વિજયભાઈ રૂપાણી અને હિતેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રી પદ 5 વર્ષથી વધુ ભોગવ્યું પરંતુ અલગ અલગ બે ટર્મમાં: મુખ્યમંત્રી તરીકેનો પાંચ વર્ષનો કાર્યકાળ મોટાભાગના નેતાઓ પૂર્ણ કરી શક્યા નથી અથવા તેઓની પાસેથી અકાળે રાજીનામા લઈ લેવામાં આવ્યા છે
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી ગત શનિવારે વિજયભાઈ રૂપાણીએ અણધાર્યું રાજીનામુ આપી દેતા રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયું છે અને ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા છે. ભારતના સૌથી વિકસીત રાજ્યોમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ગુજરાતમાં 16 પૈકી માત્ર 2 જ મુખ્યમંત્રી એવા છે કે જે 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા છે. જેમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માધવસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. જ્યારે 14 મુખ્યમંત્રીઓએ એક યા બીજા કારણોસર અધવચ્ચે સીએમ પદ છોડવું પડ્યું છે. વિજયભાઈ રૂપાણી અને હિતેન્દ્રભાઈ દેસાઈએ 5 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ ચોક્કસ ભોગવ્યું હતું પરંતુ બે અલગ અલગ ટર્મમાં તેઓની ખુરશી ટકી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી પદે સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધરાવે છે. તેઓ 7 ઓકટોબર 2001 થી 22 મે 2022 સુધી એમ 12 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે રાજ્યના મુખ્યમંત્રી રહ્યાં હતા. હાલ તેઓ દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યાં છે. જ્યારે માધવસિંહ સોલંકીએ પણ મુખ્યમંત્રી તરીકેનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ ર્ક્યો હતો. ગુજરાત રાજ્યની સ્થાપના 1લી મે 1960ના રોજ કરવામાં આવી હતી. જીવરાજભાઈ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી રહ્યાં હતા. તેઓએ 3 વર્ષ સુધી બે ટર્મ માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. જ્યારે બળવંતરાય મહેતા રાજ્યના બીજા મુખ્યમંત્રી રહ્યાં હતા. તેઓ 19 સપ્ટેમ્બર 1963 થી 19 સપ્ટેમ્બર 1965 સુધી બે વર્ષ મુખ્યમંત્રી રહ્યાં હતા. આ ઉપરાંત કોંગ્રેસના હિતેન્દ્રભાઈ દેસાઈએ 5 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ ભોગવ્યું હતું પરંતુ તેઓ બે ટર્મ આ પદ પર સેવા આપી હતી.
19 સપ્ટેમ્બર 1965 થી 3 એપ્રિલ 1967 સુધી અને ત્યારબાદ 3 એપ્રીલ 1967 થી 12 મે 1971 સુધી તેઓ મુખ્યમંત્રી રહ્યાં હતા. 13 મે 1971 થી 17 માર્ચ 1972 સુધી ગુજરાતમાં 309 દિવસ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન રહ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના ઘનશ્યામભાઈ ઓઝા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા જે 1 વર્ષ સુધી રહ્યાં બાદ રાજ્યમાં ફરી 9 ફેબ્રુઆરી 1974 થી 18 જૂન 1975 સુધી એક વર્ષ માટે રાષ્ટ્રપતિ શાસનનો બીજો તબક્કો રહ્યો હતો. 18 જૂન 1975 થી 12 માર્ચ 1976 સુધી એક વર્ષથી પણ ઓછા સમય માટે કોંગ્રેસ અને જનતા મોર્ચાના બાબુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. 12 માર્ચ 1976 થી 24 ડિસેમ્બર 1976 સુધી ત્રીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું જે હટ્યા બાદ કોંગ્રેસના માધવસિંહ સોલંકી 14 ડિસેમ્બર 1976 થી 10 એપ્રીલ 1977 એમ 107 દિવસ સુધી મુખ્યમંત્રી પદે રહ્યાં હતા. ત્યારબાદ ફરી જનતા પાર્ટીના બાબુભાઈ પટેલની સરકાર આવી હતી. તેઓ 11 એપ્રીલ 1977 થી 17 ફેબ્રુઆરી 1980 સુધી 3 વર્ષ માટે મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થયા હતા.
17 ફેબ્રુઆરી 1980 થી 6 જૂન 1980 ગુજરાતમાં ચોથી વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું ત્યારબાદ ફરી માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા હતા. તેઓએ 7 જૂન 1980 થી 10 માર્ચ 1985 સુધી કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી રહ્યાં હતા. જો કે, તેમનો બીજો કાર્યકાળ 11 માર્ચ 1985 થી 6 જુલાઈ 1985 સુધી એમ માત્ર 3 મહિનાનો રહ્યો હતો. કોંગ્રેસે નેતૃત્વ પરિવર્તન કરી માધવસિંહ સોલંકીની જગ્યાએ અમરસિંહ ચૌધરીને ગુજરાતની શાસન ધુરા સોંપી હતી.
તેઓ 6 જુલાઈ 1985 થી 6 ડિસેમ્બર 1989 સુધી એમ ચાર વર્ષથી પણ વધુ સમય મુખ્યમંત્રી પદે રહ્યા હતા. ત્યારબાદ ફરી એક વખત ગુજરાતમાં માધવસિંહ સોલંકીનું શાસન આવ્યું હતું. તેઓ 10 ડિસેમ્બર 1989 થી 3 માર્ચ 1990 સુધી એમ 83 દિવસ મુખ્યમંત્રી તરીકે ફરી પરત ફર્યા હતા.
જનતા દળના ચીમનભાઈ પટેલ 4 માર્ચ 1990 થી 25 ઓકટોબર 1990 અને ફરી 25 ઓકટોબર 1990 થી 17 ફેબ્રુઆરી 1994 સુધી એમ સાડા ત્રણ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યાં હતા. તેઓના સ્થાને કોંગ્રેસના છબીલ મહેતાએ ચીમનભાઈ પટેલની જગ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી તેઓ એક વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહ્યાં જે કોંગ્રેસના છેલ્લા મુખ્યમંત્રી સાબીત થયા.
14 માર્ચ 1995ના રોજ ગુજરાતમાં ભાજપનો ઉદય થયો અને કેશુભાઈ પટેલ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી રહ્યાં. તેઓએ 21 ઓકટોબર 1995 સુધી 221 દિવસ મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી. ત્યારબાદ 21 ઓકટોબરથી 9 સપ્ટેમ્બર સુધી ભાજપના નેતૃત્વએ કેશુભાઈ પટેલની જગ્યાએ સુરેશભાઈ મહેતાને મુખ્યમંત્રીની ખુરશી સોંપી તેઓએ 334 દિવસ ગુજરાત પર રાજ ર્ક્યું. ફરી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું. 19 સપ્ટેમ્બર 1996 થી 23 ઓકટોબર 1996 સુધીના સમયગાળામાં ગુજરાતમાં 5મી વખત અને છેલ્લી વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. ભાજપ સાથે છેડો ફાડી શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ની રચના કરી અને 23 ઓકટોબર 1996 થી 27 ઓકટોબર 1997 સુધી એક વર્ષ માટે મુખ્યમંત્રી પદ ભોગવ્યું. ત્યારબાદ રાજપાના દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ માત્ર 188 દિવસ જ મુખ્યમંત્રી પદે રહ્યાં હતા.
ફરી એક વખત રાજ્યમાં ભાજપનો સૂર્યોદય થયો અને કેશુભાઈ પટેલ સત્તામાં પરત ફર્યા બે ટર્મ માટે તેઓ મુખ્યમંત્રી પદે રહ્યાં. અંદરો-અંદરની લડાઈ અને વહીવટી ખામીના કારણે ફરીવાર ભાજપે ગુજરાતમાં પરિવર્તન ર્ક્યું અને કેશુભાઈની જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. તેઓએ 7 ઓકટોબર 2001 થી 22 મે 2014 સુધી 12 વર્ષથી વધુ સમયગાળા માટે મુખ્યમંત્રી પદે રહેવાનો રેકોર્ડ બનાવ્યો અને બે વાર મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
વડાપ્રધાન તરીકે સત્તારૂઢ થતાં તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું રાજીનામુ આપી દેતા ઉત્તરપ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલને ગુજરાતની શાસન ધુરા સોંપવામાં આવી. 22 મે 2014 થી 7 ઓગસ્ટ 2016 સુધી તેઓ મુખ્યમંત્રી પદે રહ્યાં. 2017ની વિધાનસભાની ચૂંટણીના સવા વર્ષ પહેલા તેઓના સ્થાને વિજયભાઈ રૂપાણીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી. ગત 7 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી તરીકે તેઓએ 5 વર્ષ પૂર્ણ ર્ક્યા પરંતુ તેઓની ટર્મ અલગ અલગ રહી હતી.
ગુજરાતમાં કુલ 16 મુખ્યમંત્રી સત્તારૂઢ થયા છે. જેમાં નરેન્દ્રભાઈ મોદી અને માધવસિંહ સોલંકી માત્ર બે જ એવા સીએમ છે જેઓએ પોતાનો કાર્યકાળ પૂર્ણ ર્ક્યો હોય. બાકીના 14 મુખ્યમંત્રીઓએ અધવચ્ચે જ રાજીનામા આપી દેવા પડ્યા હતા. વિજયભાઈ રૂપાણી અને હિતેન્દ્ર દેસાઈએ ચોક્કસ મુખ્યમંત્રી તરીકે 5 વર્ષથી વધુનો મુખ્યમંત્રી પદ ભોગવ્યું પરંતુ તે બન્નેની ટર્મ અલગ અલગ હતી.