કોચમાં અનેક નવી સુવિધાઓ આકર્ષણનું કેન્દ્ર: ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત પોસ્ટર લગાડવામાં આવ્યા
પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનમાં ઉત્કૃષ્ટ પરિયોજના અંતર્ગત નવી-નવી સુવિધાઓ આવી રહી છે. જેમાં ઓખા-વારાણસી, ઓખા-જયપુર અને સૌરાષ્ટ્ર જનતા ટ્રેન બાદ હવે ઓખા સરાઈ રોહિલા અને રાજકોટ રીવા એકસપ્રેસ ટ્રેનોનાં પરંપરાગત કોચની જગ્યાએ અત્યાધુનિક કોચ લગાડવાનો પ્રારંભ થયો છે. જેનાથી મુસાફરોમાં ભારે આકર્ષણ વઘ્યું છે. રેલવે દ્વારા ધીમે-ધીમે બધી ટ્રેનોને અપગ્રેડ કરી નાખવામાં આવશે.
ઉપરોકત બંને ટ્રેનમાં નવા કોચ લગાવાયા છે. એની વિશેષતા એ છે કે કોચનાં બહારનાં ભાગે ક્રીમ પીળા અને ભુરા રંગની કલર સ્કીમ અંતર્ગત એન્ટી ગ્રાફીટી પી.યુ. પેન્ટથી રંગવામાં આવ્યા છે. બધા રીઝર્વેશન કોચમાં સ્ટેનલેસ સ્ટીલ લેડરની વ્યવસ્થા છે. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી વર્ષગાંઠ નિમિતે પોસ્ટર લગાડવામાં આવ્યા છે.
શૌચાલયોમાં દુર્ગધ વિરોધી વેંચુરી નામની સિસ્ટમ લગાડવામાં આવી છે. આ સાથે કોચમાં એલઈડી લાઈટ, હાઈ રિસોલ્યુશન બોર્ડ, ઈમરજન્સી નંબર તથા સેવાઓની જાણકારી અપાઈ છે. રેલવે મુસાફરો હવે બહેતર મુસાફરીનો અનુભવ કરી શકશે.