વડીયામાં અઢી ઈંચ બગસરામાં બે ઈંચ વરસાદ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે રાજયનાં 91 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. દરમિયાન આગામી ત્રણ દિવસ સુધી હજી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજયભરમાાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના વડીયામાં અઢી ઈંચ અને બગસરામાં બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. રાજયમા આજ સુધીમાં સીઝનનો 71.10 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. વડીયામાં સૌથી વધુ અઢી ઈચ વરસાદ પડયો હતો. વડીયામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ પડયો હતો. જયારે ધનસુરા અને બગસરામાં બે ઈંચ, નેત્રાંગમાં પોણાબે ઈંચ, દહેગામ અને ઉરછાલમાં દોઢ ઈંચ, ડેડીયાપાડા, વ્યારા, કાલોલમાં એક ષંચ, ખેડબ્રહ્મા, જગડીયા, હાલોલ અને કોટડાસાંગાણીમાં પોણો ઈંચ, સાવરકુંડલા, ઉપલેટા અને ગોંડલમાં અર્ધો ઈંચ વરસાદ પડયો હતો. આજથી ત્રણ દિવસ રાજયમા હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન આગામી સોમવારથી વરસાદનું જોર ઘટશે 8 થી 10 ઓગષ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે.
રાજયમા આજ સુધી સીઝનનો 71.10 ટકા વરસાદ પડયો છે. કચ્છ રિજીયનમાં 118.12 ટકા, ઉતર ગુજરાતમાં 58.05 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 62.90 ટકા, સૌરાષ્ટ્રમાં 62.56 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 83.58 ટકા વરસાદ પડયો છે. ઓગષ્ટમાં પણ સારો વરસાદ વરસે તેવા અણસાર મળી રહ્યા છે.
દરમિયાન આજે સવારથી 14 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. જેમાં ખેડાના માતર તાલુકામાં એક ઈંચ, વસોમાં અર્ધો ઈંચ વરસાદ પડયો હતો.