• 2030 સુધીમાં ધરખમ ફેરફારો થશે : ત્રીજા કાર્યકાળ માટે ન્યાય પ્રણાલી, સંરક્ષણ, ઉદ્યોગ, ઓટોમોબાઈલ, ટેક્સટાઇલ, ફાર્મા, પર્યટન સહિતના ક્ષેત્રે ધડાધડ નિર્ણયો લેવાશે
  • સંરક્ષણ ખર્ચને જીડીપીના 2.4% થી વધારીને 3% કરવા તેમજ ઔદ્યોગિક ક્ષેત્રનું યોગદાન 28%થી વધારીને 32.5% કરવાનું લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જો ત્રીજો કાર્યકાળ મળે છે. તો 2030 સુધીમાં દેશના અનેક ક્ષેત્રોમાં ધરખમ ફેરફારો થશે. આગામી 6 વર્ષમાં અડચણો દૂર કરી વિકાસને વેગવંતો કરાશે. હાલ આગામી કાર્યકાળ માટે મોદી સરકારે અનેક મંત્રાલય પાસે વિવિધ પ્રોજેકટ પાઇપલાઇનમાં રખાવ્યા છે. નવી સરકાર રચાયા બાદ ધડાધડ નિર્ણયો લેવામાં આવશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ વારંવાર જાહેર કર્યું કે તેઓ ત્રીજી મુદત મેળવવાનું નિશ્ચિત છે અને પાયાના સ્તરે કામ કરવાનો ઇરાદો ધરાવે છે, ટોચના સરકારી અધિકારીઓ નવી વ્યવસ્થા માટે એક એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છે. જેમાં ન્યાય પ્રણાલી, સંરક્ષણ, ઉદ્યોગ, ઓટોમોબાઈલ, ટેક્સટાઇલ, ફાર્મા, પર્યટન સહિતના ક્ષેત્રનો સમાવેશ થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ ખાનગી રોકાણ અને પ્રાધાન્યતા પ્રોજેક્ટ્સ માટે સરળ જમીન સંપાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

વધુમાં મંત્રાલયો દ્વારા 2030 માટે મધ્યમ ગાળાના લક્ષ્યો અને 2047 માટે લાંબા ગાળાના લક્ષ્યાંકો નક્કી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હાલમાં, સંરક્ષણ ખર્ચને જીડીપીના 2.4% થી વધારીને 3% કરવા અને સંશોધન અને વિકાસ માટે સંરક્ષણ બજેટનો હિસ્સો 2% થી વધારીને 3% કરવા પર પણ ચર્ચા થઈ રહી છે.  વિઝન ડોક્યુમેન્ટ આ સમયગાળા દરમિયાન વૈશ્વિક શસ્ત્રોની આયાતમાં ભારતનો હિસ્સો અડધો કરવાની કલ્પના કરે છે.  આ દર્શાવે છે કે સરકાર સંરક્ષણ સાધનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તેના પ્રયત્નોને બમણા કરવા માંગે છે.

આર્થિક મોરચે, લક્ષ્યાંક ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, ફાર્મા, પ્રવાસન અને સેવાઓ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઉત્પાદન અને નિકાસનો હિસ્સો વધારવા તરફ નિર્દેશ કરે છે.  2030 સુધીમાં જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રનું યોગદાન 28% થી વધારીને 32.5% કરવાનું લક્ષ્ય છે.

જો કે આમાંના ઘણા મુદ્દાઓ પર પહેલા પણ ચર્ચા કરવામાં આવી છે, પરંતુ ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન સાથેની ચર્ચાએ તેમને એજન્ડા પર પાછા લાવ્યા છે.

.તારીખ પે તારીખ ભૂતકાળ બનાવી દેવાશે

અદાલતોમાં કેસ નિકાલનો સમય અડધો અડધ કરી દેવાશે

સૂત્રોએ જણાવ્યું હતું કે અદાલતોમાં પડતર કેસોની સંખ્યા વર્તમાન 5 કરોડથી ઘટાડીને 2030 સુધીમાં 1 કરોડથી ઓછી કરવા અને નીચલી ન્યાયિક પ્રણાલીમાં કેસોના નિકાલ માટેનો સમય 2,184 દિવસથી ઘટાડીને 1,000 દિવસ કરવા માટે ચર્ચા ચાલી રહી છે. ઉચ્ચ અદાલતોના કિસ્સામાં, નિકાલનો સમયગાળો વર્તમાન 1,128 દિવસથી ઘટાડીને 2030 સુધીમાં 500 દિવસથી ઓછો કરવાનો લક્ષ્યાંક છે. જેના માટે અદાલતોમાં વધુ ન્યાયાધીશોની જરૂર પડશે.  આગામી છ વર્ષમાં ન્યાયતંત્રમાં ખાલી જગ્યાઓ 22% થી ઘટાડીને 10% કરવાની યોજના છે.

પ્રધાનોની સંખ્યા અડધો અડધ કરી દેવાશે

સચિવો અને મંત્રાલયો સાથેની તેમની બેઠકો દરમિયાન, નાગરિક કર્મચારીઓએ પરિવહન ક્ષેત્રે મંત્રાલયો વચ્ચે સંકલન માટે હાકલ કરી હતી.  કેબિનેટ સચિવ સ્તરની ચર્ચામાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચીન 26, બ્રાઝિલ 23 અને યુએસ 15  મંત્રાલયો સાથે કામ કરે છે. આમ ઓછા મંત્રાલય હોવા એ સરળ વહીવટી કાર્યવાહી માટે જરૂરી છે. આ માટે મોદી સરકાર આગામી ટર્મમાં મંત્રાલયોની સંખ્યા ઘટાડે તેવી શકયતા છે. એટલે પ્રધાનોની સંખ્યા પણ અડધી થઈ જાય તેવી સંભાવના છે.

