રેલવેને અત્યાધુનિકની સાથે વધુ ઝડપી અને સરળ બનાવવા માટે મોદી સરકારે કમર કસી છે. ત્યારે રેલવે મુસાફરીને સલામતી બક્ષવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આજની કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. જે અનુસાર હવે રેલવે 5G સ્પેક્ટ્રમ પર કામ કરશે. તે માટે પ્રોજેકટ પર કામગીરી શરૂ કરી દેવાઈ છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રેલ્વે મુસાફરોની યાત્રા સલામત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે ભારતીય રેલ્વેને 700 મેગાહર્ટઝ બેન્ડમાં 5 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રેલ્વે આ દ્વારા તેની સંચાર પ્રણાલીમાં સુધારણા કરશે અને રેલ મુસાફરીને વધુ સલામત બનાવશે. તેમણે વધુમાં જણાવતાં કહ્યું કે હાલમાં રેલ્વે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરે છે.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે માહિતી આપતા જણાવ્યું કે સ્પેક્ટ્રમની ઉપલબ્ધતા સાથે રેડિયો કમ્યુનિકેશન કરવામાં આવશે. તો આ સાથે કેન્દ્રીય મંત્રીમંડળએ રામગુંદમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (રામાગુંદમ ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડમાં રોકાણ વધારવા માટેની પણ મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રીમંડળે નવી રોકાણ નીતિ (એનઆઈપી)-2012ની અમલીકરણને મંજુરી પ્રદાન કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે આજ રોજ વર્ષ 2021-22 માટે ખરીફ પાક માટેના એમએસપીને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે કહ્યું કે પાછલા વર્ષની તુલનામાં એમએસપીમાં સૌથી વધુ વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. તલમાં પ્રતિ ક્વિન્ટલ રૂ .452નો વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. તો તુવેર અને અડદના લઘુતમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 300નો વધારાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે મોદી સરકાર દેશના ખેડુતોની આવક બમણી કરવા કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ખરીફ માર્કેટિંગ સીઝન 2021-22 માટે તમામ ખરીફ પાક માટે લઘુતમ ટેકાના ભાવને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે, મોદી સરકારનો એમએસપીને ઉત્પાદન ખર્ચના 1.5 ગણા સ્તરે (અથવા ઉત્પાદનના ખર્ચ પર ઓછામાં ઓછો 50 ટકા નફો) સુધારવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે.