દેશ બદલ રહા હૈ…!

એનડીએ સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી પાછળ ૧૩૦ કરોડ દેશવાસીઓની પ્રેરણા: મોદી

વિશ્વભરમાં ભારત દેશે તેની આગવી છાપ ઉભી કરી છે ત્યારે નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશ દ્વારા એવા અનેકકાર્યો પૂર્ણ કરી સિઘ્ધ કરાયા છે જેનાથી દેશની એક આગવી ઓળખ ઉભી થઈ છે. આ કળાને ધ્યાને લઈ દેશવાસીઓએ બીજી વખત નરેન્દ્ર મોદીને ચુંટી દેશની બાગડોળ સંભાળવા આપી હતી ત્યારે એનડીએ સરકારનાં બીજી ટર્મનાં પ્રથમ ૧૦૦ દિવસ પૂર્ણ થતા રોહતક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે જનમેદનીને સંબોધી હતી અને તેમનાં ૧૦૦ દિવસનાં કાર્યકાળનાં લેખા-જોખા પણ રજુ કર્યા હતા. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, એનડીએ સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી પાછળ ૧૩૦ કરોડ દેશવાસીઓની પ્રેરણા રહેલી છે. જેનાં ફળસ્વરૂપે આ ૧૦૦ દિવસમાં પરિવર્તન, વિશ્વાસ અને વિકાસનાં મુદ્દે સરકારે આગેકુચ કરી છે. આ તકે વડાપ્રધાને જણાવ્યું હતું કે, આવનારા સમયમાં દેશને જે બદલાવ જોવા મળી રહ્યો છે તેનો લાભ પૂર્ણત: મળશે.

તેમણે કહ્યું કે, આ ૧૦૦ દિવસ વિકાસ અને વિશ્વાસના રહ્યા છે, દેશમાં મોટા પરિવર્તન થઇ રહ્યા છે. આ સો દિવસ નિર્ણય, નિષ્ઠા અને સારી નિયતના રહ્યા છે. મોદીએ કહ્યું કે આ વખતે સંસદ સત્રમાં જેટલા બિલ પાસ થયા , જેટલું કામ થયું તેટલું કામ સંસદના કોઇ સત્રમાં છેલ્લા છ દાયકામાં નથી થયું. ખેતીથી લઇને રાષ્ટ્ર સુરક્ષાથી જોડાયેલા મોટા નિર્ણય સરકાર કરી શકી છે. આતંકવાદથી છૂટકારો મેળવવા, મુસ્લિમ બહેનોના અધિકારોની સુરક્ષા માટે ઘણા કાયદા બનાવ્યા. મોદીએ કહ્યું કે ગત પાંચ વર્ષોમાં હરિયાણાને ભાજની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ડબલ એન્જિનનો પૂરો લાભ મળ્યો છે. વર્તમાનમાં હરિયાણામાં કેન્દ્ર સરકારની મદદથી લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયાના મોટા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. ગત પાંચ વર્ષોમાં હરિયાણામાં પરિવારવાદ અને ભ્રષ્ટાચાર પર આકરો પ્રહાર કરવામાં આવ્યો છે. સરકારી નોકરીઓમાં ખોટી પરંપરાઓને ખતમ કરવામાં આવી છે. આ પાંચ વર્ષોમાં બેરોજગાર યુવાઓના કૌશલ્યથી લઇને તેમને મળનારી મદદમાં વૃદ્ધિ કરવામાં આવી છે.

તેમણે કહ્યું, હરિયાણામાં પહેલા એ મુખ્યમંત્રી બનતા હતા જે દિલ્હીમાં ટ્રક ભરીને લોકોને લઇ આવે અને પ્રધાનમંત્રીના ઘરની બહાર ઢોલ અને નગારા વગાડીને પ્રધાનમંત્રીની જયજયકાર કરે. પાછલા પાંચ વર્ષોમાં અહીંયા મુખ્યમંત્રીઓને ટ્રક ભરવાનું કામ નથી કરવુ પડ્યું. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની ૧૮ ઓગસ્ટથી શરુ થયેલી જન આશીર્વાદ યાત્રાનું આજે સમાપન થયું હતું. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આચારસંહિતા લાગૂ થઇ શકે છે. પ્રધાનમંત્રીની આ રેલીમાં નેતાઓની લોકપ્રિયતા અને સમર્થનનો હિસાબ પણ ભાજપ સંગઠન રાખશે. રેલી સ્થળ સુધી જતા દરેક માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તેનાથી એ નિશ્વિત થશે કે નેતા તેમની રેલીમાં કેટલા સમર્થકો લઇને પહોંચી રહ્યા છે. રેલી શરુ થવાથી લઇને તેના ખતમ થવા સુધી સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. મોદી બીજી વખત ચુંટાતા સરકારનાં ૧૦૦ દિવસની કામગીરીનાં લેખા-જોખા જયારે વડાપ્રધાને દેશવાસીઓ સમક્ષ મુકયા ત્યારે વિપક્ષો દ્વારા પણ શાબ્દીક પ્રહારો શરૂ કરવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધીએ કહ્યું અર્થતંત્ર બરબાદ કરીને સરકાર મૌન છે. કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કાવ્યમય અંદાજમાં નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કરી કે, ચૌપટ, મૌન બેઠી હૈ સરકાર, સંકટ મેં હૈ કંપનીયાં, ઠપ હો રહા વ્યાપાર, ડ્રામે સે, છલ સે, જૂઠ સે, પ્રચાર સે કરકે કપટ, જન-ધન સે છુપા રહે, દેશ કી હાલત વિકટ, ૧૦૦ દિન મેં નહીં વિકાસ. કોંગ્રેસે એક વીડિયો ટ્વિટ કરીને ઉદ્યોગ જગતમાં મંદીની આહટને લઈને મોદી સરકારને ઘેરી હતી. પ્રિયંકાએ તે વીડિયો પણ રિટ્વિટ કરીને સરકારની ટીકા કરી હતી. સાથોસાથ રાહુલ ગાંધીએ પણ કટાક્ષ કરતા કહ્યું હતું કે, મોદી સરકારનાં ૧૦૦ દિવસની કામગીરી વિકાસ વગરની કામગીરી ગણાવી હતી અને કટાક્ષ કરતા અભિનંદન પણ પાઠવ્યા હતા.

મોદી સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે સ્વપ્ન સેવવામાં આવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી સુધી પહોંચાડવામાં આવે અને દેશનો જીડીપી દર ૮ ટકાએ પહોંચે તે દિશામાં મોદી સરકાર દ્વારા તેના પ્રથમ ૧૦૦ દિવસના લેખા જોખામાં તેમના ભવિષ્યની યોજનાની ઝાંખી દેખાય છે ત્યારે વિપક્ષીઓ દ્વારા પણ અનેકવિધ શાબ્દિક પ્રહારો અને આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે કેન્દ્ર સરકારે એવા એકપણ કાર્યો પૂર્ણ કર્યા નથી જે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે યોગ્ય હોય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.