મહિલાઓનું યોગદાન 37 ટકાથી વધારી 50 ટકા કરાશે

કેબિનેટ સચિવ દ્વારા આ મહિને બોલાવવામાં આવેલી બેઠકો દરમિયાન ચર્ચા કરવા માટેના ડ્રાફ્ટ પેપરમાં 2030 સુધીમાં પેન્શન લાભો સાથે વરિષ્ઠ નાગરિકોનો હિસ્સો 22% થી વધારીને 50% કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, તેમજ કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારીને 37%થી 50 % કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે વર્તમાન વૈશ્વિક સરેરાશ 47% કરતા વધારે છે. વાહન વેચાણમાં તેમનો હિસ્સો 7% થી વધારીને 30% કરવાના લક્ષ્યાંકથી ઈ-વાહનો પરનો ભાર સ્પષ્ટ છે.

2019માં સર્જીકલ સ્ટ્રાઇક, 2024માં ગોરીલા પદ્ધતિથી દુશ્મનોનો ખાત્મો મોદી માટે આશીર્વાદરૂપ ?

ભારતના એજન્ટો પાકિસ્તાનના રહી એક પછી એક 20 આતંકીઓને ઠાર કર્યાનો ધ ગાર્ડીયનનો રિપોર્ટ : સરકારનો આ વિશે નનૈયો

વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા જ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો. જેનો ફાયદો મોદી સરકારને ચૂંટણીમાં થયો હતો. હવે 2024માં પણ આવું જ થવા જઈ રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર ભારતના એજન્ટો પાકિસ્તાનમાં રહીને ગોરીલા પદ્ધતિથી એક પછી એક 20 આતંકવાદીઓને મારી નાખ્યા છે. હવે આ મુદ્દો લોકસભામાં મોદી સરકાર માટે આશીર્વાદરૂપ બનશે કે કેમ તેવા પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

ભારત હવે દરેક મુદ્દે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે.  સર્જિકલ સ્ટ્રાઈક હોય કે આંતરરાષ્ટ્રીય મંચ, પાકિસ્તાનને ખુલ્લેઆમ જવાબ આપવામાં આવી રહ્યો છે. સાથે જ પડોશી દેશમાં ભારતના દુશ્મનોનો પણ નાશ થઈ રહ્યો છે.  એક પછી એક 20 આતંકવાદીઓની હત્યા થઈ છે. હવે બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને આ અંગે મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે આની પાછળ ભારતનો હાથ છે.  બ્રિટિશ અખબારે દાવો કર્યો છે કે આની પાછળ ભારતની ગુપ્તચર એજન્સી રોનો હાથ છે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પીએમ મોદી આ આદેશ એટલા માટે આપી રહ્યા છે કારણ કે તેઓ રોને નિયંત્રિત કરે છે.  એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર વિદેશમાં એવા દુશ્મનોને ખતમ કરી રહી છે જેઓ ભારત માટે ખતરો છે. ભારત સરકારે બ્રિટિશ મીડિયાના દાવાને ફગાવી દીધા છે.  સરકારે આરોપોને નકારી કાઢતા કહ્યું કે ભારત ક્યારેય લક્ષ્યાંકિત હત્યાઓ કરતું નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે 2019માં પુલવામા હુમલા બાદ રાષ્ટ્રીય સુરક્ષા માટેના બોલ્ડ અભિગમના ભાગરૂપે આ ઓપરેશન્સ હાથ ધર્યા છે.  રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં 2020 થી અત્યાર સુધીમાં લગભગ 20 હત્યાઓ થઈ છે, જે અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવી છે.

એવો પણ દાવો કરવામાં આવે છે કે પાકિસ્તાની તપાસકર્તાઓએ શોધી કાઢ્યું હતું કે લતીફને શોધવા માટે એક ગુપ્ત ભારતીય એજન્ટ દ્વારા હત્યારાને કથિત રીતે લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

25 ‘ગેરેન્ટી’ સાથેનો કોંગ્રેસનો મેનિફેસ્ટો

કોંગ્રેસ સમલૈંગિક સંબંધોને માન્યતા અને સમાન નાગરિક ધારાની મોકૂફી રાખશે

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેનો ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં મહિલાઓ, યુવાનો, કામદારો અને પછાત વર્ગો જેવી વસ્તી વિષયક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સાથે કોંગ્રેસે 5 ન્યાય અને 25 ગેરંટીનો વાયદો આપ્યો છે. તેમજ તેણે જાહેરાત કરી છે કે જો તે સત્તામાં આવશે તો  તેણે ગરીબ પરિવારોને દર વર્ષે 1 લાખ રૂપિયા આપવાનું, એમએસપી પર કાયદો ઘડવાનું અને અગ્નિપથ સંરક્ષણ ભરતી યોજના નાબૂદ કરવાનું વચન આપ્યું છે.  ઉપરાંત તેઓએ ગે યુગલોના અધિકારોને સુરક્ષિત કરવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વધુમાં તેને સામલૈંગિક સંબંધોને માન્યતા આપવાનું પણ એલાન કર્યું છે. વધુમાં કોંગ્રેસે સમાન નાગરિકત્વ ધારાની અમલવારી રોકવાની પણ જાહેરાત કરી છે. ઉપરાંત તેઓએ બુલડોઝર ચલાવી ડીમોલેશન ન કરવાનો પણ સંકેત આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.