમા પ્રમુખ સમીરભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિસ્તૃત પત્ર પાઠવી મગફળી ઉત્પાદન ખેડુતોને પૂરતા ભાવ મળે દેશમાં ગ્રાહકો પણ પૂરતો ઉપયોગ કરે અને માલનો પણ યોગ્ય નિકાલ થાય તેમાટે કેટલાક મહત્વના સુચનો પણ કર્યા હતા આ અંગે સોમાના પ્રતિનિધિ મંડળે વડાપ્રધાનને મળવાની પણ તૈયારી બતાવી હતી. પણ હાલ સોમાના પ્રમુખનું નામ મતદાર યાદીમાંથી જ નીકળી જતા ફરી વિવાદ સર્જાયો છે.